કર્મ સિદ્ધાંત - ભાગ 5 - ભાગ્ય વધુ બળવાન કે કર્મ? કર્મોથી મુક્તિ કઈ રીતે મળે? શા માટે ભક્તો વધુ દુઃખી હોય છે?

આપણે આ શ્રેણીના પાછલા લેખમાં જોયું કે શું ખરેખર પાછલા જન્મના લોકો આ જન્મમાં ફરીથી આપણને મળે છે?

આજે આ લેખમાં આપણે નીચેના વિષયોની ચર્ચા કરીશું:
  1. મનુષ્યનું ભાગ્ય વધુ બળવાન હોય છે કે કર્મ? જ્યારે બધું જ ભાગ્યમાં લખેલું હોય તો કર્મ કરવાથી શું લાભ?
  2. શું કર્મ કરવાથી ભાગ્ય બદલી શકાય છે?
  3. સારા કર્મો તો નાસ્તિક લોકો પણ કરે છે, તો તેમને કેવું ફળ મળે છે?
  4. તો પછી આ કર્મફળના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળશે?
  5. શા માટે ભક્તોને અન્ય પાપીઓની સરખામણીમાં વધુ દુઃખ મળે છે?

મનુષ્યનું ભાગ્ય વધુ બળવાન હોય છે કે કર્મ? જ્યારે બધું જ ભાગ્યમાં લખેલું હોય તો કર્મ કરવાથી શું લાભ?

લોકો ઘણીવાર કહે છે કે ભાગ્ય જેવું કંઈ હોતું નથી, મનુષ્યનું કર્મ જ તેનું ભાગ્ય બનાવે છે. અને ભાગ્યવાદીઓ કહે છે કે, ગમે તે કરી લો, જો ભાગ્ય સાથ નહીં આપે તો તમે કંઈ જ કરી શકો નહીં.
શાસ્ત્રોમાં આ બંને મતોના સમર્થનમાં ઘણી મોટી સંખ્યામાં શ્લોકો મળે છે. એક જ ગ્રંથમાં એકબીજાથી વિરોધાભાસી કથનો પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તો શું ગ્રંથકારોને આ વાતની સમજ નહોતી આવી? કે આપણી જ સમજમાં કોઈ ભ્રમ છે? ચાલો જોઈએ.
પહેલી વાત તો એ કે ભાગ્ય અટલ હોય છે. જે લખાઈ ગયું છે તેનું ફળ મળીને જ રહેશે. આ આપણા રોજિંદા અનુભવની વાત છે કે કેટલાક લોકો અકારણ જ ઘણાં સુખો મેળવે છે, અને કેટલાક લોકો અકારણ જ નાના-મોટા દુઃખો ભોગવે છે. આની પાછળ તેમનું ભાગ્ય જ કામ કરતું હોય છે. કોઈને નીચ જીવન જીવવા છતાં પણ સારું ભાગ્ય અને કોઈને ઉચ્ચ જીવન જીવવા છતાં દુઃખભર્યું જીવન શા માટે મળે છે એ જાણવા માટે આ શ્રેણીનો પહેલો લેખ વાંચો - કર્મ સિદ્ધાંત - ભાગ ૧ - કર્મો કેટલા પ્રકારના હોય છે?
તો શું કર્મનું કોઈ મહત્ત્વ જ નથી?
ભાગ્ય ખરેખર શું છે? ભાગ્ય એ તો તમારા કર્મોનું જ ફળ છે. એટલે કે તમે તમારા કર્મોથી જ તમારું ભાગ્ય બનાવો છો. ગઈકાલનું કર્મ આજે તમારું ભાગ્ય છે, અને આજનું કર્મ તમારું આવતીકાલનું ભાગ્ય છે. તમારી પુસ્તકના પાછલા પાનામાં પહેલેથી જ કંઈક લખાઈ ગયું છે, તેને તમે ભૂંસી શકતા નથી, પરંતુ આગલું પાનું હજુ કોરું પડ્યું છે. તમે જે લખવા માગો તે લખી લો. જેટલું મધુર અને રસપ્રદ જીવન ઇચ્છો છો, તે તમે હવે લખી શકો છો. તેથી કર્મ જ શ્રેષ્ઠ છે.
તો શું કર્મ કરવાથી આ જન્મનું ભાગ્ય બદલી શકાતું નથી?
જ્યારે તમારું ભાગ્ય જ તમારું ભૂતકાળનું કર્મ છે, તો વર્તમાનમાં કર્મ કરવાથી જૂનું કર્મ શા માટે બદલી શકાય નહીં? પરંતુ આ માટે તમારું જૂનું કર્મ જેટલું પ્રબળ છે, તેનાથી વધુ પ્રબળ તમારો પુરુષાર્થ હોવો જોઈએ, તો જ તમે ભાગ્ય બદલી શકો છો. જો આપણે ભાગ્ય બદલી શકતા નથી, તો આટલા બધા જ્યોતિષીય ગ્રંથો, પૂજા-પાઠ વગેરેની શું જરૂર હતી? જ્યારે કંઈ બદલવાનું જ નથી, તો ભવિષ્ય જાણીને કે ધાર્મિક કાર્યો કરીને શું લાભ?આ બધી વાતને હવે એક શાસ્ત્રીય ઉદાહરણથી સમજીએ.
ઉદાહરણ:જ્યારે માતા પાર્વતી કિશોરી અવસ્થામાં હતાં, ત્યારે નારદ મુનિ તેમના ઘરે આવ્યા. તેમણે પાર્વતી માતાનો હાથ જોઈને તેમના માતા-પિતાને કહ્યું કે આ કન્યા અત્યંત પ્રતિભાશાળી છે, દેવતાઓ પણ તેની વંદના કરશે એટલી પૂજનીય છે. પરંતુ તેના ભાગ્યમાં એક ખામી છે. તેને એવો પતિ મળશે જેમાં બધા દુર્લક્ષણો હશે. સ્મશાનમાં રહેનારો, સાપનો હાર પહેરનારો, ભૂતોથી ઘેરાયેલો પતિ મળશે. આ સાંભળીને માતા-પિતા ખૂબ દુઃખી થયા. પરંતુ દેવી પાર્વતીએ વિચાર્યું કે જે ભાગ્ય મળી ગયું છે, તેને તો બદલી શકાય નહીં, પરંતુ તેનો શ્રેષ્ઠ ઉપયોગ અવશ્ય કરી શકાય. આ દુર્લક્ષણોવાળા શ્રેષ્ઠ વરનું તેમણે ચિંતન કર્યું, તો તેમને ભગવાન મહાદેવ દેખાયા. બસ, તેમણે પોતાના ભાગ્યને પ્રણામ કર્યા અને મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે તપ કરવા લાગ્યાં.
આ કથામાંથી એ સમજવાનું છે કે ભાગ્યમાં જે છે તે તો મળીને જ રહેશે, પરંતુ તે ભાગ્યને સ્વીકારીને, જે પરિસ્થિતિ મળે તેમાં શ્રેષ્ઠ કર્મ કરીને જ પોતાનો ઉદ્ધાર થઈ શકે છે.
તો શું જ્યોતિષીય ઉપાયો દ્વારા દુઃખો ઘટાડી શકાય?
અવશ્ય. જો આ ન થઈ શકતું હોત, તો જ્યોતિષની શું જરૂર હતી? ભાગ્ય જેટલું પ્રબળ હશે, તેટલું જ તેનું નિવારણ પણ પ્રબળ હોવું જોઈએ, તો જ તેનું ફળ મળશે. અને જ્યોતિષીય ઉપાયો એક જ વાર નથી કરવાના, સમયે સમયે આ ઉપાયો કરતા રહેવું જોઈએ, તો જ સતત ફળ મળશે.

સારા કર્મો તો નાસ્તિક લોકો પણ કરે છે, તો તેમને કેવું ફળ મળે છે? "હું તો ભાઈ કર્મમાં વિશ્વાસ રાખું છું, ભગવાન જેવું કઈં નથી" એવું કહેવા વાળાઓનું શું થાય છે?

શિવ પુરાણમાં માતા પાર્વતી શિવજીને આ જ પ્રશ્ન પૂછે છે. શિવજી એનો નીચે પ્રમાણે જવાબ આપે છે.
કર્મ કર્યું છે તો ફળ તો અવશ્ય મળશે. સારા કર્મોનું ફળ સારું જ મળશે. પરંતુ જે કર્મ ભગવાનની ભક્તિ વગરનું હશે, તેનાથી મળનારું ફળ ભગવાનની વિશેષ કૃપા વગરનું હશે. આવા લોકો મ્લેચ્છ બનીને પોતાના પુણ્યોનો ભોગ કરે છે. તમે જોઈ શકો છો કે વિશ્વભરમાં અનેક મ્લેચ્છ દેશોના કરોડો લોકો વૈભવી જીવન જીવે છે. આ બધું નાસ્તિક ભાવથી કરેલા પુણ્યોનું ફળ છે. તેમને આધ્યાત્મિક ઉન્નતિ મળતી નથી. આ લોકો પોતાનો ભોગ ભોગવશે, અને ફરીથી પામર યોનિમાં જઈને જન્મ-મરણના ચક્કર લગાવશે.
પરંતુ જ્યારે કોઈ પુણ્યકાર્ય ભગવાનની ભક્તિ સાથે કરવામાં આવે છે, ત્યારે તેમાં વૈરાગ્ય પણ જોડાઈ જાય છે. પછી ભગવાન જ તમને મુક્ત કરવાની જવાબદારી લે છે. તેઓ તમને કર્મફળના ચક્કરમાં ન પડવા માટે પ્રેરે છે, અને ધીમે ધીમે, અનેક જન્મો પછી, તમને એ સ્થિતિમાં લાવે છે જ્યારે તમારા બધા સંચિત કર્મો નાશ પામે છે, અને તમે ભગવાનમાં લીન થઈ જાઓ, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરો.

જો બધા કર્મોમાંથી ઝડપથી મુક્તિ જોઈએ તો શું કરવું?

શાસ્ત્રોમાં સંચિત કર્મોમાંથી ઝડપથી મુક્તિ મેળવવાના અનેક ઉપાયો જણાવ્યા છે. તેમાંથી કેટલાક નીચે મુજબ છે:
  1. મંત્ર જાપ/અનુષ્ઠાન
    મંત્ર જાપ અને મંત્ર અનુષ્ઠાન સૌથી ઝડપથી સંચિત કર્મોનો નાશ કરે છે. ગાયત્રી, મહામૃત્યુંજય, નવાર્ણ મંત્ર, ષડાક્ષર મંત્ર વગેરે મહાપાતકનાશક છે. આના અનુષ્ઠાનથી કરોડો જન્મોના કર્મો એમ નાશ પામે છે જેમ જંગલની આગ આખું જંગલ બાળી નાંખે છે. પરંતુ આ મંત્રો પર બધાનો અધિકાર નથી, અને ન તો મંત્રોનું બોધ આમ જાહેરમાં કોઈ આપી શકે. અને ન તો હું આ આપવા માટે અધિકારી છું. તેથી આ વિષયે વધુ નહીં લખું.
  2. નામ જાપ
    આ માર્ગ આજકાલ ખૂબ પ્રચલિત છે, જે એક સારી વાત છે. મંત્ર જાપની જેમ નામજાપના નિયમો ખૂબ કઠિન નથી, અને તે કોઈ પણ કરી શકે છે. મને લાગે છે કે આ વિષયે માર્ગદર્શન આપનારા ઘણા લોકો છે, તેથી મારે આ વિશે કંઈ વધુ કહેવું આવશ્યક નથી.
  3. કઠોર વ્રત
    શાસ્ત્રોમાં ઘણાં એવાં કઠોર વ્રતો જણાવ્યાં છે જે મોટામાં મોટા પાપોનો નાશ કરે છે. "વ્રતરાજ" ગ્રંથમાં આ બધા વ્રતોનું સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે એક દિવસ ન ખાવાને જ વ્રત માનીએ છીએ, પરંતુ એવું નથી. જે દિવસે ઉપવાસ હોય તે દિવસે સતત ભગવાનનું સ્મરણ કરવું, કોઈ ક્રોધ-લોભ-મોહ ન કરવું, મોટે ભાગે મૌન રહેવું, અને વધુમાં વધુ નામ કે મંત્ર જાપ કરવો, આ જ સાચું ઉપવાસ છે. આ સિવાય મહાન પાપોના નાશ માટે અમુક કઠોર વ્રતો જેમકે ચાન્દ્રાયણ વ્રત, ક્રચ્છ વ્રત વગેરે સૂચવવામાં આવ્યા છે.
  4. દેવ સેવા
    રોજ પૂજા કરવી, મંદિરે જવું, ભગવાનનો અભિષેક કરવો, સૂર્યને અર્ઘ્ય આપવું વગેરે દેવ સેવાના કાર્યો અનેક જન્મોના પાપોનો નાશ કરનારા છે. મનુષ્યે એક નિશ્ચિત વ્રત લઈને આજીવન આ કાર્યો કરવા જોઈએ.
  5. યમ-નિયમ-સ્વાધ્યાય
    અષ્ટાંગ યોગના પ્રથમ બે ચરણો યમ-નિયમની સાથે સાથે સ્વાધ્યાયનું સૌથી વધુ મહત્ત્વ છે. યમ એટલે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોથી ઉદ્ભવતા બધા વિકારોનું દમન કરવું એ જ યમ છે. તમારા જીવનમાં સાતત્ય અને સત્ત્વ નિરંતર રહે તે માટે નિયમ જરૂરી છે. કોઈ એક ભગવત્કર્મનો નિયમ લો, આજીવન તેને કરતા રહો. જેમ તમે SIP કરો છો, જેમાં રોજ નાની-નાની રકમ ભરતા રહો છો, અને નિવૃત્તિના સમયે તે એક ખૂબ મોટી રકમ બની જાય છે, તે જ રીતે નિયમિત રૂપે કરવામાં આવેલા કોઈ નાના ધાર્મિક આચરણનું ફળ પણ ખૂબ મોટું હોય છે. સ્વાધ્યાયનો અર્થ છે, નિયમિત શાસ્ત્રોનો અભ્યાસ. તમારા ઇષ્ટદેવના ગ્રંથોનો નિયમિત અભ્યાસ કરો.
  6. ભગવાનની કથા શ્રવણ અને પઠન
    જો ઉપરના ઉપાયોમાંથી કંઈ ન કરી શકો, તો ફક્ત નિયમિત ભગવાનની કથાઓનું શ્રવણ અને પઠન કરી લો. આથી પણ તમારો ઉદ્ધાર થઈ જશે. પરંતુ કથાનું શ્રવણ કોઈ અધિકારી પુરુષ પાસેથી જ કરો, દરેક ચાલતા-ફરતા બાબા-બાબી પાસેથી નહીં.
  7. પ્રાયશ્ચિત કર્મ
    ન ઇચ્છવા છતાં પણ આપણે કોઈ ને કોઈ પાપ કરી જ બેસીએ છીએ. ફક્ત ચાલવા-ફરવાથી અને શ્વાસ લેવાથી પણ જીવહત્યા થાય છે, જેનું પણ પાપ લાગે છે. આવા નાના-નાના પાપો માટે રોજ પૂજા સમયે ભગવાન પાસે ક્ષમા માંગીને પ્રાયશ્ચિત કરો. મોટા પાપોના પ્રાયશ્ચિત માટે અનેક ગ્રંથોમાં પાપના પ્રકાર પ્રમાણે વિવિધ ઉપાયો જણાવ્યા છે. આ ઉપાયો કરવાથી, અને ફરીથી આવા પાપો ન કરવાનો સંકલ્પ લેવાથી આ પાપોનું શમન થઈ જાય છે.
આ ઉપરાંત પણ ઘણાં એવાં કર્મો છે જે શાસ્ત્રોમાં વર્ણવ્યાં છે, જેનાથી સંચિત કર્મોનો નાશ થઈ શકે છે. પરંતુ આ સાત મુખ્ય છે.

શા માટે ભક્તોને અન્ય પાપીઓની સરખામણીમાં વધુ દુઃખ મળે છે?

ભગવાન ગીતામાં કહે છે કે હું જેના પર કૃપા કરું છું, તેને બધું જ આપી દઉં છું, પરંતુ જેના પર હું વિશેષ કૃપા કરું છું, તેની પાસેથી બધું જ છીનવી લઉં છું. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે જ્યારે વ્યક્તિ પાસે કંઈ નથી રહેતું, અને ફક્ત ભગવાન જ રહે છે, ત્યારે એવા વ્યક્તિને વૈરાગ્ય આવે છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે. સામાન્ય લોકોના દુઃખી થવામાં અને ભક્તોના દુઃખી થવામાં એટલો જ ફરક છે કે સામાન્ય લોકો દુઃખી થાય ત્યારે ભગવાનની શરણ લેતા નથી, અને ભક્તોને જ્યારે દુઃખ આવે છે ત્યારે તેઓ ભગવાનમાં લીન થઈ જાય છે. અને વળી આ ભક્તના બધાં સંચિત કર્મો ફટાફટ પુરા પણ કરવાના હોય છે ને! ભક્તોના અનેક જન્મોના કર્મો એક જ જન્મમાં પુરા કરીને ભગવાન તેમને પોતાની પાસે બોલાવી લે છે. ભક્તો આપણને સાંસારિક દૃષ્ટિએ દુઃખી લાગે છે, વાસ્તવમાં તેઓ દુઃખી હોતા નથી.
હવે આપણે ભાગ 6 માં જોઈશું કે:
  1. માનસિક કર્મોની શું ગતિ હોય છે?
  2. શું કોઈને મનમાં ભાંડવાથી, કોઈનું અહિત ઇચ્છવાથી, કે મનોમન ભગવાનનું સ્મરણ કરવાથી ફળ મળે છે?
  3. શું ઓનલાઇન હિંસક વિડીયો ગેમ રમવાથી કે હસ્તમૈથુન કરવાથી પાપ લાગે છે?
વાંચો: કર્મ સિદ્ધાંત - ભાગ 6 - માનસિક કર્મોનું ફળ કેવી રીતે મળે છે?

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

જુના લેખો

વધુ બતાવો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે