શું ભારતીય સમાજ એક બળાત્કારી સમાજ છે? કે પછી સ્વપિડનવૃત્તિ થી ગ્રસિત એક મનોરોગી છે?
રક્ષાબંધનનો દિવસ હતો. Whatsapp ઉપર ભાઈ-બહેન ના પ્રેમ અને સંસ્કૃતિના ગુણગાન ગાતા મેસેજ દિવસને ભાવનાત્મક બનાવી રહ્યા હતા. અને એટલામાં જ એક મેસેજ કૈક આવો આવી ગયો....
આ એક જ મેસેજ નહોતો. આવા અનેક મેસેજો આવ્યા જેમાં કેવી રીતે ભારતમાં મહિલાઓનું નિરંતર ઉત્પીડન થઇ રહ્યું છે એના વિષે આપણને "જાગૃત" કરવામાં આવી રહ્યા હતા!
હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન એ થાય કે શું ભારતીય સમાજ ખરેખર એટલો નીચ અને પિશાચી છે કે આપણાથી આપણા તહેવારો ઉપર પણ પોતાને લજ્જિત કાર્ય વગર રહી શકાતું નથી? શું આપણે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે પણ પોતાને ક્ષોભમાં મુક્યા વગર નથી રહી શકતા?
આપણા આ વ્યવહારના બે કારણો હોઈ શકે...
૧. કાં તો આપણે એક નિર્લજ્જ બળાત્કારી સમાજ છીએ કે જેને રોજ રોજ બળાત્કારો ના કરવા માટે સમજાવવું પડે છે.
૨. કાં તો આપણો સમાજ સ્વપિડનવૃત્તિથી ગ્રસિત છે માટે આપણને સ્વયંની જ આલોચના કરવામાં મજા આવે છે.
હવે આપણે થોડુંક જમીની વાસ્તવિકતાઓ ઉપર દ્રષ્ટિપાત કરી લઈએ....
વિવિધ દેશોના અનેક વિષયોના સર્વેક્ષણ અને તેમની તુલના કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વમાં થતા બળાત્કારોના વિષય ઉપર એક સર્વેક્ષણ કર્યું છે કે જે તમે આ લિંક ઉપર ક્લિક કરીને વાંચી શકો છો.
આ સર્વેક્ષણ પ્રમાણે માથાદીઠ થઇ રહેલા બળાત્કારોની સંખ્યામાં ભારત ૧૧૯ દેશોમાંથી ૯૪માં ક્રમે છે. જો થોડું વધુ નિરીક્ષણ કરવામાં આવે તો ૯૫ થી ૧૧૯ વચ્ચે મોટા ભાગના દેશો એવા છે કે જેમાં બળાત્કારોની વ્યાખ્યા જ એવી છે કે જેનાથી કોઈ ઉપર બળાત્કાર થયો છે એમ કહેવું જ ખુબ મુશ્કેલ છે. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે ભારત બળાત્કારોના વિષયમાં વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશોમાંનો એક દેશ છે.
વાત અહી જ પૂરી નથી થતી, પરંતુ અહીંથી શરુ થાય છે! આપણે એ સમજવું પડશે કે ભારત સ્ત્રીઓ માટે આટલો સુરક્ષિત દેશ શા માટે છે...
મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે જયારે પણ સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોની વાત આવે ત્યારે કહેવાતી નારીવાદી સંસ્થાઓ "સ્ત્રીઓના અધિકારો" નો ઝંડો લઈને નીકળી પડે છે અને સ્ત્રીઓ માટે વધારે ને વધારે "અધિકારો" ની માંગણી કરે છે. પરંતુ આ લોકો એ નથી સમજાવી શકતા કે દુનિયામાં સૌથી વધુ અધિકારો ધરાવતી ભારતીય સ્ત્રીઓના પણ બળાત્કાર શા માટે થાય છે? જી હા. આપ સાચું જ વાંચી રહ્યા છો. ભારતીય સ્ત્રીઓ પાસે દુનિયાના સૌથી વધુ સશક્ત અધિકારો છે. તો પછી આ નારીવાદી સંસ્થાઓ વધુ અધિકારો મેળવીને શું કરી લેવાના છે?
હવે આપણે આ દંભી નારીવાદીઓ દ્વારા દેવામાં આવતા તર્કો તરફ પણ જોઈ લઈએ...
"અમારે માતા અને બહેન નું સન્માન નથી જોઈતું, અમને માત્ર એક સ્ત્રી હોવાનો અધિકાર જ આપી દો તોય ઘણું"
"અમને દેવી બનાવીને પૂજવાની કોઈ જરૂર નથી, અમને માત્ર એક સ્ત્રી રહેવાદો તોય ઘણું છે."
વગેરે વગેરે...
આ લોકો ખરેખર તો ભારતીય પરંપરામાં સ્ત્રીઓને દેવામાં આવતા સન્માનને ઠુકરાવી રહ્યા છે, અને પશ્ચિમી દેશો દ્વારા નિર્મિત "અધિકાર કેન્દ્રી સમાજ" ની માંગણી કરી રહ્યા છે. પરંતુ એ લોકો એ વાતનો જવાબ નથી આપી શકતા કે જો આ અધિકાર કેન્દ્રિત સમાજ એટલો જ સુરક્ષિત હોય તો પછી ત્યાં આટલા મોટા પ્રમાણમાં બળાત્કારો શા માટે થાય છે? આ વાતનો જવાબ આ અંગ્રેજીમાં ભણેલા લોકો નહિ આપી શકે. એ જવાબ હું આપું છું....
કોઈ અપરાધી જયારે બળાત્કાર કરવા જાય છે ત્યારે તે સ્ત્રીઓના "અધિકારો" નો વિચાર નથી કરતો. એની ઉપર કામ સવાર હોય છે. એ પરિણામની ચિંતા નથી કરતો. કાયદાઓ ચાહે ગમે તેટલા મજબુત હોય, તે બળાત્કારો ના રોકી શકે.
તો પછી આ સમસ્યાનું સમાધાન શું છે?
અરે ભાઈ, આ સમસ્યાનું સમાધાન હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિમાં જ વણાયેલું છે! સમાધાન એ છે કે પહેલેથી જ સમાજમાં એવા સંસ્કારોનું સિંચન કરવું કે મોટા થયા પછી એક યુવક હમેશા સ્ત્રીઓને સન્માનની દ્રષ્ટિ થી જુએ, ના કે એક ઉપભોગની વસ્તુની દ્રષ્ટિ થી. કામ વાસના દરેક મનુષ્યમાં હોય છે અને એમાં કાંઇ ખરાબ પણ નથી. પરંતુ વાસનાની અંધતામાં પુરુષ ક્યારેય સ્ત્રીઓના શિલનું હનન કરવાનું વિચારે નહિ એ સુનિશ્ચિત કરવા માટે એને આવા સંસ્કાર આપવા આવશ્યક છે. આ જ કારણ છે કે પરનારીને માતા અથવા બહેન ની દ્રષ્ટિ થી જોવાના સંસ્કાર આપવામાં આવે છે, સ્ત્રીઓમાં દેવીઓ ના દર્શન કરવામાં આવે છે. બાળપણથી આ જ શીખેલ વ્યક્તિ જો પરનારીમાં માતા કે બહેન ના જુએ તો પણ કમસે કમ એનું શીલહરણ કરવાનું તો નહિ જ વિચારે એવી કલ્પના છે.
આજે આપણે જોઈ રહ્યા છીએ કે નાની નાની બાલિકાઓ ઉપર થતા બળાત્કારોની સંખ્યા વધી રહી છે. આવું કેમ થઇ રહ્યું છે? આવું એટલા માટે થઇ રહ્યું છે કારણકે આપણે કુમારિકાઓમાં દેવીના દર્શન કરવાનું ભૂલી ગયા છીએ. ઉત્સવોમાં કુમારિકાઓની પૂજા કરવી અને તેમને જમાડવી (ગોયણી કરવી), કુમારિકાઓના હાથે જ હમેશા શુભ કાર્યોના મુરત કરવા, કુમારિકાઓના આશીર્વાદને અત્યંત શુભ ગણવા... વગેરે વ્યવસ્થાઓ એ જ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે કે જેથી નિર્બળ અને ભોળી કુમારિકાઓ ઉપર કુદ્રષ્ટિ કરવાથી વયસ્ક પુરુષો દુર રહે. પરંતુ પશ્ચિમી દેશોમાં આ વ્યવસ્થા ના હોવાને કારણે ત્યાં બહોળા પ્રમાણમાં બાળકો ઉપર બળાત્કાર થતા રહે છે, કે જેનું અનુકરણ આપણો આજનો "ભણેલ-ગણેલ" સમાજ પણ કરવા લાગ્યો છે.
હવે આપણે વધુ એક દ્રશ્ય જોઈ લઈએ....
વર્ષ ૨૦૧૨ નું છે અને આખો દેશ પુરા એક મહિના માટે થંભી ગયો છે, અને રસ્તાઓ ઉપર આવી ગયો છે. શા માટે? દિલ્લીમાં થયેલી એક બળાત્કાર અને હત્યાની ઘટના ના વિરોધમાં (નિર્ભયા કાંડ)! હવે એવું તો નથી કે બીજા દેશોમાં બળાત્કારો થતા જ નથી. પરંતુ ત્યાં તો કોઈ આવા છૂટક કેસ ને મહત્વ નથી આપતું. કેમ?
આનું કારણ એ છે કે પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રીઓ પોતાના અધિકારો માટે લડે છે. પરંતુ ભારતીય સ્ત્રીઓ પોતાના સન્માન માટે લડે છે. માટે એક પશ્ચિમી સ્ત્રી એ બળાત્કારને માત્ર પોતાના અધિકાર નું હનન સમજીને બીજા જ દિવસથી પોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત થઇ શકે છે. પરંતુ એક ભારતીય સ્ત્રી પોતાની ઉપર થયેલ બળાત્કારને "શીલહરણ" અને "સન્માન હનન" સમજીને જીવનભર એ ઘાવને ભૂલી નથી શકતી.
હવે જો જવાબદારીની વાત કરીએ, તો પશ્ચિમી સંસ્કૃતિએ સ્ત્રીઓની રક્ષાની પૂરેપૂરી જવાબદારી કાયદો વ્યવસ્થા ઉપર નાંખી દીધી છે. જયરે ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી સ્ત્રીઓની રક્ષાની જવાબદારી પુરુષોના ખભે રહેલી છે. કોઈ પણ સમાજમાં કાયદો-વ્યવસ્થા સામાન્ય નાગરિકોના સહયોગ વગર કંઈ જ ના કરી શકે. માટે જ એ વાત ખુબ જ મહત્વપૂર્ણ છે કે બાળકોનો ઉછેર જ એવી રીતે કરવામાં આવે કે જેથી તેમને યોગ્ય સંસ્કાર મળે. ભારતીય પુરુષોને બાળપણથી જ સ્ત્રીઓની રક્ષા કરવાના સંસ્કાર આપવામાં આવે છે. અને આ જ સંસ્કાર છે કે જે એક મહિના સુધી લોકોને નિર્ભયાના સમર્થનમાં રસ્તાઓ ઉપર ખેંચી લાવે છે.
પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. ભારતીય સમાજ સ્ત્રીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ હોવાને કારણે ક્યારેક આ દંભી પશ્ચિમી વાદીઓની મીઠી મીઠી વાતોમાં આવીને પોતાને જ વારંવાર લજ્જિત કરવા માટે તત્પર રહે છે. આ જ કારણ છે કે આપણે પોતાને ક્ષોભમાં મુકવાની એકપણ તક જતી નથી કરતા. પછી ભલે એ દિવાળી નો તહેવાર હોય કે રક્ષાબંધન. આપણને પોતાને એ યાદ કરાવવું અનિવાર્ય બની જાય છે કે આપણે એક બળાત્કારી સમાજ છીએ. આ જાગૃતિ નથી, આ સ્વપિડનવૃત્તિ છે... આ એક મનોરોગ છે.
મારા મતે આપણે જરૂર મુજબ વિરોધ દર્શાવવો જોઈએ અને સાથે સાથે આવી ઘટનાઓ શા માટે બની રહી છે એ પણ ચિન્હિત કરવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિ માટે ગૌરવ રાખીને આપણા ભવ્ય વારસાને આગળ વધારવાનું કામ કરવું જોઈએ અને આપણી આવનારી પેઢીઓમાં સાચા સંસ્કારનું સિંચન કરવું જોઈએ.
જો આપણે આટલું ના કરી શકીએ તો મારી આ લેખના વાચકોને એટલી જ વિનંતી છે કે કૃપા કરીને કમસે કમ તહેવારો ઉપર તો ભારતીયોને અપમાનિત કરવામાં ન આવે.
ધન્યવાદ.
*માનનીય શ્રી એસ ગુરુમુર્તીજી ના લેખો પરથી પ્રેરિત

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો