ભાષા અને સંસ્કૃતિ - બે જોડકી બહેનો

 એક સામાન્ય ગુજરાતી તરીકે જયારે તમે કોઈ બીજા ગુજરાતીને ફાંકડું અંગ્રેજી બોલતા જુઓ ત્યારે તમારા મનમાં તે વ્યક્તિ વિષે પહેલી છાપ શું પડે છેઅને વળી જયારે કોઈ બીજો ગુજરાતી કે જે એકદમ શુદ્ધ અને ભારે ગુજરાતી બોલે છેએવી વ્યક્તિને જોઇને શી લાગણી થાય છેજો તમે નિરીક્ષણ કર્યું હશે તો સમજાશે કે અંગ્રેજી બોલતી વ્યક્તિને સામાન્ય રીતે વ્યાવસાયિક શિક્ષણમાં સુશિક્ષિત અને સ્પર્ધાત્મક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. જયારે શુદ્ધ ગુજરાતી બોલતી વ્યક્તિને એક ખુબ સંસ્કારીવિવેકી અને પ્રામાણિક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આવું કેમશું અંગ્રેજી બોલતી વ્યક્તિ સંસ્કારી અને ગુજરાતી બોલતી વ્યક્તિ સ્પર્ધાત્મક તથા સુશિક્ષિત ના હોઈ શકેબેશક હોઈ શકે! તો પછી આપણને આવી લાગણી થવાનું કારણ શુંકારણ છે ભાષા સાથે જોડાયેલ સંસ્કૃતિનો તફાવત! દાયકાઓથી આપણે અંગ્રેજીને – સાચી કે ખોટી રીતે - ભૌતિક રીતે ઉન્નત સંસ્કૃતિઓની ભાષા તરીકે જોતા આવ્યા છીએ. જયારે ગુજરાતીને આપણે આપણી મહાન સંસ્કૃતિના પ્રતિક રૂપે જોઈએ છીએ. આનો અર્થ એ થયો કે કોઈ પણ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ તેની ભાષા દ્વારા થાય છે. ભાષા અને સંસ્કૃતિ એ એકબીજાના પ્રતિબિંબ જ નહિ પણ અવલંબન પણ છે. સંસ્કૃતિને વિકસવા માટે ભાષા જરૂરી છે અને ભાષાને વિકસવા માટે સંસ્કૃતિ! એટલું જ નહિજો કોઈ સંસ્કૃતિને સાચી રીતે સમજવી હોય તો તે સંસ્કૃતિની અલાયદી ભાષા શીખવી અનિવાર્ય બની જાય છે. જો ભાષા કે તેમાં રહેલ શબ્દોને સમજ્યા વગર સંસ્કૃતિનું આલેખન થાય તો અર્થનાં અનર્થ થઇ જાય. અને એ જ રીતેસંસ્કૃતિને સમજ્યા વગર જો માત્ર ભાષાનો અભ્યાસ થાય તો તેના ખુબ ગંભીર પરિણામો આવી શકે. આનો સીધો અર્થ એ થયો કે જો તમારે સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો ભાષાનું રક્ષણ અને પ્રસાર જરૂરી છે.


આપણી સંસ્કૃતિ પરાપૂર્વથી મહાન રહી છે માટે આપણા શબ્દો પણ ગુઢ અર્થવાળા છતાં ખુબ લાવણ્યમય અને ભવ્ય રહ્યા છે. કોઈ સંસ્કૃતિ કેટલી ઉદ્દાત છે એ સમજવા માટે તેની ભાષામાં પ્રયોજવામાં આવતા સંબોધનોનો અભ્યાસ કરવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં પ્રયોજાયેલા ‘સુજ્ઞ’, ‘શ્રીમાન’, ‘શ્રીમતી’, ‘સ્વર્ગસ્થ’, ‘સૌભાગ્યવતી’, ‘ગંગા સ્વરૂપ’, ‘વાલમ’, ‘ભરથાર’, ‘સહ્ધર્મચારીણી’, ‘પ્રજ્ઞાચક્ષુ’ વગેરે સંબોધનો ભવ્ય તો છે જ પણ તેનાથી પણ વધુ અર્થપૂર્ણમધુર અને લાવણ્યમય છે. શું આ શબ્દોનું તેનો ભાવાર્થ સાચવી રાખીને બીજી કોઈ પણ વિદેશી ભાષામાં ભાષાંતર થઇ શકે ખરુંતિથિઓ માટે ‘પુણ્યતિથી’ અને ‘જન્મજયંતી’ જેટલા ઊંડા અને છતાં જાજરમાન એવા શબ્દો બીજી કોઈ સંસ્કૃતિએ પ્રયોજ્યા નથી. ‘ચરણામૃત’, ‘ચરણકમળ’, ‘ઓવારણા લેવા’, ‘ખિસકોલી-કાર્ય’ અને ‘કન્યાદાન’ જેવા શબ્દો પાછળ રહેલ ભાવ અને લાગણી બીજી કોઈ સંસ્કૃતિની ભાષામાં વ્યક્ત કરી શકાય જ નહી! ‘આગ્રહ કરીને જમાડવું’ નું ભાષાંતર વિદેશી ભાષામાં કરવા જઈએ ત્યારે સમજાય કે એ કેટલું અઘરું કાર્ય છે. એ જ રીતે કોઈકને ત્યાં ‘પેટ ભરીને જમવું’ અને ‘ધરાઈને જમવું’ એ બે વચ્ચેનો તફાવત આપણા માટે સહજ હોઈ શકે પણ કોઈ વિદેશી વ્યક્તિને એ ટૂંકમાં સમજાવવું કાઠું પડી જાય. આની પાછળનું કારણ ભાષાનો તફાવત નથી પણ સંસ્કૃતિનો તફાવત છે! હવે સમજાયું કે શુદ્ધ ગુજરાતી બોલતી વ્યક્તિ માટે આપણને સંસ્કારીતાનો ભાવ શા માટે થાય છે?! આ જ કારણથી જે સમાજ જે સંસ્કૃતિને અનુસરતો હોય તે જ સંસ્કૃતિની ભાષા ઉપયોગમાં લે એ યોગ્ય પણ છે અને આવશ્યક પણ છે. વળી જો લોક સાહિત્યનો અભ્યાસ કરવાનો હોય તો તો ક્ષેત્રીય બોલી અને સંસ્કૃતિ ખરેખર “જીવવી” પડે! ‘પાળિયા’, ‘ખેતલા’, ‘પ્રભાતિયા’, ‘બહારવટીયા’, ‘કસુંબો’ જેવા શબ્દોએ શબ્દો નહિ લોક-જીવન છે! અને આ તો હજી વાત થઇ શબ્દોની. આ ઉપરાંત જો પદ્યોનો અભ્યાસ કરવો હોય તો તો સંસ્કૃતિ જ નહિ પણ જે તે કવિની મનઃસ્થિતિનો પણ અભ્યાસ કરવો પડે! આપણામાંથી મોટા ભાગના તો આ સર્વે રસોથી ભરપુર એવા રસીલા જીવનનો આસ્વાદ માણી શક્યાપણ શું ટયુશનીયા વિદ્યાર્થીઓથી બની રહેલી આપણી ભાવી પેઢીને આપણે આ માટે તૈયાર કરી રહ્યા છીએ?

સંસ્કૃતિ સતત ગતિશીલ અને પરિવર્તન પામતી હોય છે. સંસ્કૃતિના પરિવર્તન સાથે ભાષા પણ બદલાતી રહે છે. ભાષાના આ બદલાવ સાથે જે તે પેઢીના લોકોએ એ નિશ્ચિતપણે જોવું જોઈએ કે જે બદલાવ થઇ રહ્યા છે એનાથી સંસ્કૃતિના મુળ મુલ્યોને તો કોઈ નુકસાન નથી થઇ રહ્યું ને?! કમનસીબે આપણે ઘણા શબ્દો તેની પાછળ રહેલ ભાવાર્થને ભૂલીને ખોટી રીતે ઉપયોગમાં લેતા થઇ ગયા છીએ. ઉદાહરણ તરીકે ‘ગોરખધંધા’ શબ્દએ ના કેવળ ગુરુ ગોરખનાથનું અપમાન કર્યું છેપણ આવા સિદ્ધ સંતોને સમાજમાંથી જાકારો પણ આપી દીધો છે. ‘અઘોરી’ અને ‘હઠયોગી’ શબ્દોના અર્થ વિષે અણસમજને કારણે તેમના સમાજને આપણે ધિક્કારીએ છીએ. અને પછી આપણે એમ વિચારીએ છીએ કે આવા મહાન સંતો હવે કેમ નથી પાકતા?! નિર્મોહ અને સ્થિતપ્રજ્ઞતાના પ્રતિક રૂપે પ્રયોજાયેલા શબ્દ ‘જડભરત’ નો આપણે કેવો ઉપયોગ કરીએ છીએઆપણા શાસ્ત્રો માટે પ્રયોજાયેલા અંગ્રેજી શબ્દ Mythology ને આપણે સહર્ષ સ્વીકારી લીધો. અને આજે પરિણામ એ આવ્યું છે કે એક મોટો વર્ગ આ જ્ઞાનના ખજાના એવા શાસ્ત્રોનેબાળકોને સંભળાવવા માટેની કપોળ કલ્પિત કથાઓ માનવા લાગ્યો છે.

આપણી સંસ્કૃતિ અને ભાષા વચ્ચ્ચેનો આ સબંધ આમતો સામાન્ય અને સાહજિક લાગે. છતાં જો આપણે આપણા નજીકના ભૂતકાળનું અને વર્તમાનનું ઝીણવટથી અવલોકન કરીએ તો એ સમજાશે કે સાવ સ્વાભાવિક જણાતી આ વાતની આપણે કેટલી ઘોર ઉપેક્ષા કરી છે. આ ઉપેક્ષાને કારણે આપણે બહુ મોટી કિંમત ચૂકવી ચુક્યા છીએઅને હજુ ઘણી વધુ કિંમત ચૂકવવાના છીએ. આપણે અગાઉ જોયું તેમ શબ્દો સમજ્યા વિના સંસ્કૃતિનું આલેખન કરવું એ કેટલું ભૂલ ભરેલું છે. તેનાથી ઉલ્ટુંહવે જોઈએ કે આપણી સંસ્કૃતિને સમજ્યા વગર તેમાં પ્રયોજાયેલા શબ્દોનું અર્થઘટન કરવાથી કેટલું મોટું નુકસાન થયું છે.

અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને તેઓએ આપણી સંસ્કૃતિનો અભ્યાસ અંગ્રેજી ચશ્માથી કર્યો. તેઓએ આપણી ભાષા સમજવાનો પ્રયાસ તો કર્યો પણ આપણી સંસ્કૃતિને સમજ્યા વગર! પરિણામે આપણી સંસ્કૃતિના ઘણા અમુક આધારભૂત શબ્દોનું વિકૃત અંગ્રેજી થવા પામ્યું. ઉદાહરણ તરીકેઅંગ્રેજોએ ‘ધર્મ’, ‘અધ્યાત્મ’ અને ‘સંપ્રદાય’ જેવા ત્રણ અલગ શબ્દોને ત્રણમાંથી એકમાં પણ બંધ બેસે નહિ તેવો એક અંગ્રેજી શબ્દReligion આપ્યો! આમ થવાથી આ ત્રણેય શબ્દો સાથે પાયેથી અને બહોળી રીતે જોડાયેલ આપણી બહુમુખી સંસ્કૃતિ ઉપર Religion સાથે જોડાયેલ કટ્ટરતા અને વિચારહીનતાનો બટ્ટો લાગ્યો. આ શબ્દો પહેલાં તો વિદેશીઓની દ્રષ્ટિમાં - અને તેમના દ્વારા પાછળથી આપણી પોતાની દ્રષ્ટિમાં પણ - પશ્ચિમી સંસ્કૃતિનો ભારતીય અવતાર તરીકે ઘર કરી ગયા. આમ થવાથી ‘સંપ્રદાય’ શબ્દને લગતી સહનશીલતા અને ‘ધર્મ’ને લગતી સમર્પણન્યાય તથા વિવેકની ભાવના એ Religion માં રહેલ ‘Holier Than Thou’ ની અધમ માનસિકતાની સમકક્ષ આવી ગયા. વળી શબ્દો અને ભાષા એકબીજાના અવલંબન હોવાને કારણે શબ્દોના અર્થની આ ગેરસમજ આપણી સંસ્કૃતિમાં પણ પેસી ગઈ. પરિણામે "વસુધૈવ કુટુંબકમ" ની વિચારધારા વાળી આપણી સંસ્કૃતિને “ધર્મનિરપેક્ષ” અને "બિનસાંપ્રદાયિક" થવાની શિખામણો આપણે પોતે જ આપવા લાગ્યા છીએ! જેઓ ‘ધર્મ’ અને ‘સંપ્રદાય’ શબ્દોનો બહોળો અર્થ સમજે છે એમના માટે ‘બિનસાંપ્રદાયિકતા’ અને ‘ધર્મનિરપેક્ષતા’ જેવા શબ્દો જો ઘૃણાને પાત્ર નહિ તો હાસ્યસ્પદ તો હશે જ! ‘ધર્મ’ એ આપણી સંસ્કૃતિના વિચારના પાયામાં રહેલ શબ્દ છે. માટે તેનું સાચું અર્થઘટન કરવું અનિવાર્ય છે. આમ કરીશું તો જ આપણને સમજાશે કે આપણે કેટલી મહાન સંસ્કૃતિનો એક ભાગ છીએ અને બીજાઓ કેટલું માર્યાદિત વિચારે છે!

બીજું એક ઉદાહરણ ‘સતી-પ્રથા’નું છે. અંગ્રેજી ચશ્માથી આપણી સંસ્કૃતિ ઉકેલતા અંગ્રેજી વિદ્વાનો (અને ભારતીય પણ!) એ વાત ક્યારેય પણ પચાવી શક્યા નહિ કે કોઈ પતિવ્રતા સ્ત્રી તેના પતિને એટલો પ્રેમ કરી શકે કે તેની ચિતામાં પોતાને પણ હોમી દે. તેઓએ એમ જ માની લીધું કે આ સ્ત્રીઓને બળજબરીથી જ અગ્નિમાં પધરાવાતી હશે. અને આમ કરવાની ભારતમાં "પ્રથા" હશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આજે પણ ઘણા ખરા કુટુંબોમાં તેમના કુળમાં થઇ ગયેલ સતીઓ પૂજાય છે. જો એ "પ્રથા" હોત તો ત્યારના સમયમાં એક પણ વિધવા ડોશી જોવા ના મળતી! અને વળી જો પ્રથા જ હોય તો પૂજન શાનુંઅંગ્રેજો તો પોતાનો અભ્યાસ કરીને જતા રહ્યાપણ તેમના માનસપુત્રોએ આ શબ્દ આપણા માનસમાં ધિક્કાર સહીત ઠોકી બેસાડ્યો. આજે પરિસ્થિતિ એ છે કે એકબાજુ આપણે સતીઓનું પૂજન કરીએ છીએ અને બીજી બાજુ સતી-પ્રથાને કારણે આપણી પોતાની સંસ્કૃતિથી શરમ અનુભવીએ છીએ! જો સંસ્કૃતિ અને ભાષાનો યોગ્ય અભ્યાસ કર્યો હોત તો આ પરિસ્થિતિ ઉપસ્થિત થતી નહિ. આ જ પ્રમાણે ‘જાતી’ અને ‘વર્ણ’ એ બે અલગ શબ્દોને Caste ના કઢંગા માળખામાં બંધ બેસાડીને આપણે આપણી સંસ્કૃતિને ખુબ મોટું નુકસાન કર્યું છે. અજ્ઞાનને કારણે જુજ લોકો દ્વારા થયેલ આ ભૂલને આજે આપણો આખો સમાજ વાસ્તવિકતા માની બેઠો છે અને તેના માટે શરમ અનુભવે છે. આવા તો અનેક ઉદાહરણો છે કે જેમાં સંસ્કૃતિ અથવા ભાષાએ બે માંથી એકનું (અથવા તો બંનેનું) અપુરતું જ્ઞાન હોવાથી કરવામાં આવેલી ભૂલોને કારણે આખા સમાજે મોટી કિંમત ચૂકવેલી છે. આ ઉપરાંત ઘણા શબ્દો – જેમકે ‘સમાધિ લેવી’, ‘યજ્ઞ’, ‘માયા’, ‘પ્રસાદ’, ‘તપ’, ‘રિદ્ધિ’, ‘કર્મ’, ‘અવતાર’, ‘ઉપવાસ’, ‘ઋષિ’ – એવા છે કે જો તેમને પરસંસ્કૃતિના ચશ્માથી જોવામાં આવે તો કાં તો તેમને સમજી જ ના શકાય અને કાં તો તેનો કોઈ વિકૃત અથવા માર્યાદિત અર્થ જ નીકળે.

ખેરઅંગ્રેજો તો જતા રહ્યા. પણ પોતાની પાછળ અંગ્રેજી ચશ્માં જરૂર છોડતા ગયા. આપણે જોયું તેમ ભાષા અને સંસ્કૃતિ એ બંને એકબીજાના અવલંબનથી જ ટકી રહે છે. પરંતુ આપણે હાલના સમયમાં આપણી માતૃભાષાને – અને તેના દ્વારા આપણી સંસ્કૃતિને – વહેલી તકે જાકારો આપવા માટે કમર કસીને બેઠા હોય એવું લાગે છે. "આવ રે વરસાદઢેબરીયો વરસાદ" ની બદલે બાળકોને ‘Rain Rain Go Away’ ભણાવાય છે! ‘London Bridge Is Falling Down’ સાથે ત્રણ વર્ષના ગુજરાતી બાળકને શું લેવા દેવાવિદેશી સંસ્કૃતિના બાળકો માટે વિદેશી ભાષામાં બનેલા વિદેશી જોડકણા ગુજરાતી બાળકોને ભણાવવાનો શું અર્થશું મૂર્ખતા અને ઉપેક્ષાની આ પરાકાષ્ઠા નથીઆટલી કુમળી વયથી જ બાળકોને પોતાની માતૃભાષા અને સંસ્કૃતિથી સાત સમુંદર દુર લઇ જવા એ શું ઘોર અપરાધ નથીનાનપણથી જ અંગ્રેજીમાં ઉછરેલા આ બાળકો શું મોટા થઈને ‘કર્મ’ અને Deeds તથા ‘સાધુ/સંત’ અને Saint વચ્ચેનો તફાવત સમજીને આપણી સંસ્કૃતિ માટે ગૌરવ અનુભવી શકશે? ‘ભોગ ધરવો’ અને ‘ભોગ ભોગવવા’ વાચ્ચેનો ભેદ તેઓ કઈ રીતે સમજશેઅંગ્રેજી ભાષા રૂપી જળો ભયંકર ભરડો ઘાલીને સતત આપણી સંસ્કૃતિનો રસકસ ચૂસી રહી છે. ગુજરાતીઓનું ગુજરાતી ભાષાનું સ્તર સતત કથળતું જાય છે. અને એ વાત ખાસ નોંધનીય છે કે જેમ જેમ ગુજરાતી ભાષાનું સ્તર કથળતું જાય છે તેમ તેમ ગુજરાતી સંસ્કૃતિનું સ્તર પણ સમાંતર રીતે કથળતું જાય છે. આપણા મહાનગરોમાં કે જ્યાં લોક-બોલીનો પ્રયોગ ઓછો થઇ ગયો છેઅને ગુજરાતીમાં ભણતરનું પ્રમાણ પણ સાવ ઘટી ગયું છેત્યાં સંસ્કૃતિ પણ સતત અલિપ્ત થતી જાય છે. નાના નગરો અને ગામડાઓમાં કે જ્યાં હજુ લોક-બોલીનું અને ગુજરાતી ભણતરનું પ્રમાણ ઊંચું છે ત્યાં સંસ્કૃતિ પણ જળવાઈ રહી છે. આવનાર પેઢીમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરવું એ દરેક પેઢીનું કર્તવ્ય છે. પણ લાગે છે કે આપણી હાલની પેઢી આ કર્તવ્યનું પાલન ના કરીને ભયંકર ભૂલ કરી રહી છે. જો ગુજરાતીઓની આવનાર પેઢીઓમાંથી મોટાભાગનાનું શિક્ષણ અંગ્રેજીમાં થવાનું હોય તો શું આવનાર સમયમાં આપણા લોકગીતોગરબાજોડકણા અને કહેવતો અંગ્રેજીમાં બનવાના છેજો આપણે આપણી ભાષા અને તેના દ્વારા સચવાતી આપણી સંસ્કૃતિની આ જ રીતે ઉપેક્ષા કરતા રહીશું તો ઈતિહાસ આપણી આ પેઢીને ક્યારેય માફ નહિ કરે.

અને છેલ્લે ગ્રીક સંસ્કૃતિમાં વર્ણવેલ ‘દેવતાઓના કર’ અને ‘દેવતાઓના પ્રકોપ’ જેવા શબ્દોના વણસમજ્યા અર્થઘટનને કારણે આજે તે મહાન સંસ્કૃતિ નિંદા અને હાંસીને પાત્ર બની ગઈ છે. જો આપણે પણ આ જ રીતે આપણી ભાષાને તરછોડીશું તો એક દિવસ આપણે પોતે પણ નિંદા અને હાંસીને પત્ર બની જઈશું! અરેઆપણે પોતે જ આપણી પોતાની હાંસી ઉડાવતા હોઈશું!




ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા