શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?
અગાઉ આપણે જોયું તેમ શક્તિ માતા તો એક જ છે. આપણે આપણી શ્રદ્ધા અને જરૂરિયાત મુજબ તેના અલગ અલગ રૂપોને ભજીએ છીએ. જેમ એક સ્ત્રી એ પોતાના બાળકોની માતા, પતિ માટે પત્ની, પિતા માટે પુત્રી અને નોકર માટે માલિકણના રૂપમાં હોય છે એ જ રીતે આ ત્રીભુવની શક્તિ અલગ અલગ નામે ભજવાથી અલગ અલગ ફળ આપે છે. પછી એને દુર્ગા કહો, કાળી કહો, લક્ષ્મી કહો, સરસ્વતી કહો કે પછી સંતોષી માતા કહો. બધું જ હેમનું હેમ. પણ હા, જો શ્રદ્ધા પૂર્વક તેમનું આરાધન કરવામાં આવે તો તે તેના અલગ અલગ સ્વરૂપે અલગ અલગ એવા મનોવાંછિત ફળ જરૂર આપશે! તો હવે આપણે જોઈએ કે શક્તિની આરાધના કઈ રીતે કરવી.
શક્તિની આરાધનાનો શ્રેષ્ઠ માર્ગ છે તેમના કોઈ ઇષ્ટ (તમને ગમતું) સ્વરૂપનું અનુષ્ઠાન કરવું. માતાના અનુષ્ઠાન કરવાથી ઈચ્છીત સિદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તેની આડપેદાશ રૂપે આરાધકની તેજસ્વીતા વધે છે અને આધ્યાત્મિક ઉન્નતી પણ થાય છે. ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે જે તે "ખાતાના અધ્યક્ષ" એવા માતાની સાધના કરવી જોઈએ. જેમકે ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી અને શત્રુ વિનાશ માટે ચંડી. આ ઉપરાંત જન્મ કુંડળીના ગ્રહોની વિપરીત અસરને પણ ઉલટાવી શકાય છે. બધી જ દેવી અંતે તો કલ્યાણકારી જ છે.
૧. સર્વપ્રથમ તો એ નક્કી કરી લેવું જોઈએ કે શક્તિનું અનુષ્ઠાન શા માટે કરાઈ રહ્યું છે. કોઈ ઉદ્દેશ વિનાની આરાધના એ મધદરિયે દિશા ભૂલેલા વહાણ જેવી છે. જો કોઈ વિશેષ ઉદ્દેશ ના હોય તો "સદબુદ્ધિ" અને "આધ્યાત્મિક ઉન્નતી" એવા ઉચ્ચ ઉદ્દેશ સાધી શકાય.
૨. અનુષ્ઠાન કરવા માટે (કોઈપણ) નવરાત્રીના પહેલા દિવસે માતાની મૂર્તિનું વિધિવત સ્થાપન કરવું અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી.
૩. માતાના જે તે સ્વરૂપ માટે શાસ્ત્રોમાં સૂચવેલ સૂક્ત, સ્તુતિ અથવા કવચ શોધી, રોજ દિવસમાં બે વાર (સવારે અને સાંજે) તેમનું પઠન કરવું અને દિવસ દરમ્યાન મનન કરવું. શાસ્ત્રોમાં સૂચવેલ બધીજ રચનાઓ સંસ્કૃતમાં હોય છે માટે પહેલા તેનો અર્થ સમજવો અને પછી જ તેનું પઠન કરવું. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી દેવીઓમાંથી મોટાભાગની દેવીઓને સિદ્ધ કરવા માટે ખાસ મંત્રો પણ પ્રયોજવામાં આવ્યા છે. જેમ કે ગયાત્રીમાતા (જે તેજસ્વીતા અને જ્ઞાન આપે છે) માટે ગાયત્રી મંત્ર વગેરે. આવા મંત્રોના શક્ય એટલા વધારે જાપ કરવાથી આરાધના ખુબજ સામર્થ્યવાન બને છે.
૪. પુજાના અંતે શાસ્ત્રોમાં બતાવેલ જે તે સ્વરૂપની આરતી ગાવી. આરતીમાં ધૂપ અને દીવાનો ઉપયોગ કરવો. જો વાજિંત્રો પણ વગાળી શકાય તો અતિ ઉત્તમ!
૫. રોજ બંને સમયે તામસિક પદાર્થો ભળેલ ના હોય એવી પ્રસાદી ધરવી. જો અનુષ્ઠાનનો ઉદ્દેશ્ય તામસિક હોય તો તામસિક પ્રસાદી ધરી શકાય.
૬. અનુષ્ઠાનના છેલ્લા દિવસે "બલી" સ્વરૂપે શ્રીફળ વધેરીને માતાને અર્પણ કરવું.
૭. આ નવે નવ દિવસો દરમ્યાન જેટલું બને તેટલું કઠોર તપ કરવું. આના માટે આકરા ઉપવાસ કરી શકાય, માતાના જે તે સ્વરૂપનું પ્રખર જપ/ધ્યાન કરી શકાય, કોઈની સેવા માટે કર્મ યજ્ઞ કરી શકાય વગેરે. આ દરેક કાર્ય વખતે માતાનું સ્મરણ મનમાં હોવું જોઈએ. આ દિવસો દરમ્યાન ચુસ્ત બ્રમ્હચર્યનું પાલન કરવું અને બને એટલું સાત્વિક જીવન જીવવું.
૮. સંપૂર્ણ આરાધના દરમ્યાન તમારા સાધના માટેના ઉદ્દેશને ક્યારેય ના ભૂલવું.
૯. અગાઉ જણાવ્યું તેમ શક્તિનું (અથવા તો કોઈ પણ દેવતાનું) અનુષ્ઠાન મોટે ભાગે કોઈ ચોક્કસ કાર્યસિદ્ધિ કે ઈચ્છાપૂર્તિ માટે કરવામાં આવે છે. જો આમ હોય તો એ ઉચિત છે કે અનુષ્ઠાનના અંતે દેવીની મૂર્તિનું વિસર્જન થઇ જાય (આ વિષયમાં આપણે બીજા લેખમાં જોઈશું). જો વિસર્જન કરવાનું હોય તો આ મૂર્તિ માટીની હોવી જરૂરી છે. આના માટે પર્યાવરણીય ઉપરાંત આધ્યામિક કારણ પણ છે જે આપણે આગળ જોઈશું. અલબત્ત જો કોઈ વિશેષ ઉદ્દેશ ના હોય અને માત્ર આધાત્મિક ઉન્નતી માટે જ અનુષ્ઠાન થયું હોય તો તમારા ઘરની જે કાયમી મૂર્તિ હોય તેનો ઉપયોગ પણ થઇ શકે. તેનું વિસર્જન કરવાની જરૂર નથી.
દરેક અનુષ્ઠાનના અંતે તમે એક વધુ બળવાન અને ઉન્નત મનુષ્ય થઈને બહાર આવશો. માતાના અનુષ્ઠાન આપ સર્વેને ખુબ ફળે તેવી શુભેછા સાથે સૌને મારા "જય અંબે"!!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો