તારકાસુર - એક સમુચિત અને પ્રાસંગિક દ્રષ્ટિકોણ

શાસ્ત્રોનું નિયમિત અધ્યયન કરવું અત્યંત આવશ્યક છે. જેઓ એવું કરે છે તે બધાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે જ્યારે તેઓ એક જ ગ્રંથ વારંવાર વાંચે છે, ત્યારે દરેક વખતે કોઈ ને કોઈ એવી નવી વાત સામે આવી જાય છે કે તમારા જ્ઞાનના ચક્ષુ અચાનક જ ખૂલી જાય છે, અને આ જગતને જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે.

માતા વરાંગી અને દૈત્ય વજ્રાંગના પુત્ર, તારકાસુરની કથા આમ તો પ્રચલિત અને બહુ જાણીતી છે, પરંતુ શિવપુરાણ વાંચતા વાંચતા આજે એક સાવ અલગ જ દૃષ્ટિકોણ મળી ગયો.

તારકાસુર એક અત્યંત બળશાળી દૈત્ય હતો જેનો એક જ ધ્યેય હતો, દેવતાઓને પરાસ્ત કરવાનો! અસુરો આમ તો દેવતાઓથી ક્યારેય જીતી શકતા નથી, એટલા માટે તેમણે અત્યંત કઠોર તપશ્ચર્યા કરીને દેવતાઓ કરતાં પણ મોટી શક્તિઓ, એટલેકે બ્રહ્મા, વિષ્ણુ, શિવ જેવા ઈશ્વર પાસેથી વરદાન પ્રાપ્ત કરવા પડે છે. પરંતુ અસુરો પરિશ્રમ કરવામાં ક્યારેય પાછીપાની કરતા નથી. અત્યંત કઠોરમાં કઠોર તપસ્યા કરીને તારકાસુરે ભગવાન બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવી લીધું કે તે ત્રિલોકમાં સૌથી વધુ બળશાળી બની જાય અને તેનું મૃત્યુ માત્ર શિવજીના વીર્યથી ઉત્પન્ન થયેલા પુત્ર દ્વારા જ થઈ શકે. આવું વરદાન તેણે એટલા માટે માંગ્યું કારણ કે માતા સતી દ્વારા દક્ષયજ્ઞમાં શરીર ત્યાગ કર્યા પછી, શિવજી નિર્મોહી થઈને તપસ્યામાં લીન થઈ ગયા હતા. તેઓ અન્ય કોઈ સ્ત્રીનો સ્વીકાર કરવાના નહોતા. તેથી તારકાસુરને પૂરો વિશ્વાસ હતો કે ન તો શિવનો પુત્ર થશે અને ન તો પોતાનો વધ થશે.

આ વરદાન પ્રાપ્ત કરીને તારકાસુર ઉન્મત્ત (અહંકારી) થઈ જાય છે. ત્રિલોક પર વિજય મેળવીને તે સ્વર્ગમાં નિવાસ કરવા લાગે છે. ઇન્દ્ર અને અન્ય તમામ દેવતાઓ હવે તેના દાસ બની ગયા છે. ઇન્દ્ર પોતાનો ઐરાવત તેને આપી દે છે, કુબેર પોતાનો ધનકોષ આપી દે છે, ઋષિગણ તેને કામધેનુ અને કલ્પવૃક્ષ આપી દે છે, સમુદ્ર બધા રત્નો આપી દે છે, વરુણદેવને પોતાનો દાસ બનાવીને ઈચ્છા પડે તેમ પૃથ્વી ઉપર વરસાદ કરાવે છે, અને બધી અપ્સરાઓ તારકાસુરને જ સમર્પિત થઈ ગઈ. અર્થાત કોઈ દેવતા પાસે કોઈ વૈભવ કે શક્તિ બચ્યા નહીં. પૃથ્વી અને મનુષ્યજાતિનું સંચાલન પણ દેવતાઓ તારકાસુરને જ સોંપી દે છે. બધા દેવતાઓ શક્તિહીન થઈને મનુષ્યોની જેમ જ તારકાસુરની સેવા, પૂજા, અર્ચના કરવા લાગે છે.

હવે ઉપરોક્ત વૃત્તાંત વાંચીને તમને શું લાગ્યું? એ જ વિચાર્યું ને, કે તારકાસુર પાસે પૂરી પૃથ્વીનું સંચાલન આવી ગયું તો હવે તો તે મનુષ્યોને અત્યંત દુઃખ આપશે, હેરાન કરશે? મેં પણ એવું જ વિચાર્યું હતું. અને મોટાભાગના કથાવાચકો પણ એવું જ કહે છે. ટીવી સિરિયલોની તો વાત જ શું કરવી! પરંતુ શિવપુરાણમાં આનાથી સાવ ઊલટું જ થયું! તારકાસુર પૃથ્વીનું સંચાલન બહુ સારી રીતે કરવા લાગ્યો. મનુષ્યો માટે સુખ-સુવિધાઓના અંબાર લાગી ગયા. પૃથ્વી તારકાસુરના ડરથી કોઈ પણ પ્રયત્ન વગર જ ધન-ધાન્ય ઉગાડવા લાગી. સૂર્ય મનુષ્યો માટે કોમળ થઈ ગયા, તેઓ હવે ન તો અત્યંત તાપ આપતા હતા, ન તો ઓછો તાપ આપતા હતા. ચંદ્રએ પોતાનો પ્રકાશ એટલો વધારી દીધો કે રાત્રે પણ અંજવાળું રહેવા લાગ્યું. સમગ્ર મનુષ્યજાતિ અત્યંત સુખી અને વૈભવશાળી જીવન જીવવા લાગી.

હવે અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે તારકાસુર બધું બરાબર જ ચલાવી રહ્યો હતો, તો પછી દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે અને તારકાસુરનો વધ કરવા માટે બ્રહ્મા, શિવ વગેરે ઈશ્વરે પ્રયત્ન કેમ કર્યો?

હવે પૌરાણિક કથાથી થોડા દૂર હટીને આપણે આપણા આજના જીવનને જોઈએ. શું તારકાસુરે મનુષ્યો માટે જે વ્યવસ્થા બનાવી હતી તે આજે આપણને પણ ઉપલબ્ધ નથી? શું આપણી આસપાસ, આપણા જીવનને સરળ બનાવવા માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી? શું મોટાભાગના લોકો પોતાનું અન્ન જાતે ઉગાડે છે? શું આપણને ચંદ્રના પ્રકાશની કોઈ જરૂરિયાત છે? શું આપણે રાત્રે પણ અંજવાળું કરીને નથી બેસતા? જો સૂર્ય બહુ તપી જાય તો આપણી પાસે ACનો વિકલ્પ નથી? આજે કૃત્રિમ રીતે વરસાદ કરાવવાની ટેક્નોલોજી પણ આવી ગઈ છે. આજે આપણે બધા એ જ સુખો ભોગવી રહ્યા છીએ જે તારકાસુરે મનુષ્યજાતિને પ્રદાન કર્યા હતા.

પરંતુ તારકાસુરે બદલામાં મનુષ્યો પાસેથી શું છીનવી લીધું હતું? તેણે મનુષ્યો પાસેથી પૂજા-પાઠ, યજ્ઞ-હવન, ઈશ્વર આરાધના છીનવી લીધા હતા. મનુષ્યોની બધી આરાધનાનો ભોગ માત્ર પોતે તારકાસુર જ પ્રાપ્ત કરતો હતો. દેવતાઓ પોતાના અધિકારોથી વંચિત થઈ ચૂક્યા હતા. મનુષ્યો જો કોઈ પૂજન-અર્ચન કરે તો પણ તેનો બધો ભોગ તારકાસુરને જ મળતો હતો. એટલા માટે મનુષ્યોની ન તો કોઈ આધ્યાત્મિક ઉન્નતિ થતી હતી, અને ન તો મોક્ષ થતો હતો. કર્મફળ પણ તારકાસુરના આધારે જ મળતું હતું. અર્થાત, બધા મનુષ્યોના આત્માને તારકાસુરે ગ્રસી લીધો હતો. જો આ પરિસ્થિતિને બદલવામાં ન આવી હોત, તો મનુષ્યજાતિ સદાય માટે તારકાસુરની બનાવેલી માયામાં જ ફસાયેલી રહેત. આ જ પરિસ્થિતિ રાવણની લંકાની હતી. લંકામાં અત્યાધિક વૈભવ હતો. ભૌતિક રીતે લોકો અત્યંત સુખી હતા. પણ તેની પ્રજા રાક્ષસ બની ચુકી હતી. રાવણ કોઈને પૂજા પાઠ, યજ્ઞ યાગ, જપ તપ દાન ઇત્યાદિ કરવા દેતો નહોતો.

મનુષ્યનો આત્મા વાસ્તવમાં મુક્તિ ઈચ્છે છે. અને મુક્તિનો માર્ગ માત્ર એક જ છે, ઈશ્વર સાથે એકત્વ. ઈશ્વરે જ્યારે આ માયાવી સૃષ્ટિનું સર્જન કર્યું તો આમાંથી બહાર નીકળવાના માર્ગો પણ બનાવ્યા. તે માર્ગો છે દેવતાઓનું પૂજન-અર્ચન, યજ્ઞ-હવન, શાસ્ત્રોનું પઠન, ઈશ્વરની તપ સાધના. પરંતુ આ બધું કરવાથી તારકાસુર મનુષ્યોને રોકી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ જ બધા ઉપાયો કરીને તારકાસુર પોતે આટલો બળશાળી બન્યો હતો. રાવણ પણ મહાન વિદ્વાન હતો, મહાન તપસ્વી હતો, ચારેય વેદોનો જ્ઞાતા હતો, યજ્ઞ-હવન, તપ સાધના વગેરે કરતો હતો. હિરણ્યકશિપુ અને અન્ય તમામ અસુરો આ જ કરતા હતા. એટલેસુધી કે, તેમને ઈશ્વર દ્વારા વરદાન મળી ગયા પછી પણ તેઓ આ બધા સત્કર્મો કરવાનું ચુકતા નહોતા. પણ તેઓ બીજા લોકોને આ બધા કલ્યાણના માર્ગો અપનાવતા રોકતા હતા, જેથી આ બધા સત્કર્મોનું ફળ માત્ર તેઓ જ મેળવી શકે અને બીજા લોકો માત્ર તેમના દાસ બનીને રહે.

તો ફરીથી આપણે આપણા આજના જીવનને જોઈએ. આજનું આપણું વૈભવપૂર્ણ જીવન ચોક્કસપણે કલિ રાક્ષસ (કળિયુગ) દ્વારા બનાવવામાં આવેલી માયાનું જ પરિણામ છે. અસુર કલિ એવું જ ઈચ્છે છે કે આપણે બધા આપણા જ બનાવેલા ઉપકરણોના દાસ બનીને જીવનના વિચિત્ર પ્રપંચોમાં અટવાયેલા રહીએ અને પોતાની મુક્તિનો માર્ગ ન શોધીએ. દેવતાઓ અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમનું અર્ચન કરીએ, જેથી તેઓ પોતાના ઉત્તમ ફળ આપણને પ્રદાન કરી શકે, પણ આપણે છીએ કે આ માયાવી જીવનથી ઉપર ઊઠવા જ નથી માંગતા.

અને શું આપણે આટલું સુવિધાપૂર્ણ જીવન મેળવીને પણ સુખી છીએ? જી ના. આપણે તો તેમ છતાં કલિ દાનવના દાસ બનીને દુઃખી જ થઈ રહ્યા છીએ.

એટલા માટે જ ઈશ્વરે તારકાસુરની સરખામણીએ દેવતાઓની સહાય કરી. અંતમાં કામદેવની સહાયથી દેવતાઓ શિવજીનું ધ્યાન ભંગ કરે છે. શિવજી આનાથી ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કરે છે. પછી દેવતાઓની પ્રાર્થના સાંભળીને શિવજી માતા પાર્વતીને પોતાની પૂર્વપત્ની દેવી સતીનો જ પુનરાવતાર સમજીને પોતાની પત્ની તરીકે સ્વીકારે છે. દેવતાઓની જ પ્રાર્થનાથી શિવજી કામદેવને કંઈક અલગ પ્રકારે પુનર્જીવિત કરે છે. ત્યારબાદ શિવજીના વીર્યથી કુમાર કાર્તિકેયનો જન્મ થાય છે, અને પછી ભગવાન કાર્તિકેય તારકાસુરનો વધ કરે છે.

તો આજે આપણે એ વિચારવાનું છે કે શું આપણે લાખો જન્મ-જન્માંતર સુધી અસુરોની આ જ માયાના દાસ બનીને જીવન-મરણના ચક્કરમાં ભટકતા ભટકતા, ભગવાન કાર્તિકેય જેવા કોઈ તારણહારની દુઃખદ પ્રતીક્ષા કરતા રહીશું, કે પછી પોતે કંઈક પ્રયત્ન કરીને પોતાના ઉદ્ધારના ઉપાય કરીશું?

હર હર મહાદેવ 🙏 

ૐ નમઃ શિવાય 🙏

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે