શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?
જો તમે 10માં ધોરણથી વધુ ભણેલા હશો તો સતીપ્રથા, વિધવા વિવાહ નિષેધ, રાજા રામમોહન રાય વગેરે વિષે વાંચ્યું જ હશે. આમ તો આપણા કમનસીબે - ના ના; સદનસીબે - આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ એટલી ખરાબ રીતે ભણાવાય છે કે કોઈપણ વ્યક્તિ એને યાદ રાખી ના શકે. પણ ખાસ કરીને આ સતીપ્રથા જ્યાં ને ત્યાં, હાલતા ને ચાલતા આપણને એટલું બધું યાદ કરાવવામાં આવે છે કે આપણે ભૂલી શકતા નથી કે આપણા પૂર્વજો કેવા પિશાચી હતા, કે જેઓ પોતાની વહુઓને જીતવી ચિતામાં પરાણે હોમી દેતા હતા!
અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયાને "પ્રથા" નું નામ આપવામાં આવ્યું છે. હવે પ્રથા હોવાનો નિયમ એ છે કે એ સમાજ દ્વારા વ્યાપકપણે અનુસરાતી હોવી જોઈએ. આનો અર્થ એ થયો કે સમાજની બધી વિધવાઓને તેના પતિની ચિતામાં જીવતી હોમી દેવામાં આવતી હતી. શું આ માની શકાય એવી વાત છે? જો એવું હોત તો કોઈના કુળમાં કોઈ વિધવા ડોશી ના હોવી જોઈએ! અને દરેક કુળમાં ઓછામાં ઓછી 15-20 સતીઓ હોવી જોઈએ, કારણકે આ પ્રથા તો વર્ષોથી ચાલી આવે છે! શું આવું વાસ્તવમાં છે? જો નથી તો આપણને આ પ્રશ્ન શા માટે નથી થતો?
મેં બહુ ઓછા પરિવારો જોયા છે કે જેમના કુળમાં કોઈ સતી હોય. પણ સદ્ભાગ્યે મારા પોતાના કુળમાં એક સતી છે. સાત પેઢી પહેલા એમણે પોતાના પતિ પાછળ પોતાનો જીવ આપ્યો હતો. તેઓ એક અત્યંત પતિવ્રતા, પ્રેમાળ, માયાળુ, ધાર્મિક અને નીતિવાન સ્ત્રી હતા. તેઓ સાક્ષાત લક્ષ્મીનો અવતાર હતા. તેમના પતિના મૃત્યુ પછી પરિવારજનોએ તેમને ખુબજ સમજાવ્યા પણ તેઓ પતિ પાછળ જવાના તેમના નિર્ણય ઉપર અડગ હતા. પતિની ચિતા ઉપર બેસતા પહેલા તેઓએ પરિવારને ખુબ આશીર્વાદ આપ્યા, આખા કુળની સદૈવ રક્ષા કરતા રહેવાનું વચન આપ્યું, કુમકુમ પગલાં કર્યા અને નિર્ભયતાથી પતિ સાથે સ્વર્ગલોક સિધાવ્યા. તેમના સ્વસુર પક્ષ તરફ અને તેમના પિયર પક્ષ તરફ, એમ બંને તરફ સાત પેઢીમાં તેઓ એકમાત્ર સતી થયા છે, અને આજે પણ બંને તરફના તેમના સંતાનો તેમને પૂજે છે, અને તેમના કર ભરે છે.
પણ આપણા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં આ આખી પ્રક્રિયા કઈ રીતે શીખવવામાં આવી? અહીં એ વાત નોંધનીય છે કે રાજા રામમોહન રાય અને એના જેવા બીજા જેટલા પણ કહેવાતા સમાજ સુધારકો થઇ ગયા, એ વાસ્તવમાં અંગ્રેજોના પાળીતા કુતરા જ હતા (કઠોર ભાષા માટે ક્ષમાપ્રાર્થી છું પણ એ લોકો માટે આ ખરેખર યથાર્થ તુલના છે). એમને હિન્દૂ સમાજ સાથે સ્નાન સૂતકનો સંબંધ પણ નહોતો કે નહોતી કોઈ સમજ.
આ વાત તો થઇ માત્ર સતી કઈ રીતે પોતાનો દેહ ત્યાગ કરે છે એના વિષે. પણ એનું જીવન કેવું હોય છે? તેમના મૂલ્યો, તેમના સિદ્ધાંતો કેવા હોય છે? આ પ્રશ્નોનો જવાબ શાસ્ત્રો સિવાય કોઈ નથી આપતું.
ચેતવણી: જો તમે એક આધુનિક નારીવાદી છો તો આ લેખ અહીંથી જ વાંચવાનું બંધ કરી દો એ તમારા બ્લડપ્રેશર અને શુગરના હિતમાં છે. અહીંથી આગળ તમારા પોતાના જોખમે જ વાંચવું.
શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' ના લક્ષણો કેવા હોય છે?
જો એક શબ્દમાં જ આ પ્રશ્નનો ઉત્તર આપવો હોય તો કહી શકાય કે સતી એટલે 'પતિવ્રતા' સ્ત્રી. સનાતન શાસ્ત્રો એ બાબતમાં સ્પષ્ટ છે કે સ્ત્રીનો એકમાત્ર ધર્મ પતિવ્રતા હોવું એ છે. સ્ત્રીઓને કઠોર તપશ્ચર્યા, સન્યાસ, વેદપાઠ વગેરે કરવાથી મુક્તિ આપવામાં આવી છે. તેમનો માર્ગ સુગમ કરવા માટે એમને માત્ર ને માત્ર પતિવ્રતા થવાનું કહેવામાં આવ્યું છે.
પતિવ્રતા સ્ત્રી એટલે શું?
એક વિવાહિતા સ્ત્રી માટે પતિ જ એનો ભગવાન, એનું બધુજ હોય છે. માટે જ પતિને પતિ પરમેશ્વર કહેવામાં આવે છે. જેવું સમર્પણ પોતાના ઇષ્ટદેવ માટે કરવામાં આવે છે એવું જ સમર્પણ અને ભક્તિ પતિની પણ થવી જોઈએ. પતિ, પોતાના સંતાનો, પોતાનો પરિવાર એ બધું એક પતિવ્રતા સ્ત્રી માટે મસર્વોપરી છે. પોતાના પતિની સુખાકારીમાં પોતાનું સુખ માનવું, મનમાં પણ કોઈ પરપુરુષનો વિચાર સુદ્ધા ના કરવો, અને પોતાના શીલનું રક્ષણ કરવું એ એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. અને સ્ત્રીઓ માટે આ એકમાત્ર ધર્માદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ અન્ય આદેશ નથી.
આપણા શાસ્ત્રોમાં આવતી લગભગ દરેક સ્ત્રીની કથા એ સૂચવે છે કે સ્ત્રી એ જ ઉત્તમ છે કે જે પતિવ્રતા હોય. અહીં આ વિષય ઉપર રામાયણમાં આવતો સતી અનસૂયા અને સતી સીતા માતાનો સંવાદ રજુ કરું છું. મારો આગ્રહ છે કે સમય કાઢીને 6 મિનિટનો આ નાનો વિડીયો જુઓ.
અર્થાત: અહલ્યા, દ્રૌપદી, કુંતી, તારા (વાનરરાજ વાલીની પત્ની) અને મંદોદરી, એ પાંચ મહાન સતીઓ છે કે જેમનું સ્મરણ કરવાથી મહાપાપોનો નાશ થાય છે.
અહીં ઉપર જણાવેલ પાંચેય સ્ત્રીઓના જીવનમાં એક વાત સમાન છે. એ પાંચેયના જીવનમાં એકથી વધુ પુરુષોનો સહવાસ ઘટેલો છે. આમ છતાં તે દરેકની પતિનિષ્ઠા કોઈપણ અન્ય સતી કરતાં ઓછી નહોતી. તેઓએ તેમના જીવનની ઘટનાઓને પોતાનું પ્રારબ્ધ સમજીને સ્વીકાર કર્યો અને છતાં પતિ પ્રતિ સમર્પણમાં સંપૂર્ણ રત રહી.
આમ, જીવનની અસફળતાઓ, દુર્ઘટનાઓ વગેરેને પણ સ્વીકારીને, પતિના નાના-મોટા દોષો, ઉણપો, અવગુણો પણ અવગણીને તેને જ પોતાનો પરમેશ્વર સમજી, પતિના સુખ દુઃખને પોતાનું સુખ-દુઃખ સમજીને જીવે, એ જ એક ઉત્તમ પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ છે.
જો સ્ત્રીને પતિવ્રતા થવાનો આદેશ છે તો પુરુષ માટે શું આદેશ છે?
જો ટૂંકમાં કહું તો જો સ્ત્રીઓ માટે આદર્શ માતા સીતા છે, તો પુરુષો માટે આદર્શ પ્રભુ શ્રી રામ છે. એકપત્ની વ્રતધારી શ્રી રામ સર્વગુણ સંપન્ન અને સર્વ વિદ્યાઓના જાણકાર હતા. ઘણા અર્ધજ્ઞાનીઓ માને છે કે સનાતન ધર્મમાં પુરુષોને અનેક પત્ની રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પણ એવું નથી. આ વિષયમાં વધુ માહિતી માટે મારો એક અન્ય લેખ અહીં વાંચી શકો છે.
પુરુષ એ ઘરનો મુખિયા છે. પરિવાર નીતિવાન અને ધર્મમય જીવન જીવે એ સુનિશ્ચિત કરવા માટે સર્વપ્રથમ તો પુરુષે પોતે ધર્મનું પૂરેપૂરું જ્ઞાન લેવું આવશ્યક છે. બ્રહ્મચર્યાશ્રમમાં - એટલે કે તરુણાવસ્થામાં - દરેક વિદ્યાઓ અને આધ્યાત્મિક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યા પછી જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો, અને પરિવાર શરુ કાર્ય પછી પરિવારના બધા સભ્યો સાત્વિક અને ધર્મમય જીવન જીવે એવો પ્રયત્ન કરવો. દૈનિક ત્રિકાળ સંધ્યા (ત્રણ વાર પૂજા) કરવી, યજ્ઞો, અનુષ્ઠાનો કરવા, પોતાના કુળની પરંપરાઓને આગળ વધારવી, વગેરે દાયિત્વો પતિના જ હોય છે. આ ઉપરાંત પોતાના અને પોતાના વંશના કલ્યાણ માટે અષ્ટાંગ યોગનું યથાશક્તિ આચરણ કરવું.
અષ્ટાંગ યોગ વિષે વધુ માહિતી માટે આ 10 મિનિટનો એક વિડીયો જુઓ. (આ એક ગહન વિષય છે કે જેના ઉપર હું ભવિષ્યમાં એક લેખમાળા લખવાનું વિચારું છું).
આટલું બધું કરવા ઉપરાંત પણ પતિનો ધર્મ અહીં પૂરો થઇ જતો નથી. પત્ની પોતાના પતિને પોતાનો ઈશ્વર માને છે, માટે એ ઈશ્વરનું પણ એ કર્તવ્ય બને છે કે પોતાની પત્નીને પણ લૌકિક અને પરલૌકિક એમ બધી જ વિદ્યાઓનું યથાશક્તિ જ્ઞાન આપે.
સ્પષ્ટ છે કે એક આદર્શ સ્ત્રી કરતાં આદર્શ પુરુષનું જીવન જીવવું વધુ કપરું છે.
સ્ત્રીઓએ 'સતી' અથવા તો 'પતિવ્રતા' શા માટે થવું જોઈએ?
જીવન એ લોકો માટે ખુબજ કષ્ટદાયી હોય છે કે જેઓ અજ્ઞાની હોય છે. અલ્પ સમય માટે તેઓ લૌકિક વૈભવ-વિલાસ માણી શકે છે, પણ વિષયોનો ઉપભોગ ક્યારેય તૃપ્તિ આપનાર નથી હોતો. વિષયભોગથી તો માત્ર વાસનાઓ વધે છે, ઘટતી નથી. પાપમાં પાડીને આ અમૂલ્ય મનુષ્ય જીવન નષ્ટ કરવું એ નરી મૂર્ખાઈ છે. આ વિષયને મળતો આવતો મારો એક અન્ય લેખ અહીં વાંચી શકો છો.
અહીં મહાભારતની એક વાર્તા રજુ કરું છું.
------------------------------------------------------------------------
વ્યાધ ગીતાની વાર્તા:
મહાભારતમાં મિથિલા નગરીનો એક પ્રસંગ આવે છે કે જેમાં એક સામાન્ય બ્રાહ્મણ યુવક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જંગલમાં તપ કરતો હોય છે. ધીરે ધીરે એનું તપોબળ વધવા લાગ્યું. એક દિવસ તે એક વૃક્ષ નીચે બેસીને તપ કરી રહ્યો હતો ત્યારે એની ઉપર એક પક્ષીએ ચરક કર્યું. તેનું તપ ભંગ થયું માટે તેણે ક્રોધથી ઉપર ઝાડ ઉપર બેઠેલા પક્ષી તરફ જોયું. પક્ષીને ક્રોધપૂર્વક જોતાં જ તે બળીને ભસ્મ થઇ ગયું. આ જોઈ બ્રાહ્મણ અત્યંત હર્ષિત થયો અને પોતાની શક્તિ ઉપર અભિમાન કરવા લાગ્યો.
ત્યારબાદ તે ભિક્ષા માંગવા ગામમાં ગયો. ત્યાં એક સાધારણ ઘરની એક અતિ સાધારણ સ્ત્રીના ઘરે જઈને તેણે ભિક્ષા માંગી. પણ એ સ્ત્રી પોતાના પતિને જમાડી રહી હતી, માટે તેણે પતિને જમતો મૂકીને ઉભા થવાનું ટાળ્યું. બ્રાહ્મણ ભિક્ષા માંગતો રહ્યો અને સ્ત્રી પોતાના પતિને નિરાંતે જમાડતી રહી અને બ્રાહ્મણને થોભવાનું કહેતી રહી. આ જોઈ બ્રાહ્મણને ખુબ ક્રોધ ચડ્યો. જયારે એ સ્ત્રી પોતાના પતિને સુખપૂર્વક જમાડીને બ્રાહ્મણ માટે ભિક્ષા લાવી રહી હતી ત્યારે બ્રાહ્મણ તેને ભસ્મ કરવા માટે તેની તરફ ક્રોધપૂર્વક જોઈ રહ્યો હતો. પણ તેની સિદ્ધિની કોઈ અસર એ સ્ત્રી ઉપર થતી નહોતી, માટે બ્રાહ્મણ ખુબ મૂંઝાયો. આ જોઈ એ સ્ત્રીએ હસીને કહ્યું કે, હે બ્રાહ્મણ દેવ, તમારી આ ભસ્મ કરવાની વિદ્યાનો કોઈ પ્રભાવ મારી ઉપર નહિ પડે!
આટલું સાંભળી બ્રાહ્મણ આશ્ચર્ય પામી ગયો. એ સમજી ના શક્યો કે એ ગંવાર સ્ત્રી પાસે એટલી સિદ્ધિ ક્યાંથી આવી કે તે મારા મનની વાત પણ જાણી લે, અને મારી સિદ્ધિનો નિષેધ પણ કરી શકે? સ્ત્રી એ બધું સમજી ગઈ અને ઉત્તર આપ્યો કે તેની પાસે આ સિદ્ધિ માત્ર પતિવ્રતા હોવાથી આવી છે. આ ઉપરાંત તેણે પોતાના ગુરુનું સરનામું પણ આપ્યું અને બ્રાહ્મણને તેની પાસે જવા કહ્યું.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
આ વાર્તા ઉપરથી સમજાય છે કે માત્ર પતિવ્રતા સ્ત્રી હોવાથી જ સ્ત્રીઓ અનેક પ્રકારની સિદ્ધિઓ, આધ્યાત્મિક ઉન્નતી અને સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. આમ પણ, સ્ત્રીઓ માટે સમર્પણ ભાવ, કુટુંબપ્રેમ, પતિપ્રેમ, સંતાન પ્રેમ વગેરે સ્વાભાવિક જ હોય છે. જયારે પુરષોએ મોટા ભાગની તપસ્યાઓ પોતાના સ્વભાવથી વિપરીત જઈને કરવી પડે છે. સ્ત્રીઓ માટે એકમાત્ર તપસ્યા છે, પતિવ્રતા થવું!
આ ઉપરાંત, એક આદર્શ સ્ત્રીના લક્ષણો માટે પણ એક કથા પુરાણોમાં વર્ણવવામાં આવી છે. કોઈ સ્ત્રીને "સતી સાવિત્રી" ની ઉપમા આપવી એ સર્વોચ્ચ બહુમાન ગણાય છે. તો ચાલો જોઈએ કે આ સતી સાવિત્રી કેવા હતા.
-------------------------------------------------------------------------
સતી સાવિત્રીની વાર્તા:
સાવિત્રી એક ચક્રવર્તી સમ્રાટની પુત્રી હતી. તેના પિતાને ઘણા લાંબા સમય સુધી કોઈ સંતાન ના થવાથી તેમણે એક યજ્ઞ કર્યો કે જેમાં સૂર્ય ભગવાને પ્રસન્ન થઇ પોતાના તેજ સ્વરૂપ એક તેજસ્વી દીકરી રાજાને ભેંટમાં આપી. સૂર્ય શક્તિથી તેજોમય હોવાને કારણે તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. રાજાને આ ઉપરાંત કોઈ અન્ય સંતાન નહોતું.
લગ્ન કરવા યોગ્ય થતાં રાજાએ સાવિત્રીને પોતાનો પતિ સ્વયં જ શોધવાનું કહ્યું. સાવિત્રીને પોતાને લાયક કોઈ કુંવર ના મળતા તે અગાધ જંગલમાં ગઈ. ત્યાં પોતાના શત્રુ દ્વારા દેશનિકાલ પામેલ એક રાજા અને તેનો મહા તપસ્વી અને જ્ઞાની કુંવર - સત્યવાન - રહેતા હતા. સાવિત્રીને તે પોતાના મતે યોગ્ય મુરતિયો લાગતાં રાજાને વાત કરી. પણ ત્યારે નારદ મુની પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે આ કુંવર તો અતિ ઉચ્ચ ગુણો વાળો છે પણ તેનું આયુષ્ય માત્ર એક વર્ષનું જ બચ્યું છે. માટે સાવિત્રીએ તેની સાથે લગ્ન ના કરવા જોઈએ.
સાવિત્રીએ એમ કહીને નારદજીની વાત ના માની કે તે સત્યવાનને એકવાર મનથી પોતાનો પતિ માની ચુકી છે, માટે હવે અન્ય પુરુષ સાથે લગ્ન કરવું સંભવ નથી. હવે તેનું ભાગ્ય સત્યવાન સાથે જ જોડાયેલું છે. ત્યારબાદ બંનેનાં લગ્ન થયા અને સુખેથી જંગલમાં રહેવા લાગ્યા. જયારે એક વર્ષનો સમય પૂરો થવાને આવ્યો ત્યારે સાવિત્રીએ મહાદેવની કઠોર તપસ્યા કરી. મહાદેવ પાસેથી તેણે પતિના મૃત્યુ સમયે યમરાજને જોઈ શકવાનું વરદાન માંગી લીધું.
જયારે મૃત્યુની ઘડી આવી ત્યારે પોતાની તપસ્યાના બળે સાવિત્રી યમરાજને જોઈ શકી. તે યમરાજ પાછળ ગઈ અને પતિને મુક્ત કરવાની માંગણી કરવા લાગી.
યમરાજે પણ તેની તપસ્યાને આધીન થઈને પતિના જીવન સિવાય બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું. સાવિત્રીએ પોતાના સ્વસુરનું રાજ્ય પાછું આપવાનું વરદાન માંગ્યું, જેને યમરાજે તુરંત જ સ્વીકાર્યું. ત્યારબાદ પણ પીછો ના છોડતા યમરાજે બીજું વરદાન માંગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ પોતાના પિતા માટે અનેક તેજસ્વી પુત્રોની માંગણી કરી. અહીં પણ યમરાજે "તથાસ્તુ" કહીને માંગણી સ્વીકારી.
આમ છતાં સાવિત્રીએ યમરાજનો પીછો ચાલુ રાખ્યો અને પોતાના તપોબળથી સદેહે યમલોક જવા લાગી. આ સમયે યમરાજે કંટાળીને ત્રીજું અને છેલ્લું વરદાન માંગવાનું કહ્યું. ત્યારે સાવિત્રીએ "મારા અનેક પુત્રો થાય અને એનો પિતા સત્યવાન જ બને" એવું વરદાન માંગ્યું. યમરાજ તેમના પોતાના વચનથી બાધ્ય હતા, અને સાવિત્રીના પતિપ્રેમથી પણ ખુબજ પ્રસન્ન હતા. અને વરદાન પૂરું કરવા માટે સત્યવાનને છોડવો જરૂરી હતો. આથી યમરાજે સત્યવાનનો જીવ ફરીથી તેના શરીરમાં વહેતો કર્યો અને સાવિત્રીને આશીર્વાદ આપ્યા.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
અહીં એ વાત નોંધનીય છે કે સાવિત્રીએ સર્વપ્રથમ પોતાના સ્વસુર - એટલે કે પોતાના ઘર - માટે વરદાન માંગ્યું, ત્યારબાદ પોતાના પિતા -એટલે કે પિયર - માટે વરદાન માંગ્યું. અને છેલ્લે પોતાના માટે અને પોતાના પતિ માટે વરદાન માંગ્યું. એક આદર્શ વિવાહિત સ્ત્રીના જીવન માટે આ ઉચ્ચતમ ઉદાહરણ છે. આનાથી વિશેષ કોઈ આદર્શ હોઈ જ ના શકે.
આવી તો અનેક કથાઓ આવે છે શાસ્ત્રોમાં. અને દરેક કથાનો સંદેશ એક જ હોય છે, કે સ્ત્રીના જીવનનો એકમાત્ર આદર્શ 'પતિવ્રતા' થવું એ હોય છે.
તો શું આ કારણથી જ બાલિકાઓને સારો પતિ મળે એટલા માટે વ્રત કરાવવામાં આવે છે? અને જો બાલિકાઓ વ્રત કરે છે તો બાળકો કેમ સારી પત્ની માટે વ્રત નથી કરતા?
હા. કન્યાઓને પતિપરાયણતાના સંસ્કાર મળે એટલા માટે જ બાલ્યકાળથી વ્રતો કરાવવામાં આવે છે. નાની વયથી આ સંસ્કાર સિંચન અતિઆવશ્યક છે. બાળકો સારી પત્ની માટે વ્રત નથી કરતા કારણકે પત્ની સારી હોવી એ એક સ્વાભાવિક વાત તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે. અને પતિની જવાબદારીઓ પત્ની કરતા ઘણી વધારે છે. પત્નીને ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપવાની જવાબદારી પણ પતિની હોય છે. પત્નીને રોજગાર અને શૈક્ષણિક પ્રશિક્ષણ આપવાની જવાબદારી પણ પતિની છે. માટે પુરુષ બાલ્યાવસ્થામાં કઠોર બ્રહ્મચર્યનું પાલન કરીને આ દરેક વિદ્યાઓ પ્રાપ્ત કરે એવી અપેક્ષા તેની પાસે રાખવામાં આવે છે.
પણ શું સ્ત્રી સન્યાસી બનીને પોતાની આધ્યાત્મિક ઉન્નતી ના કરી શકે? લગ્ન કરીને પતિવ્રતા થવું જરૂરી છે?
હા. નિયમ એ છે કે સ્ત્રીઓએ સન્યાસી ના થવું. સ્ત્રીઓની સમાજમાં ઘણી મર્યાદાઓ હોય છે. માટે સ્ત્રીઓને સન્યાસી થવું બહુ ઉપયુક્ત નથી. આ વિષયને લઈને અહીં ગૌતમ બુદ્ધની એક કથા ટાંકવા યોગ્ય છે.
-----------------------------------------------------------------------
ગૌતમ બુદ્ધ અને તેની પત્નીની કથા:
સિદ્ધાર્થ નામના રાજકુમારને જીવનના સત્યનું જ્ઞાન થતાં તેણે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો. પોતાનું નામ ગૌતમ બુદ્ધ રાખીને તેમણે સન્યાસ તો લીધો, પણ પોતાનો સંસાર મોહ ના છોડી શક્યા, માટે પોતાની પત્ની યશોધરા અને પુત્રને સાથે રાખીને તેમણે સન્યાસ લીધો. પત્ની યશોધરા સ્વયં પણ એક ભિક્ષુણી બની, છતાં તેઓ ગૌતમ બુદ્ધ સાથે જ આશ્રમમાં રહેતા હતા. ઘણો સમય વીત્યા પછી, અને ઊંડું જ્ઞાન મેળવ્યા પછી ગૌતમ બુદ્ધને પસ્તાવો થયો કે તેમણે માત્ર પોતાના સંસાર-મોહને વશ થઈને પોતાની પત્નીને પણ સાથે રાખી. તેમણે પોતાના શિષ્યને કહ્યું કે મારી આ ભૂલને કારણે મારે જે સંદેશ આપવો છે તેનું આયુષ્ય એક હજાર વર્ષ ઓછું થઇ ગયું છે.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ગૌતમ બુદ્ધે આવું શા માટે કહ્યું? એટલા માટે કે તેઓ જાણતા હતા કે તેમના શિષ્યો પણ હવે આશ્રમમાં ભિક્ષુણીઓ રાખતા અચકાશે નહિ, અને સમયાંતરે વ્યભિચાર વ્યાપી જશે, લોકો સાધુઓને શંકાની દ્રષ્ટીએ જોવા લાગશે, પોતાના સંપ્રદાયને દોષ લાગશે, અને અંતે તેમનો જે સંદેશ છે એ લાંબો સમય ટકી શકશે નહિ.
આ કારણોથી સ્ત્રીઓને સન્યાસ લેવાનું વિધાન સનાતન શાસ્ત્રોમાં નથી.
પણ ઇતિહાસમાં એવા પ્રસંગો પણ આવે છે કે જેમાં સ્ત્રીએ પોતાના પતિને ત્યાગીને આધ્યાત્મિક ઉન્નતિ કરી હોય?
હા એવા પ્રસંગો છે. પણ તેઓ અપવાદ માત્ર છે. અપવાદોને નિયમ માનવું એ યોગ્ય નથી. જે સન્યાસી સ્ત્રીઓ હતી એ અત્યંત વિચક્ષણ તથા તપસ્વિની હતી. પોતાના એ જીવનમાં આવતા પહેલા જ તેઓ એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરી ચુકી હતી. ઉદાહરણ તરીકે સાધ્વી મીરાબાઈ. બાલ્યકાળથી જ મીરાબાઈને શ્રી કૃષ્ણ માટે અદમ્ય પ્રેમ અને ભક્તિ હતાં. આ સંસ્કારો તેમના જન્મ-જન્માંતરના હતા. અને વળી તેમણે નાનપણથી જ ભગવાન કૃષ્ણને જ પોતાના પતિ માન્યા હતા. માટે કોઈ અપવાદોને સમજ્યા, વગર નિયમ તરીકે લઈને ધર્મ વિરુદ્ધ કાર્ય કરવું યોગ્ય નથી.
પણ જો પતિ જ નઠારો અને નગુણો હોય તો પતિવ્રતા થવું કેટલું યોગ્ય છે?
ભારતીયોની એક મોટી સમસ્યા એ છે કે તેઓ દરેક ધાર્મિક વાતોમાં ક્યાંક ને ક્યાંકથી અપવાદો શોધીને દલીલો કર્યે રાખે છે. આવા તર્ક વિતર્ક કરવામાં જે તેમને મૂળ કાર્ય કરવાનો આદેશ કરવામાં આવ્યો હોય એ પરાણે ના કરે. આ પ્રશ્ન પણ એ જ પ્રકારનો છે. શું દુનિયાના બધાજ પતિઓ નગુણા અને નઠારા હોય છે? અને જેટલા નગુણા અને નઠારા પતિઓ હોય છે એમાંથી કેટલા એવા હશે કે જેમની પત્નીઓ આધ્યાત્મિક ઉન્નતિ કરવા માંગે છે? અને એવા કેટલા ખરાબ પતિઓ હશે કે જેઓને કાં તો તેની પત્ની પોતાના પ્રેમ વડે સુધારી શકે છે, અથવા તો તેની પત્નીને કારણે જ એ ખરાબ બની ગયા છે?
આપણે એ વિચારવું જોઈએ કે આપણા પતિ, અથવા આપણી પત્નીમાં સારી બાબતો શું છે! આ દુનિયામાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતું. અવતારી પુરુષો પણ નહિ. તો પછી આપણે તો સામાન્ય મનુષ્યો છીએ. આપણને એ જ જીવનસાથી મળ્યો છે કે જે આપણા કર્મો પ્રમાણે આપણને મળવો જોઈતો હતો.
આ કારણથી શાસ્ત્રો તો સ્પષ્ટ રીતે એ જ કહે છે કે પતિના અવગુણો જોયા વગર તેને પરમેશ્વર માનવો એ જ સ્ત્રી માટે કલ્યાણકારી માર્ગ છે. આ વિષે બે ઉદાહરણો જોઈએ.
---------------------------------------------------------------------
જલંધરની વાર્તા:
જલંધર એ ભગવાન શિવના અંશ તરીકે ઉત્પન્ન થયેલ મહાપરાક્રમી અંશાવતાર હતો. તેનો ઉપદ્રવ વધી જતા તેનો સંહાર કરવો આવશ્યક બની ગયો. શિવનો જ અંશ હોવાથી તે આમ પણ અજેય હતો. અને વળી તેને વૃંદા તમે પત્ની હતી કે જે અનન્ય પતિવ્રતા અને તપસ્વિની હતી. પતિવ્રતના તેજને કારણે તેનામાં પ્રકૃતિની દરેક શક્તિઓ સમાયેલી હતી. તે સતત પોતાના પતિના વિજય માટે તપસ્યા કરતી. આ કારણથી જલંધર બીજા કોઈ દેવો તો શું, સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે પણ અજેય બની ગયો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિષ્ણુ ભગવાને વૃંદાનું સતીત્વ ભંગ કરવા માટે તેનું પતિવ્રત ભંગ કર્યું, અને જલંધરની શક્તિ ઓછી કરી. ત્યારબાદ શિવજીએ જલંધરનો વધ કર્યો.
પોતાની સાથે છલ થવાથી કોપિત વૃંદા ઉપર કૃપા કરીને વિષ્ણુ ભગવાને તેને પત્નીનું સ્થાન આપ્યું અને પૃથ્વીલોક ઉપર તેનું તુલસી સ્વરૂપે અવતરણ કર્યું. આ ઘટનાને અનુલક્ષીને દેવદિવાળીએ તુલસી વિવાહ કરવામાં આવે છે.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ઉપરોક્ત વાર્તા ઉપરથી બે વાતો સ્પષ્ટ થાય છે. એક તો એ કે એક સતીનું તેજ એટલું હોય છે કે જેને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય ભેગા મળીને પણ પરાસ્ત કરી શકતા નથી. અને બીજી વાત એ કે વૃંદા જાણતી હતી કે તેનો પતિ એક ધાર્મિક વ્યક્તિ નથી અને તે દૈવી શક્તિઓનો નાશ કરનાર છે. આમ છતાં જલંધર પોતાનો પતિ હોવાથી તે તેને જ સમર્પિત રહી અને અંતે તેનું પોતાનું કલ્યાણ થયું. આમ એક ઉપ્દ્રવીની પત્ની હોવા છતાં, તેના પાપની સહભાગીની હોવા છતાં એક પતિવ્રતા હોવાને કારણે તેને સર્વોચ્ચ સ્થાન મળ્યું.
હવે આપણે જોઈએ મંદોદરીની વાર્તા.
---------------------------------------------------------------------
મંદોદરીની વાર્તા:
મંદોદરી એક અત્યંત સુંદર તરુણી હતી. તેના પિતા એક મહાબલી રાક્ષસ 'માયાસુર' હતા. રાક્ષસોના રાજા રાવણે એકવાર માયાસુરના ઘરે મંદોદરીને જોઈ અને મોહિત થઇ ગયો. તેણે માયાસુરને ધમકી આપી અને બળજબરીથી મંદોદરી સાથે વિવાહ કર્યા. મંદોદરી એક ખુબજ સુશીલ અને ધાર્મિક સ્ત્રી હતી. તે જાણતી હતી કે તેનો પતિ રાક્ષસી પ્રવૃતિનો છે, તે તેને સમજાવતી પણ હતી. આમ છતાં તે સમજતો નહોતો. પણ મંદોદરી એક મહાન પતિવ્રતા સતી બની રહી અને અંતે તેને સ્વયં પ્રભુ શ્રી રામના આશીર્વાદ મળ્યા અને તેની સદગતી થઇ.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ઉપરોક્ત બંને ઉદાહરણો સૂચવે છે કે પતિના અવગુણો સ્વીકારીને પણ પત્ની અખંડ પતિવ્રતા બની રહે તો તેનું અંતે કલ્યાણ જ થાય છે. પતિએ કરેલા પાપો એક પતિવ્રતા પત્નીને લગતા નથી.
ઉપરોક્ત બંને ઉદાહરણો એટલા માટે આપવામાં આવ્યા કે જેથી સ્ત્રીઓ માટે કોઈ તર્ક-વિતર્કને અવકાશ ના રહે. જો તર્કમાં પડવામાં આવે તો કોઈ વ્યક્તિ પૂજ્ય હોતી નથી. અને દરેક પતિ કંઈ રાવણ પણ હોતો નથી. માટે યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વગર પત્ની પોતાના પતિને સમર્પિત રહે એમાં જ દરેકનું હિત છે.
પણ આવી પરંપરાથી તો પતિ પોતાની પત્નીને પગની જુતી સમજે એવું ના બને?
આ પ્રશ્નનો જવાબ એના ગૌણ હોવાને લીધે નહિ, પણ તેના અત્યાધિક મહત્વને કારણે છેલ્લો રાખવામાં આવેલો છે. જે પુરુષ માત્ર પોતાના પતિ હોવાને કારણે પોતાની પત્ની પાસે પોતાને પુજાવવાની વૃત્તિ રાખે છે એ મહા અધમ વ્યક્તિ છે. શાસ્ત્રોમાં પત્ની કરતા અનેકગણા વધુ નિયમો પતિ માટે આપવામાં આવેલા છે. પતિએ એ હંમેશા યાદ રાખવું જોઈએ કે જે ઘરમાં સ્ત્રીઓ પૂજાય છે એ જ ઘરમાં દેવતાઓનો વાસ હોય છે.
ઘરની સુખસમૃદ્ધિ ઘરની લક્ષ્મીને કારણે જ હોય છે. સ્ત્રી ચાહે ગમે તેવી હોય, તેનું કલ્યાણ કરવાની, તેને પ્રસન્ન રાખવાની અને તેની લૌકિક અને પરલૌકિક ઉન્નતી થાય તે જોવાની જવાબદારી પુરુષની હોય છે. સતી અનસુયાએ પણ સતી સીતાજી ને આ પ્રમાણે જ કહ્યું છે. માટે આ લેખ વાંચીને પતિઓએ હરખાવાની જગ્યાએ પોતાનું કર્તવ્ય સમજવાની જરૂર છે, અને શાસ્ત્રોના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાની જરૂર છે.
હવે આપણે ફરીથી યાદ કરીએ કે આ લેખનો મૂળ વિષય શું હતો? આ લેખનો મૂળ વિષય હતો 'સતી પ્રથા'! આપણે જોયું કે ભારતીય સંસ્કૃતિમાં સતી શબ્દનો કેટલો બહોળો અર્થ છે. અને તેનાથી બિલકુલ વિપરીત આપણને આ વિષે શું ભણાવવામાં આવે છે? હજુ માત્ર સો વર્ષ પહેલા આ જ ધરતી ઉપર ગંગા સતી જેવી મહાન સતીઓ થઇ ગઈ છે. પણ આજે સમાજની શું પરિસ્થિતિ છે? જો 'સતી' શબ્દની સાચી વ્યાખ્યા ભણાવવામાં આવતી હોત તો આજનો આ આધુનિક યુગ આટલો વ્યભિચારી અને દંભી ના હોત.
___/\___ જય સીયારામ ___/\___



Jay sita ram 🙏
જવાબ આપોકાઢી નાખો