જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

સામાન્ય લોકો એમ માનતા હોય છે કે સંતાન ૮ થી ૧0 વર્ષનું થાય ત્યારેજ સંસ્કાર સિંચન શરુ થઇ શકે છે, ત્યાં સુધી બહુ નાના હોય છે. આવું માનનાર લોકો એ વાત જાણી લે કે બાળક જયારે જન્મે છે ત્યારે જ ૮0% નક્કી થઇ જાય છે કે એ કેવું જીવન જીવશે. માત્ર ૬ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેનું ૯૦% જીવન નક્કી થઇ જાય છે. બાકીના જીવનમાં એ જે સંસ્કારો મેળવે છે તે માત્ર ૧૦% જ અસર કરતા હોય છે. માટે ગર્ભસંસ્કાર એ વ્યક્તિનિર્માણના બીજા કોઈપણ આયામ કરતા અનેક ગણા મહત્વનાં છે. સંતાન કઈ નિશાળમાં ભણશે, કેવા સમાજમાં રહેશે એ બધી તો સાવ ક્ષુલ્લક બાબતો છે.

સામાન્ય રીતે ગર્ભસંસ્કારને માત્ર આયુર્વેદનો જ વિષય માનવામાં આવે છે. ગર્ભસંસ્કાર એ પ્રક્રિયા છે કે જેના દ્વારા એક ઉત્તમ કોટિનું સંતાન પ્રાપ્ત કરી શકાય છે. આયુર્વેદનો આ વિષય અત્યંત ઊંડો છે, અને જો તેને સારી રીતે અનુસરવામાં આવે તો અવશ્ય ઈચ્છિત સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

આયુર્વેદની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર કઈ રીતે કરવા એ વિષે અનેક પુસ્તકો લખાયેલા છે અને ભરપુર માત્રામાં સંશોધનાત્મક સાહિત્ય મળી આવે છે. માટે અહીં એ વિષયની ચર્ચા નહિ કરીએ. આ ઉપરાંત આધ્યાત્મિક શાસ્ત્રોમાં (વેદો અને પુરાણોમાં) પણ આ વિષય બહોળા પ્રમાણમાં આવરી લેવામાં આવ્યો છે. આ વિષયમાં હજુ ઘણા અનુસંધાનને અવકાશ છે. આમ છતાં ઘણા જ્ઞાની પુરુષો આ વિષય જાણે છે.

આજના આ લેખમાં ગર્ભસંસ્કારને લગતો એક સંપૂર્ણ અવગણાયેલો વિષય જોઈશું, કે જે જ્યોતિષ શાસ્ત્રને લાગતો છે. આ વિષયનો સાર સમજવા માટે જ્યોતિષના કોઈપણ જ્ઞાનની જરૂર નથી, જોકે તેની તાંત્રિક બાબતો (ટેકનીકલ બાબતો) સમજવા માટે જ્યોતિષનું થોડું ઘણું પાયાનું જ્ઞાન જરૂરી છે.

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસ્થ શિશુને તેનું "મન" તેની માતા દ્વારા મળે છે અને ધર્મ - એટલેકે પોતાના જીવનનું કર્મ અથવા કર્તવ્ય - પિતા દ્વારા મળે છે. શાસ્ત્રો કહે છે, आत्माः जायते इति पुत्रः - અર્થાત પુત્ર (અથવા પુત્રી) એ પિતાની આત્માનું જ પ્રતિબિંબ હોય છે. પણ પ્રશ્ન એ થાય કે પિતાની આત્માના તો અનેક ભાવો હોય છે. એમાંથી ક્યા ભાવનું પ્રતિબિંબ તેના સંતાન ઉપર પડતું હોય છે? ઘણીવાર તો એમ જોઈએ છીએ કે પિતા-પુત્ર એકબીજાના શત્રુઓ હોય છે, તો એ કઈ રીતે સિદ્ધ થાય કે પુત્ર એ પિતાની આત્માનું પ્રતિબિંબ હોય છે? 

(અહી જ્યાં જ્યાં 'આત્મા' શબ્દનો ઉપયોગ થયો છે ત્યાં ત્યાં 'જીવાત્મા' સમજવું.)

અહી જે વિષય મૂકી રહ્યો છું એ જ્યોતિષ સુત્રો દ્વારા પ્રમાણિત છે કે નહિ એ હું નથી જાણતો પણ એ અનુભવસિદ્ધ જરૂર છે. જ્યોતિષના વિદ્વાનો આ તથ્યોની પુષ્ટિ કરે છે અને આ એટલી સરળ વાત છે કે તમે પોતે પણ સ્વયં આ પ્રયોગ ચકાસી શકો છો.

હવે તમે તમારી અને તમારા પુત્ર-પુત્રીની કુંડળી કાઢો અને નીચેની બાબતો તપાસો. આમતો આ પક્રિયા બિલકુલ સરળ છે, પણ જો જ્યોતિષ વિષે કંઈપણ જ્ઞાન ના હોય - અને થોડું પણ શીખવા ના માંગતા હોય - તો નીચેનો ફકરો તમે વટાવી જઈને આગળનું વાંચી શકો છો.

હવે જુઓ કે તમારા સંતાનની લગ્ન રાશી કઈ છે. ત્યારબાદ એ રાશી પિતાના ક્યા સ્થાનમાં બેઠેલી છે એ જુઓ. અહીં પિતાનું જે સ્થાન જોવામાં આવે તે સ્થાનને લાગતો પિતાની આત્માનો ભાવ તેના સંતાન લઈને જન્મે છે. ઉદાહરણ તરીકે, જો સંતાન મિથુન લગ્ન હોય, અને પિતાના લાભ સ્થાનમાં મિથુન રાશી હોય તો તે સંતાન પિતા માટે લાભ લઈને આવે છે અને તેમાં સતત વૃદ્ધિ કરે છે. પોતાના જીવનમાં પણ એ ખુબ ધન પ્રાપ્તિ કરે છે. જો પિતાના સુખ સ્થાનની રાશી સંતાનની લગ્ન રાશી બને, તો તે પિતાને પણ ખુબ સુખ સગવળ આપનારી હોય છે અને પોતાના જીવનમાં પણ ખુબ સુખ-સગવળ ભોગવે છે. એ જ રીતે જ્ઞાન ભાવથી જન્મેલ સંતાન પિતાના જ્ઞાનમાં તો વૃદ્ધિ કરે જ છે, પણ પોતે પણ પિતા કરતા ઘણો વધુ જ્ઞાની બને છે. આજ રીતે જો શત્રુ ભાવથી જન્મ લે, તો પિતા-પુત્ર વચ્ચે ન ચાહવા છતાં શત્રુતા થાય છે. સંતાનને પિતાનું અહિત ના કરવું હોય તો પણ અહિત કરી બેસે છે. જો વ્યય ભાવથી જન્મ થાય તો પિતાની પૂરી સંપત્તિ ઉડાડી નાખે છે. જો રોગ ભાવથી જન્મ થાય તો પિતાને પણ રોગી બનાવે છે અને પોતે પણ રોગી બને છે. ઈત્યાદી ઈત્યાદી. જ્યોતિષને થોડું ઘણું સમજનાર વ્યક્તિ આ વાત ખુબ સરળતાથી સમજી શકે છે.

અહી આપણે જોયું કે સંતાન જન્મ લે છે ત્યારેજ એ નક્કી થઇ જાય છે કે એ પિતાની આત્માનો કયો ભાવ લઈને જન્મ્યો છે. એ પણ ખબર પડી જાય કે પિતા માટે સંતાન કેવું નીવડશે, એ પણ નક્કી થઇ જાય છે કે સંતાન ક્યા ક્ષેત્રમાં પિતાથી આગળ વધશે. પણ આ તો થઇ જન્મ થયા પછીની વાત, પણ પ્રશ્ન એ થાય કે એ નક્કી કઈ રીતે થાય કે સંતાન પિતાનો કયો ભાવ લઈને જન્મ લેશે? આ વાતનો નિર્ણય તો જન્મ થતાં પહેલા જ થઇ જતો હોવો જોઈએ! જી હા, આ વાતનો નિર્ણય જન્મ થતાં પહેલા જ નહિ, સ્ત્રીનાં બીજમાં ગર્ભાધાન થતાં પહેલા જ થઇ જાય છે! અને આ જ છે પુરુષ માટેની ગર્ભસંસ્કારની મુખ્ય વિધિ.

કુંડળીમાં આવેલા વિવિધ સ્થાનોને આપણે અનુવાદ કરીને "ઘર", "ગૃહ", "સ્થાન" વગેરે નામ આપી દીધા. જયારે તેમનું શાસ્ત્રીય નામ છે "ભાવ". કુંડળીના દરેક સ્થાન એ આત્માના વિવિધ ભાવ છે. માટે જે સમયે સંતાનનું ગર્ભાધાન થાય છે તે સમયે પિતાના મન, બુદ્ધિ, આત્માના  ભાવ કેવા હોય છે તેની ઉપર તેમના આવનારા સંતાનની ઉપર પિતાની આત્માનું કેવું પ્રતિબિંબ પડે છે એ નક્કી થાય છે. જો સરળ ભાષામાં કહું, તો જો ગર્ભાધાન પહેલાના અમુક સમયથી પિતાને ઉચ્ચ જ્ઞાન સંબંધી ખુબ જીજ્ઞાસા હોય છે, તો તેનું સંતાન અતિ જ્ઞાની થાય છે, અને પિતાને પણ ખુબ જ્ઞાન અપાવે છે. જો પિતાનું મન ધન લાભ માટે સતત મથતું હોય, તો સંતાન આવતાની સાથેજ પિતાને ધનલાભ થાય છે, અને સંતાન પણ જીવનમાં ખુબ ધન કમાય છે. જો શત્રુતાનો પ્રબળ ભાવ હોય તો સંતાન પોતાના પિતાની જ શત્રુ થઈને આવે છે (આ ઉપરાંત અનિષ્ટ કર્મોના ફળ આપવા માટે પણ સંતાન પોતાના માતા-પિતની શત્રુ થઈને આવે છે). જો ખુબ મોજશોખ અને પૈસા ઉડાડવાનો ભાવ હોય તો સંતાન પિતાની બધી સંપત્તિ ઉડાડી નાંખે છે, ઈત્યાદી ઈત્યાદી.

અહીં એ વાત વિશેષ નોંધનીય છે કે જીવનમાં કોઈપણ સિદ્ધિ સ્વતઃ સારી કે ખરાબ નથી હોતી. પૈસા કમાવવા એ સ્વતઃ સારી કે ખરાબ બાબત નથી. પૈસા કેવી રીતે કમાવવા એની ઉપર બધું નિર્ભર કરે છે. માત્ર જ્ઞાન હોવું એ સ્વતઃ સારું કે ખરાબ નથી, કેવું જ્ઞાન હોવું એ મહત્વનું છે. જો કોઈ આધ્યાત્મિક રીતે જ્ઞાની હોય તો તો સારી વાત છે, પણ કોઈને છેતરીને કઈ રીતે પૈસા કમાવવા એ જ્ઞાન સારું જ્ઞાન નથી. માટે પિતાના જીવનમાં ગર્ભાધાન વખતે માત્ર કયો ભાવ પ્રભાવી હતો એટલું પર્યાપ્ત નથી, એ સાત્વિક હતો કે આસુરિક, એ પણ એટલું જ મહત્વનું છે. જો સાત્વિક ભાવ સાથે ગર્ભાધાન થયું હોય તો નિઃસંદેહ સંતાન ભલે કોઈપણ ભાવ લઈને જન્મે, તે પિતા માટે અને સમાજ માટે શુભ જ હશે.

ઉદાહરણ તરીકે, શત્રુતા સ્વતઃ અશુભ બાબત નથી. શત્રુતા કોની સાથે છે એ વધુ મહત્વનું છે. માટે જો ગર્ભાધાનના અમુક સમય પહેલાથી પિતાના મન-મસ્તિષ્ક ઉપર જો ધર્મના શત્રુઓનો સંહાર કરવાનો ભાવ ખુબ પ્રબળ હોય તો સંતાન પિતાની કુંડળીના પરાક્રમ ભાવને લઈને જન્મ લેશે, અને અધર્મના શત્રુઓનો નાશ કરશે. તે પિતા સાથે શત્રુતા નહિ કરે. આવા તો સેંકડો ઉદાહરણ આપી શકાય છે, પણ કદાચ ઉપર આપેલા ઉદાહરણો પર્યાપ્ત છે.

હવે એક મહત્વની વાત કે જેના માટે મેં આ લેખ લખેલો છે. આપણે જાણીએ છીએ કે સ્ત્રી જયારે ગર્ભવતી થાય ત્યારે તેનું એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે એ સદા પ્રસન્ન રહે અને તેને ગમતી દરેક વસ્તુ કરવામાં આવે. આનું કારણ એ છે કે સંતાનને મન તેની માતા દ્વારા મળે છે. માટે માતાનું મન જેટલું પ્રસન્ન રહે, એટલું બાળક માનસિક રીતે સ્વસ્થ બને છે. એ વાત સત્ય છે કે मन के हारे हार है, मन के जीते जीत. જો માણસનું મન પ્રસન્ન અને સંતુષ્ટ હોય તો તેને દુનિયાના કોઈપણ દુખો દુખી કરી શકતા નથી, અને જો એ મનથી જ દુખી હોય તો કોઈ સુખ તેને સુખી કરી શકતા નથી. માટે સંતાનનું મન સ્વસ્થ બને એની વિશેષ કાળજી લેવાય છે. પણ સંતાનના કર્મનું શું? સંતાનનું કર્મ તો પિતા દ્વારા નક્કી થાય છે. તો એના માટે સમાજ શું કરે છે? માટે આ વિષય ગહનતાથી સમજીને દરેક સંતાન વાંછુક પિતાએ નીચે પ્રમાણે કરવું જોઈએ.

ઉપરની બાબતો પ્રસ્થાપિત કર્યા પછી એ વાત સિદ્ધ થાય છે કે સંતાનપ્રાપ્તિને ઈચ્છુક પિતાનું જીવન અત્યંત સાત્વિક અને ધર્મમય હોય એ અત્યંત આવશ્યક છે. ત્યારબાદ તેને જેવું સંતાન જોઈતું હોય તે પ્રકારના મનમાં વિચારો કરવા જોઈએ અને તે પ્રમાણે જ તેની સતત પ્રવૃત્તિ હોવી જોઈએ. જો ધનલાભના ઈચ્છુક હોય તો દૈનિક લક્ષ્મીપૂજન કરવું જોઈએ અને સારા માર્ગે, નીતિયુક્ત રીતે વધુને વધુ ધન કઈ રીતે કમાવવું એ દિશામાં સતત કાર્યરત હોવું જોઈએ. જો જ્ઞાની સંતાન જોઈએ તો દિવ્ય જ્ઞાનની સાધના કરવી જોઈએ, જો સમાજ માટે કલ્યાણકારી સંતાન જોઈતું હોય તો સમાજના અનીષ્ટોનો નાશ કરવાની સતત વૃત્તિ હોવી જોઈએ, ઈત્યાદી. અને આ બધી બાબતો ગર્ભાધાન પહેલાના ઓછામાં ઓછા એક મહિના પહેલાથી કરવાની બાબતો છે. ગર્ભાધાન થતાં સાથેજ સંતાનના મોટાભાગના કર્મો નક્કી થઇ જાય છે. જન્મ લેવું તો હજુ બહુ દૂરની વાત છે.

અહી એક વાત બીજી પણ અવગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગર્ભાધાન થયા પછી માત્ર સ્ત્રીનું મન અને પ્રવૃત્તિ જ મહત્વની હોય છે, પિતા કંઈપણ કરે તેનાથી કોઈ ફેર પડતો નથી. એવું નથી. ગર્ભાધાન થયા પછી પણ ગર્ભસંસ્કારની પ્રક્રિયા પતિ અને પત્ની, એમ બંનેની છે. આ સમય દરમ્યાન પિતા દ્વારા સતત ધાર્મિક અને પરોપકારના કર્મો થવાથી, પત્ની સાથે રોજ મધુર સંવાદ થવાથી, દાન-પુણ્ય કરવાથી સંતાનને વિશેષ ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય છે અને એક માનસિક તથા શારીરિક રીતે સ્વસ્થ બાળકનો જન્મ થાય છે.

આશા છે કે ઉપરનો વિષય હું સારી રીતે સમજાવી શક્યો છું. જો કોઈને હજુ વધુ પ્રશ્નો હોય તો મને સીધો સંપર્ક કરી શકે છે.

અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

અમાસ, પૂર્ણિમા, ચતુર્દશી, રવિવાર, મંગળવાર, ઉપવાસ, કોઈ તહેવાર અને સૂતકના દિવસોમાં સંસર્ગ ના કરવો. દિવસ દરમ્યાન ક્યારેય પણ, ભૂલથીય સંસર્ગ ના કરવો. સંધ્યા સમયે ગર્ભાધાન કરવાથી આસુરી બુદ્ધિ વાળું સંતાન ઉત્પન્ન થાય છે. રાત્રે 9 થી 1 વાગ્યાનો સમય ઉત્તમ છે. આમતો આ નિયમો આજીવન પાળવાના છે. પણ સંતાનપ્રાપ્તિ માટે તો અનિવાર્ય છે. સંસર્ગ સમયે શક્ય હોય એટલું ભગવાનનું સ્મરણ કરવું. આ વાત વિચિત્ર લાગશે પણ આ જ ઉત્તમ સંતાનપ્રાપ્તિની વિધિ છે.

શુભમ અસ્તુ.

__/\__

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે