કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?
મૈથુન ક્રિયા એ એક એવો વિષય છે કે જેના વિષે લગભગ દરેકનો કોઈ ને કોઈ અભિપ્રાય તો છે જ, પણ સભ્ય સમાજમાં તેના વિષે ચર્ચા કરવી એ અયોગ્ય અને અસંસ્કૃત મનાય છે. જો કે આપણાં શાસ્ત્રોએ આ વિષયને ક્યારેય અસ્પૃશ્ય માન્યો નથી. અસ્પૃશ્ય તો શું, શાસ્ત્રોએ તો મૈથુન ક્રિયાને માનવ જીવનના ચાર મહાકર્મો માનું એક માન્યું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દરેક મનુષ્યના 4 એવા કર્મો છે કે જે નીતિપૂર્ણ અને શાસ્ત્રોક્ત રીતે કરવાથી દરેક મનુષ્યનું કલ્યાણ થાય છે. કામસૂત્રના રચયિતા ઋષિ વાત્સ્યાયન ચારેય વેદોના પ્રકાંડ પંડિત હતા (આજના સમયમાં ચારેચાર વેદોના પંડિત હોય એવા વિદ્વાનો આખા દેશમાં પૂરા 10 પણ નહીં હોય). વાત્સ્યાયન ઋષિની રચના 'કામસૂત્ર' વિષે તો આપણે સૌ જાણીએ છીએ, પણ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે વેદોના ભાષ્યકારોમાં પણ વાત્સ્યાયન ઋષિનું નામ ખૂબ આદર પૂર્વક લેવાય છે.
ઉપરની પૂર્વભૂમિકા દ્વારા આપણે સમજી શકીએ કામ વાસના થવી કે તેમાં રત થવું એ કોઈ અધાર્મિક બાબત નથી. આમ છતાં, જીવનના બીજા અનેક વિષયભોગોની જેમ, આ વિષયભોગ માટે પણ શાસ્ત્રોએ અમુક વિધિ-નિષેધ (DOs and DONTs) આપેલા છે કે જેને અનુસરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે અને અધઃપતન થતાં અટકી જાય છે.
આ વિધિ-નિષેધ કયા છે?
આપણાં શાસ્ત્રોમાં જીવનના દરેક આયમોને આવરી લેતી કથાઓ આપવામાં આવેલી છે. આ કથાઓ ખુબજ રસપ્રદ હોવા ઉપરાંત ખૂબ માર્મિક સંદેશ આપનારી હોય છે. આવી જ એક કથા છે, રાજા યયાતિની. યયાતિ રાજાનું મન પણ આપણાં જેવા સામાન્ય લોકોની જેમ વસનાઓમાં આસક્ત હતું. ફરક માત્ર એટલો હતો કે તેઓ એક ધર્મમય જીવન જીવતા હતા. એમની કથા એ આપણાં સૌની કથા છે. અને એમનું જીવન એ આપણાં સૌ માટે પ્રેરણરૂપ છે.
યયાતિ રાજા, એ પાંડવો અને કૌરવોના પૂર્વજ હતા અને પોતાની ધાર્મિકતા અને નીતિમત્તા માટે ખુબજ સુખ્યાત હતા. એક અકસ્માતથી તેમણે દૈત્યગુરુ શુક્રાચાર્યની પુત્રી, દેવયાનીને કૂવામાંથી કાઢતી વખતે તેનું પાણિગ્રહણ (હસ્તમેળાપ) કર્યું હતું અને આ કારણથી દેવયાનીની હઠના કારણે યયાતિએ તેની સાથે વિવાહ કરવા પડ્યા હતા. વિવાહ પૂર્વે શુક્રાચાર્યે યાયાતિને ચેતવણી આપી હતી કે જો એ ક્યારેય દેવયાની સિવાય બીજી કોઈ સ્ત્રીનું ગમન કરશે તો એ તેને ભયંકર શ્રાપ આપશે. લગ્નના થોડા સમય ઉપરાંત દેવયાનીની દાસી, શર્મિષ્ઠા (કે જે પોતે પણ રાજકુમારી હતી પણ દુર્ભાગ્યથી દેવયાનીની દાસી બની હતી) એ સંતાન પ્રાપ્તિની કામનાથી યયાતિને સહવાસ કરવા માટે વિનંતી કરી. યયાતિને શર્મિષ્ઠાની આખી કથા સાંભળીને તેની ઉપર દયા પણ આવી અને તે તેના માદક રૂપ ઉપર મોહિત પણ થઈ ગયો હતો. આ કારણથી તેણે શર્મિષ્ઠા સાથે સહવાસ કરવાનો નિર્ણય કર્યો. પણ કોઈ પરસ્ત્રીનો સહવાસ કરવો એ એક મહાપાપ છે. માટે તેણે શર્મિષ્ઠાને પોતાની પત્ની તરીકે સ્વીકારી વિવાહ કર્યા. જોકે શુક્રાચાર્યની ચેતવણી એને બરાબર યાદ હતી માટે આ લગ્ન તે બંનેએ દેવયાનીથી છુપાવ્યા હતા. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને યયાતિને દેવયાનીથી 3 પુત્રો થયા અને શર્મિષ્ઠાથી 2 પુત્રો થયા. બધા પુત્રો યુવાન થઈ ગયા અને બ્રહ્મચર્યાશ્રમ પૂરું કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશની આયુના થઈ ગયા.
અહીં એ વાત નોંધનીય છે કે શર્મિષ્ઠાના રૂપમાં યયાતિ મોહિત થયા હોવા છતાં, અને દરેક પરિસ્થિતિ અનુકૂળ હોવા છતાં, તેમણે પરસ્ત્રીગમનને ધર્મ વિરુદ્ધ સમજતાં પાપ કરવાનું ટાળીને શર્મિષ્ઠાને વિધિવત રીતે પોતાની પત્ની સ્વીકાર કર્યા બાદ જ તેનો સહવાસ કર્યો. આપણે પણ જીવનમાં ઘણા આકર્ષક સ્ત્રી-પુરુષોના સંપર્કમાં આવીએ છીએ, ઘણીવાર પરિસ્થિતિઓ પણ અનુકૂળ હોય છે. પણ એનો અર્થ એ નથી કે આપણે અનૈતિકતા અને અધર્મનું આચરણ કરીએ.
દૈત્યોના ગુરુ હોવા છતાં શુક્રાચાર્ય એક મહાન ઋષિ હતા. તેમણે દેવયાનીના લગ્ન સમયે જ ભવિષ્ય જોઈ લીધું હતું, અને માટે જ યયાતિને ચેતવણી આપી હતી. અને અંતે એજ થયું જે થવાનું હતું. એકવાર સંજોગોવસાત દેવયાનીને ખબર પડી ગઈ કે યયાતિની બીજી પત્ની શર્મિષ્ઠા છે અને તેનાથી તેને 2 પુત્રો પણ છે. આ જાણતા જ તે તરત શુક્રાચાર્ય પાસે રડતી રડતી દોડી ગઈ. પાછળ પાછળ યયાતિ પણ ગયા. સઘળું વૃતાંત સાંભળતાંજ શુક્રાચાર્યને ક્રોધ ચડયો અને સામે ઉભેલા યાયાતિને શ્રાપ આપ્યો કે તેનું યૌવન તત્ક્ષણે જ છીનવાઇ જાય અને તે દારુણ વૃદ્ધાવસ્થાને પામે (કે જેથી એ કોઈ સ્ત્રીનો સહવાસ કરવાને સક્ષમ ના રહે). આટલું કહેતાજ યયાતિનું પૂર્ણ યૌવન વાળું શરીર નિર્બળ અને અતિવૃદ્ધ બની ગયું. પોતાનું અચાનક આવું શરીર થઈ ગયેલું જોઈ યયાતિ ખૂબ દુખી થયો. એને પોતાનું યૌવન ખુબજ પ્રિય હતું અને તેને હજુ જાતીય વાસના પણ ઘણી જ હતી. તે જાણતો હતો કે વિષયોની વાસનાની તૃપ્તિ પણ એક શક્તિશાળી અને નીરોગી શરીર જ કરી શકે છે.
જે શરીરની ઇન્દ્રિયો નબળી પડી ગઈ હોય છે એ શરીર કોઈ ભોગ ભોગવી શકતું નથી, અને આ અશક્તિને કારણે મનુષ્ય વધુ ને વધુ દુખી થતો હોય છે. માટેજ શાસ્ત્રોમાં દરેક આયુ અનુસાર કર્મો કરવાની આજ્ઞા આપેલી છે કે જેથી જીવન સંતોષપૂર્ણ બની રહે. પણ આજે તો આપણે જોઈએ છીએ કે યુવાનો પણ અનેક જાતની જાતીય સમસ્યાઓથી પીડાતા હોય છે. અને જો નીરોગી પણ હોય, તો પણ તેઓ મન ભરીને જાજો સમય ભોગો ભોગવી શકતા નથી.
શા માટે આજના સમયમાં ભરયુવાનીમાં પણ લોકો વિષયોનો ભોગ મન ભરીને અને લાંબા સમય સુધી નથી કરી શકતા?
આપણાં શરીરમાં 5 પ્રકારના વાયુઓ હોય છે. 1. પ્રાણ 2. અપાન 3. ઉદાન 4. વ્યાન 5. સમાન. આમાંથી અપાન વાયુ શરીરમાંથી ત્યાજ્ય વસ્તુઓનું નિયમન કરતો હોય છે. ત્યાજ્ય વસ્તુઓ એટલે કે મળ, મૂત્ર, પરસેવો, વીર્ય અને રજસ. આનો અર્થ એ થયો કે સંભોગની સ્થિતિ અને આનંદ, એ અપાન વાયુને આધીન હોય છે. શરીરમાં આ પાંચે પાંચ વાયુઓનું સંતુલન બની રહે તે આવશ્યક છે. જો સંતુલનમાં ગડબડ થાય તો દરેક પ્રકારના રોગો અને વ્યાધિઓ આવતી હોય છે. પેટજન્ય રોગો, મળ-મૂત્ર ના રોગો એ દરેક અપાન વાયુના અસંતુલનને કારણે થતા હોય છે. પરંતુ આજના યુગમાં આપણે આવા કોઈ સંતુલનને માન આપતા નથી અને શાસ્ત્રોના નિયમો વિરુદ્ધ ખોરાક આરોગીએ છીએ અને અનુશાષનહિન જીવનચર્યા જીવીએ છીએ. આના કારણે જ આપણે મન ભરીને ના તો જાતીય સુખ ભોગવી શકીએ છીએ કે ના તો અન્ય કોઈ ઇન્દ્રિયોના ભોગ ભોગવી શકીએ છીએ.
અગાઉના સમયમાં ઋષિમુનિઓ અને સામાન્ય લોકો પણ અનુશાષનપૂર્ણ જીવન જીવતા અને ભરપૂર ઇન્દ્રિય ભોગ માણતા હતા. શાસ્ત્રોમાં આવા અનુશાષનપૂર્ણ જીવનને યોગમય જીવન કહ્યું છે. આમ તો યોગ એ એક પોતે જ સાગર જેટલો મોટો વિષય છે, પણ ટૂંકમાં જોઈએ તો યોગ 8 પ્રકારના હોય છે. 1. યમ 2. નિયમ 3. આસન 4. પ્રાણાયામ 5. પ્રત્યાહાર 6. ધારણા 7. ધ્યાન 8. સમાધિ. અહીં 'યમ' અને 'નિયમ' નો અર્થ છે શાસ્ત્રોના આદેશ મુજબની દિનચર્યા જીવવી. 'આસન' અને 'પ્રાણાયામ' એ શરીરના વિવિધ અવયવોને અને 5 વાયુઓને સંતુલિત કરવા માટે હોય છે. અને બાકીના 4 પ્રકારના યોગ આધ્યાત્મિક સાધના માટે કરવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક સાધના કરે કે ના કરે, પણ પહેલા 4 યોગો તો એના ભૌતિક જીવનને અર્થપૂર્ણ અને આનંદમય બનાવવા માટે કરવા જ જોઈએ. અને વળી જો આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો તો આ પહેલા ચાર પ્રકારના યોગો અનિવાર્ય બની જાય છે. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે માત્ર ઇંદ્રિયભોગો માટે જ નહીં, આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ એક સ્વસ્થ અને સશક્ત શરીર હોવું જરૂરી છે. પણ આપણે આ 8 માંથી એકપણ યોગ કરતાં નથી, અને માટેજ જાતીય સુખથી લઈને બીજા કોઈપણ ભોગ આપણે તૃપ્ત થઈને ભોગવી શકતા નથી. ઉદાહરણ તરીકે... આજથી માત્ર 150-200 વર્ષ પહેલાના લોકોનો ખોરાક આપણાં અત્યારના સરેરાશ ખોરાક કરતાં 5 ગણો હતો. તેમની ઇન્દ્રિયો અને અવયવો એટલા મોટા પ્રમાણમાં ભોગ ભોગવવા માટે શક્તિમાન હતા. એમની મૈથુન ક્ષમતા પણ એટલા પ્રમાણમાં વધુ હશે એવું આપણે માની શકીએ. આનું કારણ એ હતું કે અગાઉના સમયમાં લોકોનું જીવન શાસ્ત્રોક્ત રીતે નિયમિત હતું. માટે 'યમ' અને 'નિયમ' એ લોકો સારી રીતે પાડતા હતા.
યયાતિ રાજા પણ એક સામાન્ય માણસની જેમ આધ્યાત્મિક પ્રવૃતિઓથી વિમુખ હતા. આમ છતાં તેઓ પ્રથમ ચાર પ્રકારના યોગોનું આચરણ જરૂર કરતાં હતા. એક કુશળ અને પ્રજાભીમુખ રાજા હોવા સાથે સાથે, તે એક નીતિવાન વ્યક્તિ પણ હતા. પરંતુ તેમને વિષયોમાં આસક્તિ પૂરી થઈ હતી નહીં. અકાળે યુવાવસ્થા જતી રહેવાથી તેમની કામેચ્છા અધૂરી રહી ગઈ હતી. માટે તેઓ અત્યંત દુખી હતા. તેઓએ ગળગળા થઈને શુક્રાચાર્યની ક્ષમા માંગી અને આજીજી કરી કે કોઈ ઉપાય કરીને એમની યુવાની પાછી આવે એવું કરો. અહીં દેવયાનીને પણ પોતાના પતિની આ સ્થિતિ જોઈને દયા આવી અને એણે પણ તેના પિતાને કોઈ ઉપાય બતાવવા કહ્યું. આટલું સાંભળી શુક્રાચાર્યને પણ દયા આવી અને કહ્યું કે મારો દીધેલો શ્રાપ વ્યર્થ તો નહીં જાય, પણ જો તારે તારી યુવાવસ્થા પાછી જોઈતી હોય તો તું તારા પાંચ દિકરાઓમાંથી કોઈપણ એક સાથે તારા વૃદ્ધત્વનો વિનિયોગ કરીને એની યુવાવસ્થા લઈ શકીશ, અને આ યૌવનવસ્થા જેટલો સમય એ ઇચ્છશે એટલો સમય તે જાળવી શકશે. પણ આના બદલામાં તારા પુત્રને તુરતજ તારી વૃદ્ધાવસ્થા લાગી જશે, આટલું સાંભળતાંજ યયાતિ હરખાયા. એને વિશ્વાસ હતો કે તેનો કોઈપણ પુત્ર તેના પિતાની ઈચ્છા પૂરી કરવાની ના નહીં પાડે. તેણે 1000 વર્ષ માટે પોતાના કોઈ એક પુત્ર પાસેથી યૌવન માંગવાનો નિશ્ચય કર્યો.
પિતાએ એક પછી એક એમ પહેલા ચાર પુત્રો સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. પણ થયું એની ધારણાથી બિલકુલ વિરુદ્ધ! ચારેય પુત્રોએ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની યુવાની આપવાની સ્પષ્ટ ના પડી દીધી. એમનું માનવું હતું કે હજુ તો તેઓ બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પણ નથી પામ્યા. આટઆટલા વર્ષો સુધી ગુરુકુળમાં સખત બ્રહ્મચર્યાશ્રમ પાળ્યા પછી માંડ માંડ વિષય સુખ મેળવવાનો વારો આવ્યો છે, અને એમાં પિતા કહે છે કે તમે યુવાવસ્થા ભોગવો જ નહીં? એ તે કેમ ચાલે?
શા માટે બ્રહ્મચર્યાશ્રમમાં ઇન્દ્રિયનિગ્રહ કરવામાં આવે છે?
બ્રહ્મચર્યનો આમતો વ્યાપક અર્થ બહુ મોટો છે. એનો શબ્દાર્થ છે, બ્રહ્મમાં ચરાયમાન રહેવું એટલે કે સતત બ્રહ્મપ્રાપ્તિ માટે રત રહેવું. પણ અહી આપણે તે અવસ્થાનો એક પ્રચલિત આયામ જોઈએ કે જે છે કામ વસનાનું દમન. પુરુષનું વીર્ય અને સ્ત્રીના રજરસમાં અપાર શક્તિ હોય છે. તેનો નિગ્રહ અને નિયમન કરવાથી મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. આનાથી વિપરીત, તેનો વ્યય કરવાથી યાદશક્તિ નબળી પડે છે, મન ચંચળ બની જાય છે, આત્મબળ નબળું પડે છે અને જીવાત્માનું તેજ નબળું પડે છે. મનુષ્યની ચેતના 12 થી 21 વર્ષ વચ્ચે સૌથી પ્રબળ હોય છે અને આ સમયમાં જો યોગ્ય સાધના કરવામાં આવે તો તરત કુંડલિની જાગૃત થતી હોય છે. પરંતુ ઇન્દ્રિય નિગ્રહ ના કરવાથી તપસ્યા ભંગ થાય છે અને જીવનનો આ મહામૂલો અવસર જતો રહે છે. અને આ વાત માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે લાગુ નથી પડતી, પરંતુ કોઈપણ પ્રકારની વિદ્યા અને કૌશલ માટે આ વાત એટલીજ લાગુ પડતી છે. માટે જ તરુણાવસ્થામાં વિદ્યાર્થીઓ કડક બ્રહ્મચર્યનું પાલન કરે એ શાસ્ત્રો દ્વારા આવશ્યક માનવામાં આવ્યું છે.
આ જ અવસ્થામાંથી હજુ તો યયાતીના પુત્રો આવ્યા હતા. તેમને એ પણ શીખવવામાં આવ્યું હતું કે ગૃહસ્થાશ્રમમાં મન ભરીને ભોગ ભોગવી શકાય છે. અને ત્યાંજ પિતાએ તેમની યુવાની માંગી લીધી. એ કઈ રીતે અપાય? પિતા નિરાશ થયા અને દરેક પુત્રને પોતાનાથી દૂર દૂરના મરુભૂમિ વાળા રાજ્યો આપીને શ્રાપ આપ્યો કે તેમની આવનાર પેઢીઓ મલેચ્છ (બર્બર જાતિઓ) બનશે (આ બધી જાતિઓ આગળ જઈને યવન, યુનાની વગેરે બર્બર જાતિઓ બની). હવે યયાતિ રાજાની એકમાત્ર આશા શર્મિષ્ઠા દ્વારા ઉત્પન્ન થયેલો પાંચમો પુત્ર પૂરુ હતો. પુરુએ પિતાના આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકાર્યો અને તેને પોતાનું સૌભાગ્ય સમજી તરતજ પોતાનું યૌવન પિતાને આપવાનો સંકલ્પ કર્યો. આ સંકલ્પ કારતાની સાથેજ યયાતિ રાજા યુવાન થઈ ગયા અને પૂરું વૃદ્ધ! પિતાએ પુરુને ખૂબ આશીર્વાદ આપ્યા અને ભારત દેશના સૌથી ફળદ્રુપ અને પુણ્યશાળી પ્રદેશોનો એને રાજા બનાવ્યો. યયાતિ રાજાનું આ યૌવન પૂરા 1000 વર્ષ સુધી ટકી રહેવાનું હતું. તે પોતાની કામ વાસના સંતોષિને લાંબા સમય સુધી આનંદ મેળવવા માટે ઉત્સુક હતા.




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો