કર્મ સિદ્ધાંત - ભાગ ૧ - કર્મો કેટલા પ્રકારના હોય છે?

ॐ श्री गणेशाय नमः

લોકોને પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક, સુખ-દુખ વિષે અનેક પ્રશ્નો હોય છે. અને જયારે એ પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર નથી મળતો ત્યારે તેમનામાં અશ્રદ્ધાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, અને અંતે નાસ્તિકતા આવી જાય છે. સામાન્ય માણસો જ નહિ, મોટા મોટા વિદ્વાનો પણ આ વિષયમાં અજ્ઞાનના કારણે પોતે પણ અશ્રદ્ધાવાન બનતા જોવા મળ્યા છે અને બીજાઓને પણ નાસ્તિક બનાવે છે.

અમુક કહેવાતા વિદ્વાન લોકો કહે છે કે - "બધું આહી નું અહી જ છે". પણ જયારે સારા માણસોને દુખી થતા જુવે છે ત્યારે પોતાની આ માન્યતા તરફ અશ્રદ્ધા ઉપજે છે, અને અંતે નાસ્તિક બનીને પોતાની અધોગતિ કરી લે છે.

આ કારણે, લોકોનું અજ્ઞાન દુર થાય, અને ઈશ્વરમાં શ્રદ્ધા બેસે એ હેતુથી આ "કર્મ સિદ્ધાંત" શ્રુંખલા અંતર્ગત હું શાસ્ત્રસંમત રીતે કર્મોની ગતિ, કર્મોનું વિજ્ઞાન, સ્વર્ગ-નર્ક, કર્મોના પ્રકાર વગેરે વિષયો ઉપર વિશદ છણાવટ કરવાનો પ્રયત્ન કરીશ.

આ શ્રુંખલાના શ્રદ્ધાવાન પાઠકોને આ શ્રુંખલા પૂરી થતા સુધીમાં મનમાં કોઈપણ પ્રકારના સંશય કે પ્રશ્નો ના રહે એ માટે હું પ્રયત્ન કરીશ. ભગવાન મને આ માટે યથોચિત સામર્થ્ય આપે એવી પાર્થના સહ...  

-----------------------------------------------

કર્મોના મુખ્યત્વે ૩ વર્ગ હોય છે.

૧. સંચિત કર્મ ૨. પ્રારબ્ધ કર્મ ૩. ક્રિયમાણ કર્મ (અથવા આગામી કર્મ)

સંચિત કર્મ

આ કર્મો એ છે કે જે આપણે અનેક જન્મોથી ભેગા કરેલા છે, અને જે હજુ ભોગવાના બાકી છે. દરેક જન્મમાં આપણે કર્મો કરીએ છીએ અને આપણો કર્મોનો ભાર વધારતા જઈએ છીએ. 

પ્રારબ્ધ કર્મ

આ એ કર્મોનો સમૂહ છે કે જે આપણે આ જન્મમાં ભોગવવાના છે. સંચિત કર્મોમાંથી માત્ર અમુક જ ભાગ આપણને આ જન્મમાં ભોગવવા મળે છે, કારણકે સંચિત કર્મો તો અનેક જન્મોના છે. એક જન્મમાં આપણે એ બધા કર્મો ના ભોગવી શકીએ. માટે આ જન્મમાં જે કર્મો ભોગવવાના છે એ કામોના સમુહને પ્રારબ્ધ કર્મ કહે છે. આ એ જ કર્મો છે જેને આપણે "ભાગ્ય" કહીએ છીએ (અને જેને આપણે ભાંડતા રહીએ છીએ).

ક્રિયમાણ કર્મ

આ જન્મમાં આપણે કર્મો તો ભોગવવાના જ છે. પણ સાથે સાથે આપણે નવા કર્મો પણ કરતા જઈએ છીએ. એ બધા પાપ-પુણ્યો જે ભેગા થાય છે એ કર્મોના સમુહને ક્રિયામણ કર્મ કહે છે. ક્રિયમાણ કર્મોનું ફળ આ જન્મમાં પણ મળી શકે છે અને આવનાર જન્મોમાં પણ મળી શકે છે.

શા માટે અમુક લોકો પાપ ના કરવા છતાં દુખી હોય છે, અને અમુક લોકો પુણ્ય ના કરવા છતાં સુખી હોય છે?

મનુષ્ય પોતાના આ જન્મમાં પોતાના ક્યા જન્મનું ફળ ભોગવી રહ્યો છે એ કોઈ નથી જાણતું. એ ફક્ત ઈશ્વર જ જાણે છે. બની શકે કે મનુષ્ય બહુ પાપી હોવા છતાં પોતાના કોઈ જન્મના પુણ્યો ભોગવી રહ્યો હોય, અને એવું પણ બની શકે કે કોઈ બહુ સારો માણસ પોતાના પાપોનો ભાર આ જન્મમાં ઉતારી રહ્યો હોય.

અહીં નીચે બે કોષ્ટક આપેલા છે. આ કોષ્ટકમાં આ ત્રણેય પ્રકારના કર્મોનું ઉદાહરણ સાથે આલેખન કરેલું છે. આ ઉદાહરણ સરળતાથી સમજવા માટે આપેલું છે.


તમે ઉપર જોઈ શકો છો કે સંચિત કર્મો તો બહુ અધિક માત્રામાં હોય છે અને અનેક પ્રકારના હોય છે. તે બધા એક જ જન્મમાં ભોગવી શકવા શક્ય નથી. માટે એમાંથી અમુક ભાગ લઈને આપણા એક જન્મનું પ્રારબ્ધ બને છે.

અહીં ઉપર આપેલા કોષ્ટકમાં જુઓ. આ વ્યક્તિના સંચિત કર્મોમાં પાપ અને પુણ્ય બંને જ છે. પરંતુ તેના આ જન્મના પ્રારબ્ધ કર્મમાં થોડા જ પુણ્યનો ભોગ આવ્યો છે. બાકી બધું પાપ જ ભોગવવાનું છે. જ્યારે તેના ક્રિયમાણ કર્મો જોવામાં આવે તો તે બધા સારા જ કર્મો છે. તેથી આપણને લાગે છે કે આ વ્યક્તિ ખૂબ સારો છે, તેમ છતાં દુઃખી છે. પરંતુ તેના ક્રિયમાણ કર્મોમાંથી થોડો જ ભાગ એવો છે જે તેને આ જન્મમાં ભોગવવા મળી રહ્યો છે. પરંતુ રોજ મંદિરમાં દર્શન કરવાથી તેનું જીવન કંઈક તો સરળ થઈ જ રહ્યું છે. આવી જ રીતે સુખ ભોગવનારા પાપીઓના કર્મો પણ ફળ આપે છે.

આ જ રીતે કોઈ પાપી મનુષ્ય ખુબ સુખ ભોગવતો હોય તો સમજવું કે એ તેના પુણ્યો ક્ષીણ કરી રહ્યો છે, અને એની અધોગતિ નિશ્ચિત છે.

આ ઉપરાંત ઘણા લોકો નીચે પ્રમાણે પ્રશ્નો પૂછતાં હોય છે.

શું આપણે થોડા પાપો કરીએ પણ પુણ્યો એનાથી વધારે કરીએ તો આપણા પાપો નાશ થાય છે?

ના. નથી થતાં. અબ્રાહામિક મજ્હાબો (ઇસ્લામ, ખ્રિસ્તી ઇત્યાદિ) કર્મના સિદ્ધાંતમાં અને પુનર્જન્મમાં નથી માનતા, માટે તેઓ કહે છે કે જો વ્યક્તિના કુલ પાપોની રાશી કરતા એક પણ પુણ્યનું કાર્ય વધારે હશે તો તે જન્નતમાં કે હેવનમાં જશે નહીતો હેલ અથવા તો જહાન્નુંમમાં જશે. અર્થાત જો વ્યક્તિએ પાંચ લાખ પાપો કર્યા છે, અને પાંચ લાખથી એક વધુ પુણ્ય કર્યા છે, તો એ વ્યક્તિ જન્નતમાં જશે.

પણ આપણા શાસ્ત્રો આ બાબતમાં સ્પષ્ટ છે. પાપ અને પુણ્ય એ બંને અલગ અલગ ભોગવવા પડે છે. જો ૯૯ પુણ્યો હોય અને માત્ર ૧ પાપ હોય તો પણ એ ૧ પાપ તો ભોગવવું જ પડે છે. આ પાપો ભોગવવા માટે આપણને અલગ અલગ યોનીઓમાં જન્મ મળે છે.

શું ભગવાન પાસે પસ્તાવો (confession) કરી લેવાથી પાપોનો નાશ થાય છે?

અબ્રાહમીક મઝહબોની આ વિચારધારા બહુ વિચિત્ર છે કે તમે તમારા અપરાધો વિષે ભગવાન પાસે પસ્તાવો કરી લો તો તમારા પાપો નષ્ટ થઇ જશે! એટલે ગમ્મે તેટલા પાપો કરતા રહો, પણ રોજ મંદિરે જઈને પસ્તાવો કરી દો તો તમને પાપ નહીં લાગે. આનાથી વધુ નિકૃષ્ટ વિચારધારા ના હોઈ શકે.

આપણા ધર્મમાં આપણે માનીએ છીએ કે... 

"अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्।
न भुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि।।"
अर्थात: મનુષ્યે પોતાના કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ નિશ્ચિત રૂપે ભોગવવું પડે છે. જે કર્મનું ફળ ભોગવવામાં ન આવે, તે કર્મ લાખો-કરોડો કલ્પ (સમયચક્ર) પસાર થયા પછી પણ નાશ પામતું નથી.

માટે કર્મનું ફળ ભોગવ્યે જ છૂટકો છે.
તો પછી પ્રશ્ન થાય કે શું પસ્તાવો કરવાનો કોઈ લાભ નથી? ના. એવું પણ નથી. પસ્તાવો કરવાથી મન શુદ્ધ થાય છે અને આવા કર્મો ફરીથી કરતા બચીએ છીએ. અને ભગવાન પાસે પસ્તાવો કરવાથી ભગવાન આપણને ભવિષ્યમાં આવી ભૂલો કરતા રોકે છે, અને સારી પ્રેરણા આપે છે. પરંતુ જે કર્મ થઇ ગયું એનું ફળ ભોગવવામાં ભગવાન પણ આડો હાથ દેતા નથી.
--------------------------------------------------------------------------------------------

હવે આપણે આ લેખમાળાના ભાગ ૨ માં જોઈશું કે
  • શું સ્વર્ગ નર્ક જેવું કઈં હોય છે?
  • શું ગરુડ પુરાણમાં લખેલી બધી યાતનાઓ ખરેખર બને છે?
  • શું 84 લાખ યોનિઓવાળી વાત સાચી છે?
  • શું મનુષ્ય સિવાય બીજી કોઈ યોનિમાં કર્મનો દોષ નથી લાગતો?
  • મનુષ્યોના ભૂત-પ્રેત બને છે, તો પશુઓના ભૂત-પ્રેત શા માટે નથી બનતા?


---------------------------------------------------------------------------------------

કર્મ સિદ્ધાંતને લગતો જ એક અન્ય લેખ પણ અહીં વાંચો


ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા