કર્મ સિદ્ધાંત - ભાગ 6 - માનસિક કર્મોનું ફળ કેવી રીતે મળે છે?

આ લેખ શ્રેણીના પાછલા અંકમાં આપણે જોયું: કર્મ સિદ્ધાંત - ભાગ 5 - ભાગ્ય વધુ બળવાન કે કર્મ? કર્મોથી મુક્તિ કઈ રીતે મળે? શા માટે ભક્તો વધુ દુઃખી હોય છે?

આ લેખમાં આપણે જોઈશું કે:

  1. માનસિક કર્મોની શું ગતિ હોય છે?
  2. શું કોઈને મનમાં ભાંડવાથી, કોઈનું અહિત ઇચ્છવાથી, કે મનોમન ભગવાનનું સ્મરણ કરવાથી ફળ મળે છે?
  3. શું ઓનલાઇન હિંસક વિડીયો ગેમ રમવાથી કે હસ્તમૈથુન કરવાથી પાપ લાગે છે?
--------------------------------------------------------------------------------

માનસિક કર્મોની શું ગતિ હોય છે?

આપણે અગાઉ જોયું એમ કર્મની ગતિ બહુ ગહન હોય છે. પણ માનસિક કર્મોની ગતિ તો એનાથી પણ વધુ ગહન હોય છે. શાસ્ત્રોના સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો કોઈપણ કર્મ પાછળની ભાવના જ કર્મનું કેવું ફળ મળશે એ નક્કી કરે છે. કોઈપણ કર્મ મનમાં પહેલા થાય છે અને પછી ભૌતિક રીતે કરવામાં આવે છે. આ માટે મનથી કરેલા કર્મનું ફળ તો મળવાનું જ, ભલેને પછી ભૌતિક રીતે એ, કોઈપણ કારણસર, કરવામાં ના આવ્યું હોય. કોઈની હત્યા કરવાનું જો માનસિક કર્મ કર્યું હોય, પણ ભૌતિક રીતે ના કરી શકીએ, તો પણ એ માનસિક કર્મ તો થયું જ ગણાય.

આ સાથે, શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કળયુગમાં માનસિક પાપોનું ફળ મળતું નથી, પણ માનસિક રીતે કરેલા પુણ્યોનું ફળ અવશ્ય મળે છે. સાંભળવામાં આ વાત થોડી વિચિત્ર લાગે પણ આનું કારણ છે. વ્યક્તિના માનસિક કર્મો કેટલા પરિણામી છે એ વાતનો નિર્ણય એના સંકલ્પ બળ ઉપર આધાર રાખે છે. અગાઉ ઋષિમુનિઓ શ્રાપ કે વરદાન આપતા ત્યારે એ કર્મ તો માનસિક હતું, પરંતુ તે ભૌતિક જગતમાં ખરેખર ફલિત થતા હતા. આ તેમની સંકલ્પ શક્તિનો પ્રભાવ હતો. એવું નથી કે હવે આ જમાનામાં આવા આશીર્વાદ કે શ્રાપ ફલિત નથી થતા. એ તો આપનારની સંકલ્પ શક્તિ ઉપર આધાર રાખે છે. જો કોઈ પુણ્યશાળી આત્મા હોય તો અવશ્યફલિત થાય, અને આવા અનેક ઉદાહરણો પણ છે. 

ઉપર જણાવેલ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે માનસિક કર્મોના ફળનો આધાર એ કોણ કરી રહ્યું છે એના ઉપર હોય છે. આજના આ કળિયુગમાં બહુ ઓછા લોકો પ્રચંડ સંકલ્પશક્તિ વાળા છે, માટે આ યુગમાં માનસિક પાપોનું ફળ નથી મળતું એવું કહેવામાં આવ્યું. પણ બધાની સંકલ્પશક્તિમાં થોડોઘણો ફેરફાર તો સદા રહેવાનો. માટે ફળમાં પણ તફાવત રહેવાનો. માટે એમ સમજવું જોઈએ કે માનસિક કર્મોનું ફળ વધુ કે ઓછા અંશે મળે તો છે જ.

કળયુગમાં માનસિક પાપોનું ફળ ના મળે તો પુણ્યોનું ફળ કેવી રીતે મળે?

અગાઉ કહ્યું તેમ, માનસિક પાપો કરતી વખતે વ્યક્તિ સંકલ્પ શક્તિનો વ્યય કરે છે. પણ જો પર્યાપ્ત સંકલ્પ શક્તિ જ ના હોય તો પાપ કર્મ પણ થતું નથી. પણ જયારે વ્યક્તિ માનસિક રીતે પુણ્ય કર્મ કરે છે, ત્યારે ઈશ્વરની સમીપ જાય છે, પોતાની ચેતના પુષ્ટ કરે છે, પરિણામે ઈશ્વર કૃપાથી તેની સંકલ્પશક્તિ વધે છે, અને પુણ્ય કર્મમાં પરિણમે છે. 

ઉદાહરણ 1: ધારો કે તમારી પાસે માત્ર 50 રૂપિયા જ છે. તો તમે જુગારમાં 50000 રૂપિયા હારી શકતા નથી. દાવ તમે ગમ્મે તેટલો મોટો રમો, નુકસાન 50 રૂપિયાનું જ થવાનું છે. પણ જો તમે મહેનતથી કમાવા જાઓ, તો નવા 500 કે 5 કરોડ રૂપિયા પણ અવશ્ય કમાઈ શકો છે. કમાયેલી રકમનો આધાર તમારી મહેનત ઉપર છે. અહીં રૂપિયા એ તમારી સંકલ્પ શક્તિ છે, જુગાર એ પાપ છે, અને મહેનત એ પુણ્ય છે.

ઉદાહરણ 2: કોઈ વ્યક્તિ આર્થિક રીતે બહુ સક્ષમ નથી, પરંતુ મનથી એક મોટું મંદિર બનાવવાની કે એક ભવ્ય ભાગવત કથા કરાવવાની તીવ્ર ઈચ્છા કરે છે, તો ચોક્કસપણે જ તેનું આ કર્મ - ભૌતિક રીતે ના થયું હોવા છતાં - પુણ્ય કર્મ તરીકે ફલિત થાય છે, અને સાથે સાથે તેની સંકલ્પ શક્તિ પણ વધે છે.

શું કોઈને મનમાં ભાંડવાથી, મનોમન ભગવાનનું સ્મરણ કરવાથી, કોઈનું અહિત ઇચ્છવાથી પાપ લાગે છે?

આપણે એ સમજી ગયા કે માનસિક કર્મોનું ફળ કેવી રીતે મળે છે. હવે આને થોડું વધુ ઊંડાણથી સમજીએ.

માનસિક કર્મો ભૌતિક રીતે તાત્કાલિક ફળ આપે કે ના આપે (એ તમારી સંકલ્પ શક્તિ ઉપર નિર્ભર કરે છે), પણ એ વ્યક્તિના અંતઃકરણના સંસ્કારો ઉપર અવશ્ય છાપ છોડે છે. જયારે તમે કોઈને મનમાં ને મનમાં ભાંડો છો ત્યારે એ વ્યક્તિનું અહિત થાય કે ના થાય, તમારું પોતાનું અંતઃકરણ કલુષિત અવશ્ય થાય છે. અંતઃકરણમાં પડેલા આ સંસ્કારો તમારી પાસે ખોટા નિર્ણયો લેવડાવીને ક્યારેક ને ક્યારેક તેનું પરિણામ જરૂર આપશે. આ જ પ્રમાણે, મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, અને આ શુદ્ધ અંતઃકરણ તમને જીવનમાં સદા કલ્યાણકારી નિર્ણયો લેવાની પ્રેરણા આપે છે. આમ માનસિક કર્મો ભલે સીધી રીતે ફલિત ના થતા હોય, એ તમારા કર્મોને પ્રભાવિત કરીને આડકતરી રીતે તો ફળ આપે જ છે.

અહીં અંતઃકરણ એટલે શું એ સમજવું જોઈએ. આપણા સ્થૂળ શરીરનો આધાર આપણું સૂક્ષ્મ શરીર હોય છે. આ સૂક્ષ્મ શરીર 4 અંતઃકરણ અને 10 બાહ્યકરણથી બનેલું હોય છે.

અંતઃકરણ: મન બુદ્ધિ, ચિત્ત, અહંકાર
બાહ્યકરણ: પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોથી બનેલું હોય છે.

સૂક્ષ્મશરીરના વિષય ઉપર એક લેખ અલગથી સમયાનુસાર લખીશ.

શું ઓનલાઇન હિંસક વિડીયો ગેમ રમવાથી કે હસ્તમૈથુન કરવાથી પાપ લાગે છે?

હવે આ પ્રશ્નનો ઉત્તર તમે પોતે જ આપી શકશો. 

હિંસક વિડીયોગેમમાં ભલે તમે ગમે તેટલો નરસંહાર કરો, કે હસ્તમૈથુનમાં કોઈપણ વિકૃત કલ્પના કરો, તેનું સીધેસીધું ફળ તો નહીં મળે, પણ આવા કર્મો સતત કરવાથી અંતઃકરણમાં જે સંસ્કારો પડે છે એની અસર ક્યારેક ને ક્યારેક ભૌતિક કર્મો ઉપર પડ્યા વગર રહેવાની નથી. 

આ ઉપરાંત, આવા કર્મો વ્યક્તિની ચેતના શક્તિનો વ્યય કરે છે. વધુ પ્રમાણમાં આવી પ્રવૃત્તિ રાખનાર વ્યક્તિનું આત્મબળ અને ઈશ્વર કૃપા ક્ષીણ થાય છે. 

જ્યોતિષીય દ્રષ્ટિકોણ

જ્યોતિષની દ્રષ્ટિએ રાહુ એ માયા, ભ્રમ અને આભાસનો કારક છે. આ રીતે ઇન્ટરનેટ, ગેમિંગ, હસ્તમૈથુન જેવી પ્રવૃત્તિઓ રાહુના પ્રભાવ હેઠળ આવે છે. આવી પ્રવૃત્તિઓનો અતિરેક વ્યક્તિમાં રાહુને વણસાવે છે. રાહુ એક પાપ ગ્રહ છે જેના પરિણામો મોટેભાગે નકારાત્મક જ હોય છે. આથી રાહુનો પ્રભાવ વ્યક્તિના જીવન ઉપર વધી જવાથી દુઃખને પામે છે. માટે આવી પ્રવૃત્તિ કોઈપણ ભોગે ટાળવી જ જોઈએ.

-----------------------------------------------------------------

મિત્રો, આ શ્રેણીમાં મેં પ્રયાસ કર્યો છે કે કર્મસિદ્ધાંતને લગતા જેટલા પ્રશ્નો વારે વારે પુછાય છે, અને જેટલા પ્રશ્નો પૂછી શકાય છે, તે બધાના હું જવાબ આપું. કર્મસિદ્ધાંત એ હિન્દુ ધર્મનો મૂળભૂત આધાર છે, જે બીજા કોઈ અધર્મ (હિન્દુ સિવાયના બધા અધર્મ જ છે) માં નથી મળતો. અને એટલે જ ઘણીવાર લોકો તર્ક-વિતર્ક અને કુતર્ક કરીને આ સિદ્ધાંત વિશે લોકોને ભ્રમિત કરે છે. તેથી મારો આ પ્રયાસ રહ્યો કે આ બધા નાસ્તિક પ્રશ્નોના હું શાસ્ત્રસમ્મત જવાબ આપું. લખવાને તો હું ઘણી જટિલ ભાષામાં અનેક શ્લોકો ટાંકીને જ્ઞાનીની જેમ લખી શકતો હતો, અને આવું લખનારા જ્ઞાનીજનો ઘણા છેય ખરા. પરંતુ તેમને વાંચનારા લોકો મર્યાદિત છે. આ લેખ શ્રેણી દ્વારા તે મર્યાદિત વર્ગની મર્યાદાને થોડી વધારવાનો મેં પ્રયાસ કર્યો છે.
છતાં, જો કોઈને આ પ્રશ્નો ઉપરાંત બીજો કોઈ પ્રશ્ન કે તર્ક-વિતર્ક-કુતર્ક હોય, તો તેઓ અવશ્ય મને પૂછી શકે છે.
રામ રામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે