તારકાસુર - એક સમુચિત અને પ્રાસંગિક દ્રષ્ટિકોણ
શાસ્ત્રોનું નિયમિત અધ્યયન કરવું અત્યંત આવશ્યક છે. જેઓ એવું કરે છે તે બધાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે તેઓ એક જ ગ્રંથ વારંવાર વાંચે છે, ત્યારે દરેક વખતે કોઈ ને કોઈ એવી નવી વાત સામે આવી જાય છે કે તમારા જ્ઞાનના ચક્ષુ અચાનક જ ખૂલી જાય છે, અને આ જગતને જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. માતા વરાંગી અને દૈત્ય વજ્રાંગના પુત્ર, તારકાસુરની કથા આમ તો પ્રચલિત અને બહુ જાણીતી છે, પરંતુ શિવપુરાણ વાંચતા વાંચતા આજે એક સાવ અલગ જ દૃષ્ટિકોણ મળી ગયો. તારકાસુર એક અત્યંત બળશાળી દૈત્ય હતો જેનો એક જ ધ્યેય હતો, દેવતાઓને પરાસ્ત કરવાનો! અસુરો આમ તો દેવતાઓથી ક્યારેય જીતી શકતા નથી, એટલા માટે તેમણે અત્યંત કઠોર તપશ્ચર્યા કરીને દેવતાઓ કરતાં પણ મોટી શક્તિઓ, એટલેકે બ્રહ્મા, વિષ્ણુ, શિવ જેવા ઈશ્વર પાસેથી વરદાન પ્રાપ્ત કરવા પડે છે. પરંતુ અસુરો પરિશ્રમ કરવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. અત્યંત કઠોરમાં કઠોર તપસ્યા કરીને તારકાસુરે ભગવાન બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું કે તે ત્રિલોકમાં સૌથી વધુ બળશાળી બની જાય અને તેનું મૃત્યુ માત્ર શિવજીના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્ર દ્વારા જ થઈ શકે. આવું વરદાન તેણે એટલા મા...