ભાષા અને સંસ્કૃતિ - બે જોડકી બહેનો
એક સામાન્ય ગુજરાતી તરીકે જયારે તમે કોઈ બીજા ગુજરાતીને ફાંકડું અંગ્રેજી બોલતા જુઓ ત્યારે તમારા મનમાં તે વ્યક્તિ વિષે પહેલી છાપ શું પડે છે ? અને વળી જયારે કોઈ બીજો ગુજરાતી કે જે એકદમ શુદ્ધ અને ભારે ગુજરાતી બોલે છે , એવી વ્યક્તિને જોઇને શી લાગણી થાય છે ? જો તમે નિરીક્ષણ કર્યું હશે તો સમજાશે કે અંગ્રેજી બોલતી વ્યક્તિને સામાન્ય રીતે વ્યાવસાયિક શિક્ષણમાં સુશિક્ષિત અને સ્પર્ધાત્મક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. જયારે શુદ્ધ ગુજરાતી બોલતી વ્યક્તિને એક ખુબ સંસ્કારી , વિવેકી અને પ્રામાણિક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આવું કેમ ? શું અંગ્રેજી બોલતી વ્યક્તિ સંસ્કારી અને ગુજરાતી બોલતી વ્યક્તિ સ્પર્ધાત્મક તથા સુશિક્ષિત ના હોઈ શકે ? બેશક હોઈ શકે! તો પછી આપણને આવી લાગણી થવાનું કારણ શું ? કારણ છે ભાષા સાથે જોડાયેલ સંસ્કૃતિનો તફાવત! દાયકાઓથી આપણે અંગ્રેજીને – સાચી કે ખોટી રીતે - ભૌતિક રીતે ઉન્નત સંસ્કૃતિઓની ભાષા તરીકે જોતા આવ્યા છીએ. જયારે ગુજરાતીને આપણે આપણી મહાન સંસ્કૃતિના પ્રતિક રૂપે જોઈએ છીએ. આનો અર્થ એ થયો કે કોઈ પણ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ તેની ભાષા દ્...