કર્મસિદ્ધાંત - ભાગ ૨ - શું સ્વર્ગ-નરક જેવું કંઈક હોય છે? ગરુડ પુરાણમાં વર્ણવેલ યાતનાઓ શું સાચી છે?

પાછલા ભાગમાં આપણે જોયું કે કર્મ કેટલા પ્રકારના હોય છે. પરંતુ જો બધા કર્મ મનુષ્ય યોનિમાં જ ભોગવવાના હોય તો પછી સ્વર્ગ, નરક વગેરે લોકો શા માટે બનાવવામાં આવ્યા છે?

શું સ્વર્ગ-નરક જેવું કંઈક હોય છે?

મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન ઘણાં એવાં કર્મો કરે છે, જેનો ભોગ મનુષ્ય શરીરથી ન થઈ શકે. મનુષ્ય શરીરની કેટલીક મર્યાદાઓ હોય છે. તે એક મર્યાદાથી વધુ દુઃખ કે સુખ સહન નથી કરી શકતું. મનુષ્યોની સરખામણીએ પશુઓમાં ભોગની ક્ષમતા વધુ હોય છે, પરંતુ તેમની પણ મર્યાદા હોય છે. કેટલાંક ઘોર પાપ એવાં હોય છે, જેનું ફળ અતિકઠોર હોય છે, જેમ કે ગરુડ પુરાણમાં જઘન્ય પાપો માટે તેલના તવામાં વારંવાર તળવું વગેરે જેવી ભયંકર યાતનાઓનું વર્ણન છે. આ યાતનાઓ કોઈ પણ લૌકિક શરીર સહન નથી કરી શકતું, ન મનુષ્ય કે ન પશુ. એ જ રીતે, કેટલાંક પુણ્ય એટલાં મોટાં હોય છે કે જેનું ફળ આપણે આ શરીરથી ભોગવી નથી શકતા. જેમ કે, તમને કોઈ વ્યંજન ખૂબ ગમે છે, પરંતુ તમે તેને એટલું જ ખાઈ શકો જેટલી તમને ભૂખ હોય. તે પછી તમે ઈચ્છો તો પણ ખાઈ નથી શકતા.  

ઉપરોક્ત મર્યાદાઓને કારણે જ સ્વર્ગ અને નરકની રચના કરવામાં આવી છે. જ્યારે જીવાત્મા સ્વર્ગમાં જાય છે, ત્યારે તેને ત્યાં ભોગ શરીર પ્રાપ્ત થાય છે. આ શરીર ભોગ ભોગતાં થાકતું નથી. જ્યાં સુધી સ્વર્ગલોકના યોગ્ય પુણ્યોનો ક્ષય ન થાય, ત્યાં સુધી આ શરીર ભોગવતું રહે છે. તે સ્થાન પર જીવાત્માને પરમસુખની પ્રાપ્તિ થાય છે. અને એ જ રીતે, જ્યારે જીવ નરકમાં જાય છે, ત્યારે તેને યાતના શરીર મળે છે. આ શરીરને ગમે તેટલી યાતનાઓ આપવામાં આવે, તે મરતું નથી. જ્યારે તેના પાપોનો ક્ષય થાય, ત્યારે જ આ યાતનાઓ સમાપ્ત થાય છે.  

પરંતુ એવું કેવી રીતે શક્ય છે કે કોઈ બીજું શરીર મળી જાય, જે આટલાં ભોગો ભોગવી શકે?

આ શક્ય છે. જ્યારે આપણે સ્વપ્ન જોઈએ છીએ, ત્યારે આપણને સ્વપ્ન શરીર મળે છે. આ સ્વપ્ન શરીરની ભોગ ભોગવાની ક્ષમતા લૌકિક શરીરો કરતાં ઘણી વધુ હોય છે. આપણાં નાનાં-મોટાં પાપ અને પુણ્ય સ્વપ્નના માધ્યમથી ભોગવાય છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો જાણતા હશો કે સ્વપ્નમાં આપણે ભોગથી ધરાતા નથી, અને પીડાઓથી ક્યારેય મૃત્યુ પણ નથી આવતું. સ્વપ્નમાં મૃત્યુ અશક્ય છે.

તો શું ગરુડ પુરાણમાં લખેલી બધી યાતનાઓ ખરેખર બને છે?

હા. શાસ્ત્રોમાં લખેલી કોઈ પણ વાત ખોટી નથી હોતી. આપણો એવો ભ્રમ છે કે શાસ્ત્રોમાં આવું લખવાનું કારણ એ છે કે આપણે તેને વાંચીને ખરાબ કામોથી ડરતા રહીએ. આપણે જે જગત જોઈએ છીએ, તે ફક્ત દૃશ્યમાન જગત છે. તેના સિવાય અનેક લોકો, અનેક ભુવનો છે. આ દૃશ્યમાન જગતમાં પણ ઘણી એવી વાતો છે, જેને આપણે તર્ક-વિતર્ક કે ઇન્દ્રિયો દ્વારા સમજી નથી શકતા, કે આ શરીરની સીમામાં રહીને અનુભવી નથી શકતા. તો આ તો પરલોકની વાતો છે. તે વાતોને આપણે તર્ક-વિતર્કના ત્રાજવામાં કેવી રીતે તોલી શકીએ?  

તો શું ગરુડ પુરાણમાં વર્ણવેલ વિવિધ યોનિઓમાં મળતા જન્મની વાત પણ સાચી છે? સાંભળવામાં તો તે બધું અવિશ્વસનીય લાગે છે.

મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન રોજિંદા જાણે-અજાણે સેંકડો કર્મો કરે છે. કેટલાંક કર્મો શરીરથી થાય છે, કેટલાંક માનસિક કર્મો હોય છે, અને કેટલાંક ન ઈચ્છતાં, ન જાણતાં પણ થઈ જાય છે. જ્યારે આપણે ખાઈએ છીએ, ત્યારે તે રસોઈમાં લાખોની સંખ્યામાં કીટકોની જીવહત્યા થઈ હશે. જ્યારે આપણે પગ મૂકીએ છીએ, ત્યારે કેટલીક હત્યાઓ થાય છે, શ્વાસ લેવાથી પણ હત્યાઓ થાય છે. આ બધાં જ કર્મો છે, અને તેનું ભુગતાન કરવું પડે છે (આવાં કર્મોના ભુગતાનથી કેવી રીતે બચવું, તે આપણે આગળ જોઈશું).  

આ તો થઈ નાનાં-નાનાં અજાણ્યાં કર્મોની વાત. ગરુડ પુરાણમાં અનેક પ્રકારના કર્મોનું વિસ્તૃત ફળકથન છે. જેમ કે:  

  • રોજિંદા સ્વચ્છતા ન રાખનારી સ્ત્રીને સરીસૃપ (ગરોળી, સાપ વગેરે) યોનિ મળે છે.  
  • લોભ કરવાથી કાગડો, ગીધ વગેરે યોનિ મળે છે.  
  • માંસાહાર કરવાથી માંસભક્ષી પશુની યોનિ મળે છે.  
  • અનૈતિક વ્યવહાર કરવાથી કીટ/પતંગ/માખી/મચ્છર વગેરે યોનિ મળે છે.  
  • પવિત્ર વસ્તુનું અપમાન કરવાથી કાંટાદાર વનસ્પતિનો જન્મ મળે છે.  
  • આળસ કરવાથી ઝાડ, છોડ વગેરે સ્થાવર યોનિ મળે છે.  
  • ધનનો દુરુપયોગ કરવાથી કીડીની યોનિ મળે છે.  
  • દારૂ પીવાથી કૃમિ વગેરે કીડા બન્યા પછી નિમ્ન યોનિ મળે છે.

આમાંથી ઘણા બધા કર્મો માનસિક પણ છે. કર્મ તો વિચારોથી પણ થાય છે.

હવે તમે જ વિચારો કે દિવસમાં કેટલી વાર આપણે લોભ કરીએ છીએ, કેટલી વાર અસ્વચ્છતા કરીએ છીએ, આળસ કરીએ છીએ વગેરે વગેરે. આટલી આટલી વાર આપણે આ આ પશુઓની યોનિમાં જન્મ લેવું પડશે. હવે તમે જ જુઓ, આ પૃથ્વી પર કેટલાં મનુષ્યો છે અને કેટલાં ઝાડ, છોડ, પશુ, પક્ષી, કીટક, વાયરસ, બેક્ટેરિયા વગેરે છે. જેટલાં જીવો છે, તેટલાં પ્રકારનાં પાપો પણ છે. આપણાં રોજિંદા કરેલાં પાપોનું આ જ ભવિષ્ય છે.  

તો શું 84 લાખ યોનિઓવાળી વાત સાચી છે?

જીવવિજ્ઞાનીઓ અત્યાર સુધી લગભગ 20 લાખ જેટલી પ્રજાતિઓ ઓળખી શક્યા છે. તેમનો અંદાજ છે કે તેનાથી ઘણી વધુ - 80 લાખ - પ્રજાતિઓ હોઈ શકે છે. મોટા ભાગની ઊંડા સમુદ્રમાં હોવાને કારણે જોવા નથી મળી. તો 80 લાખ તો અહીં જ થઈ ગયા. આ ઉપરાંત દેવલોક, સર્પલોક, ગંધર્વલોક વગેરે અનેક લોકો છે, જેમાં વિવિધ યોનિઓનો વાસ છે. જીવ પોતાના કર્મો અનુસાર આ બધી યોનિઓમાં જન્મ લઈને ફરી મરતો રહે છે.  

તો શું મનુષ્ય સિવાય બીજી કોઈ યોનિમાં કર્મનો દોષ નથી લાગતો?

એકમાત્ર મનુષ્ય યોનિ જ કર્મ યોનિ છે. તેના સિવાય દરેક યોનિ ફક્ત ભોગ યોનિ છે. બીજા શરીરોથી ફક્ત ભોગ ભોગવી શકાય, કર્મ નથી કરી શકાતું. આથી જ દેવતાઓ પણ મનુષ્ય શરીર મળવાની ઈચ્છા રાખે, કારણકે તેમને દેવ શરીર આમ જ મળ્યું હતું, અને તેમને મુક્તિ પણ મનુષ્ય શરીરથી જ મળશે.  

મનુષ્યોના ભૂત-પ્રેત બને છે, તો પશુઓના ભૂત-પ્રેત શા માટે નથી બનતા?

કારણ કે ભૂત-પ્રેત પણ એક ભોગ યોનિ જ છે. આ આત્માઓ શરીર ગુમાવી ચૂકી હોય છે, પરંતુ તેમનાં કર્મો અને વાસનાઓ ફક્ત એક સૂક્ષ્મ શરીર લઈને જીવંત હોય છે. આ ખૂબ જ દયનીય સ્થિતિ હોય છે. તમે વિચારો કે તમને ખૂબ ભૂખ લાગી છે, પરંતુ તમારી પાસે ખાવા માટે મોં અને પેટ જ નથી, તો કેવું લાગશે? અન્ય યોનિઓ કર્મોનો સંચય નથી કરતી. આથી તેમને પશુ યોનિના ફળ સ્વરૂપે પ્રેત યોનિ પણ નથી મળતી.

મૃતાત્મા પ્રેત કઈ રીતે બને છે, પ્રેતોનુ જીવન કેવું હોય છે, પ્રેતોની બાબતોમાં મનુષ્યોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધા વિષયો ઉપર મારી એક આખી લેખમાળા ઉપલબ્ધ છે. તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો - ભૂત પ્રેત પિશાચોનું રહસ્ય - ભાગ 1.

તો પછી આ કર્મફળના ચક્કરમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો?

આ પ્રશ્નનો જવાબ તો લગભગ દરેક સાધુ-સંત આપે જ છે, તેથી આ પ્રશ્ન કોઈ પૂછતું નથી, જોકે આ જ પ્રશ્ન આ જગતનો સૌથી મહત્વનો પ્રશ્ન છે. આ શ્રેણીમાં આગળના કોઈ વિભાગમાં આની ચર્ચાકરી છે. આ માટે વાંચો કર્મ સિદ્ધાંત - ભાગ 5 ભાગ્ય વધુ બળવાન કે કર્મ?. પરંતુ એ પહેલા આ શ્રેણીનો હવે પછીનો ભાગ ૩ વાંચો.

--------------------------------------------------------------------------------------------------

આપણે આ શૃંખલાના ભાગ ૩ માં જોઈશું કે
  • કર્મની ગતિ કેટલી ગહન હોય છે
  • કર્મની ગતિ નક્કી કરવાનું ઈશ્વરનું જે કામ છે એ કેટલું અઘરું છે

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે