મિત્રો આપણે એ તો જાણીએ છીએ કે નવરાત્રી એ શક્તિની આરાધનાનો પર્વ છે. આમતો આપણે સૌ સામાન્ય રીતે નવરાત્રીને ગરબા રાસ રમવા પુરતું જ મહત્વ આપીએ છીએ પરંતુ આગલી પોસ્ટમાં આપણે જોયું તેમ આ પર્વ દેવીના અલગ અલગ રૂપોની આરાધના કરવા માટે બનેલો છે. આપણે નવરાત્રીમાં રાસ ગરબા શા માટે રમીએ છીએ એ વળી એક અલગ ચર્ચાનો વિષય છે જે આપણે હવે પછીની પોસ્ટમાં જોઈશું. પણ અત્યારે તો આપણે એટલું સમજીને ચાલીએ કે નવરાત્રી એ શક્તિની ઉપાસનાનો પર્વ છે. તો અહી આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શક્તિ એટલે શું? એની ઉપાસના કરવાથી શું લાભ? પરાપૂર્વથી ચાલી આવતી આ પરંપરાની પાછળનો ગુઢાર્થ શું હોઈ શકે? આ પ્રશ્નોના જવાબ આપવા માટે થોડી માંડીને વાત કરવી પડે એમ છે. વિષય થોડો લાંબો છે માટે હું તેને બને એટલો રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશ.
આપણા શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર એક છે અને બધી જ જીવ અને અજીવ વસ્તુઓમાં એનો જ વાસ છે અને વળી બધી જ વસ્તુઓ અને તેના સ્વભાવ પણ એક જ ઈશ્વર ને કારણે છે. આ આખું દૈદીપ્યમાન બ્રમ્હાંડ એ ઈશ્વરનું માત્ર એક પ્રત્યક્ષ સ્વરૂપ છે. પરંતુ ઈશ્વર પોતે તો અપ્રત્યક્ષ અને અવ્યક્ત છે. તો અહી પ્રશ્ન એમ થાય કે જો આ પૃથ્વી અને બ્રમ્હાંડ ઈશ્વરનું માત્ર એક પ્રત્યક્ષ સ્વરૂપ છે (અને ઈશ્વર પોતે અવ્યક્ત છે) તો એ પ્રત્યક્ષ સ્વરૂપની રચના કેવી રીતે થઇ? એ સમયે કઈ ઘટનાઓ બની? વિજ્ઞાન આપણને આ પ્રશ્ન નો જવાબ બીગ બેંગ થીયરી દ્વારા આપે છે. આ ઉપરાંત ઘણી ખગોળીય ઘટનાઓ ભૌતિક શાસ્ત્રમાં વર્ણવવામાં આવી છે કે જેના દ્વારા આ સચરાચર શ્રુષ્ટિની રચના થઇ. પરંતુ આ ઉપરાંત આપણા શાસ્ત્રો, અને ખાસ કરીને પુરાણો પણ આ વિષયમાં સાંકેતિક રીતે ઘણું કહી ગયા છે.
પુરાણોમાં આવતી કથા અનુસાર સૃષ્ટિના સર્જન માટે બે મૂળભૂત તત્વોની જરૂર હતી. પ્રાણ અને પ્રકૃતિ. પ્રાણ અને પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન શાસ્ત્રોમાં સંખ્ય યોગના સ્વરૂપમાં કરવામાં આવ્યું છે. એ વિષયમાં ઊંડા ના ઉતરતા આપણે એટલું સમજીએ કે અહી પ્રાણ (કે જેને "પુરુષ" પણ કહેવામાં આવે છે) એ જીવની શક્તિ છે. પ્રાણ વગર કોઈ પણ વસ્તુ જડ છે. અને કોઈ પણ વસ્તુમાં જો પ્રાણ આવી જાય તો એ વિષયોને ભોગવી શકે છે અને પોતાના જડ શરીરને પોતાની ઈચ્છા પ્રમાણે કામે લગાડી શકે છે. વળી "પ્રકૃતિ" એ પદાર્થ અને શક્તિનું નામ છે. એટલે કે દરેક જડ વસ્તુ અને તેની શક્તિ એ "પ્રકૃતિ" છે અને તેનો ભોક્તા જીવ એ "પ્રાણ" અથવા તો "પુરુષ" છે. આ બંને તત્વો જો ભેગા મળે તો જ સંપૂર્ણ સૃષ્ટિ બની શકે. બાકી પુરુષ વગર પ્રકૃતિ નકામી અને પ્રકૃતિ વગર પુરુષ નું કામ ના ચાલે. એક જ ઈશ્વરની આ અલગ અલગ સ્વરૂપે અભિવ્યક્તિ હોવા છતાં ભૌતિક રીતે તેઓ જુદા પડતા હતા. આ જ કારણથી આ બંનેનું "મિલન" આવશ્યક હતું. પુરાણોમાં પ્રકૃતિના નિર્માણ વખતે બનતી બાધા સ્વરૂપ ઘટનાઓને અસુરોનું સ્વરૂપ આપીને એમને નાથવા માટે દેવોએ શંકર ભગવાન અને પાર્વતી દેવીની સહાયતા લીધી એમ કહેવામાં આવ્યું છે. અહી દેવો એટલે અલગ અલગ જીવન તારિણી શક્તિઓ જેમ કે વરુણ, સૂર્ય, પવન વગેરે એમ સમજવું. શંકર ભગવાન એ "પુરુષ" નું પ્રતિક છે. અને પાર્વતી દેવી એ "પ્રકૃતિ" નું પ્રતિક છે. આ કથા પ્રમાણે પાર્વતી એ "શક્તિ" દેવીનો અવતાર છે. અહી એ સમજવું ઘટે કે ભૌતિક વિજ્ઞાન પ્રમાણે દરેક વિદ્યમાન વસ્તુ ભલે તે કોઈ પણ સ્વરૂપમાં હોય, પરંતુ તે અંતે તો "શક્તિ" જ છે. આ સિદ્ધાંત ઉપરથી જ આલ્બર્ટ આઇન્સ્ટાઇને e = Mc2 નું તારણ આપેલું છે (અને આ સિદ્ધાંત ઉપરથી જ પરમાણું બોમ્બની રચના થઇ). જો બ્રમ્હાંડમાં રહેલા બધા ગ્રહોનું ગુરુત્વાકર્ષણ એ શક્તિ છે, તે તેઓમાં રહેલું દળ (ગુરુત્વ) પણ શક્તિ જ છે. આ બંનેમાં કોઈ જ તફાવત નથી. તો આપણે ફરીથી જો મૂળ વાત ઉપર આવીએ તો હવે સમજી શકીએ કે કોઈ પણ જડ પદાર્થ અને તેમાં રહેલી ઉર્જા એ શક્તિનું સ્વરૂપ હોવા છતાં જ્યાં સુધી તેના ભોક્તા એટલે કે "પ્રાણ"/"પુરુષ" નું શક્તિ સાથે "મિલન" ના થાય ત્યાં સુધી આ ચર અને અચર જગતની રચના ના થાય.
પુરાણોની કથા પ્રમાણે શિવ પ્રખર ધ્યાનની અવસ્થામાં હતા માટે સૃષ્ટિની રચના થઇ શકતી નહતી. માટે દેવોએ પાર્વતી દેવી (કે જે "પ્રકૃતિ"/"શક્તિ" નું સ્વરૂપ છે) ને મહાદેવને રીઝવવા મતે પ્રાર્થના કરી અને એનો સાથ કામદેવે આપ્યો. કામ દેવની સહાયતાથી મહાદેવનું ધ્યાન ભંગ કરવામાં સફળતા મળી. સમાધિ તુટતાની સાથે જ મહાદેવના ક્રોધથી કામદેવ ભસ્મ થયો પરંતુ ત્યારબાદ દેવોની પ્રાર્થના સાંભળીને મહાદેવ રીઝ્યા અને અંતે શિવ અને પાર્વતીનું મિલન થયું. આમ થવાથી દેવોનો (સૃષ્ટિના સર્જનમાં બંધનકર્તા) અસુરો સામે "વિજય" થયો અને આ સચરાચર જગતનું નિર્માણ થયું. શંકર અને પાર્વતીનું મિલન થવાથી બંને એક થયા અને માટે મહાદેવ "અર્ધ્નારેશ્વર" કહેવાયા.
પુરાણોની આ ઘટનાને ઉત્સવ તરીકે ઉજવવા માટે અનાદી કાળથી શક્તિની આરાધના કરવામાં આવે છે. માત્ર શક્તિની આરાધના એટલા માટે કેમ કે શિવ એટલે કે "પ્રાણ"/"જીવાત્મા" તો આપણે પોતે જ છીએ. પરંતુ આપણું જીવન પરિપૂર્ણ કરવા માટે આપણે શક્તિના મિલન ની જરૂર છે. અહી એ નોંધનીય છે કે શક્તિને સ્ત્રીનું/દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અગાઉ જોયું તેમ શક્તિ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. એ કોઈ પદાર્થ પણ હોઈ શકે છે અને તે કોઈ સ્વભાવ કે ગુણધર્મ પણ હોઈ શકે છે. મનુષ્ય/સાધકને જે પ્રકારની શક્તિની મનોકામના હોય એ શક્તિના જે તે સ્વરૂપની આરાધના કરે છે. જો ધન પામવાની મનોકામના હોય તો શક્તિના "લક્ષ્મી" સ્વરૂપની આરાધના કરાય છે. જો વિદ્યાની અવશ્ક્યતા હોય તો "સરસ્વતી" સ્વરૂપની આરાધના થાય છે. જો તેજ ની આશા હોય તો "ગાયત્રી" અને શૌર્યની કામના હોય તો "દુર્ગા", "ચંડી", "કાળકા" વગેરે સ્વરૂપોની આરાધના કરાય છે. આ બધા જ પ્રકારની શક્તિઓ આપણી આસપાસ પ્રકૃતિમાં વિદ્યમાન છે જ. એને ગ્રહણ કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. અને જો આ પ્રયત્ન સાચા સમયે અને સાચી રીતે કરવામાં આવે તો એનું ઉત્તમ ફળ મળે છે. અને આ સાચો સમય એટલે દર વર્ષે આવતા નવરાત્રીનો તહેવાર!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો