એક વર્ષમાં નવરાત્રી કેટલી?
મિત્રો નવરાત્રીના પર્વો આજથી શરુ થઇ રહ્યા છે. આ નવો બ્લોગ ચાલુ કરવા માટે આનાથી સારો દિવસ કયો હોઈ શકે? નવરાત્રીથી શરૂઆત થાય છે તો પહેલી પોસ્ટ નવરાત્રી ઉપર જ હોવી જોઈએ, નહિ કે?
આપણા ગુજરાતીઓ માટે મોટે ભાગે એક જ નવરાત્રીનું મહત્વ હોય છે. પણ શું તમે જાણો છો કે એક વર્ષમાં કુલ પાંચ નવરાત્રી આવે છે? આ પાંચ નવરાત્રી નીચે મુજબ છે.
૧. વસંત નવરાત્રી
આ નવરાત્રી વસંત ઋતુમાં આવે છે. વસંત ઋતુ ચૈત્ર મહિનામાં આવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચ અને અપ્રિલ વચ્ચે આવે છે.
૨. ગુપ્ત નવરાત્રી
અષાઢ નવરાત્રી તરીકે પણ ઓળખાતી આ નવરાત્રી તેના નામ પ્રમાણે અષાઢ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે જુન અને જુલાઈની વચ્ચે આવે છે.
૩. શરદ નવરાત્રી
શરદ ઋતુ એટલે કે શિયાળો શરુ થવાની ઋતુમાં આવતી આ નવરાત્રીનું મહત્વ ખુબ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર માં આવતી આ નવરાત્રી દેશમાં સૌથી વધુ ઉજવાય છે. ગુજરાતમાં ગરબા દ્વારા માતાજીની સ્થાપના કરીને તો બંગાળમાં દુર્ગાપૂજા દ્વારા આ તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે.
૪. પોષ નવરાત્રી
તેના નામ પ્રમાણે આ નવરાત્રી પોષ મહિનામાં આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે આ નવરાત્રી ડિસેમ્બર-જાન્યુઆરી માં આવે છે.
૫. માઘ નવરાત્રી
માઘ (માગસર) મહિનામાં આવતી આ નવરાત્રી અંગ્રેજી મહિના પ્રમાણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે.
ઉપર જણાવેલી પાંચ નવરાત્રીઓમાંથી બે નવરાત્રીઓ સૌથી વધુ પ્રચલિત છે. એક તો શરદ નવરાત્રી કે જેમાં આપણે ગરબા રાસનો આનંદ લઈએ છીએ, અને બીજી છે ચૈત્ર મહિનામાં આવતી ચૈત્રી નવરાત્રી. લગભગ બધી જ નવરાત્રીઓ મહિનાના શુક્લા પક્ષમાં (અજવાળિયા દિવસોમાં) જ આવે છે. નવ દિવસ ચાલતી નવરાત્રીમાં દરેક દિવસે એક એટલેકે શક્તિના અલગ અલગ નવ સ્વરૂપોની આરાધના થાય છે. આ દિવસો દરમ્યાન શક્તિની આરાધના જે તે દેવીનું અનુષ્ઠાન કરીને કરવામાં આવે છે. દેવીનું અનુષ્ઠાન કેવી રીતે કરવું અને શક્તિના ક્યા અલગ અલગ નવ રૂપ પૂજવામાં આવે છે એ આપણે બીજી એક બ્લોગ પોસ્ટમાં જોઈશું. અત્યારે તો તમે એટલું જાણો કે શક્તિના ઉપાસકો મોટે ભાગે વર્ષમાં આવતી બંને મહત્વની નવરાત્રીમાં (ચૈત્રી અને શરદમાં) દેવીના ઇષ્ટ સ્વરૂપનું અનુષ્ઠાન કરે છે. અને એ પણ જાણી લો કે આપણા સૌના લોક લાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ શક્તિના પ્રખર ઉપાસક છે અને વર્ષમાં આવતી આ બંને નવરાત્રીઓમાં શક્તિનું અનુષ્ઠાન કરે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો