ગરબા રાસની ઉત્પત્તિ અને રહસ્ય
આ નવરાત્રી પર્વના સૌને જય અંબે 🙏 ગરબા તો લગભગ બધા રમે છે પણ એની ઉત્પત્તિ વિષે બહુ ઓછા લોકો જાણે છે. તો આવો જોઈએ કે ગરબાની ઉત્પત્તિ કેવી રીતે થઇ. ગરબો શું છે? ગરબો શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના "ગર્ભ દીપ" શબ્દથી થઇ છે. આપણા શરીરમાં જીવાત્મા રહેલો હોય છે જે વિવિધ ઈન્દ્રીઓ દ્વારા બાહ્ય જગત માટે પ્રકાશિત હોય છે. એ જ રીતે ગરબો એ એક અનેક કાણાઓ વાળી ગોળ માટલી હોય છે જેની અંદર દીવો પ્રગટાવેલો હોય છે. આ દીવાનો પ્રકાશ કાણાઓ દ્વારા બહાર ફેલાય છે. જો આ કાણા ના હોય તો પ્રકાશ બહાર ફેલાય નહીં , અને જો અંદર દીપ પ્રગટેલો ના હોય તો પણ પ્રકાશ ફેલાય નહિ. આ રીતે ગરબો એ આપણા શરીર અને અંતઃકરણનું પ્રતીક છે. આ ગરબો લઈને માતાજીના વિગ્રહની ફરતે એક વર્તુળમાં ફરીને નૃત્ય કરવામાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે મનુષ્ય અનેક જન્મો સુધી આ સંસારમાં ફેરા ફર્યા કરે છે, અને આ સંસારની ધરી, એનું કેન્દ્રબિંદુ, એ આ આદ્યશક્તિ અંબે માતા જ છે. ગરબા રાત્રે જ કેમ રમવામાં આવે છે? આપણી સંસ્કૃતિમાં ઘણા એવા તહેવારો છે જે કે રાત્રીપ્રધાન છે. જેમકે શિવરાત્રી, દિવાળી, કૃષ્ણ જન્માષ્ટમી અને નવરાત્રી. આ દિવસોમાં રાત્રિનો સમ...