બોલીવુડના રૂપેરી પડદાની બિહામણી બાજુ
હિંદુ મંદિરો અને સાધુઓને વાખોડતી વધુ એક નવી હિન્દી ફિલ્મ PK આવી. મેં ફિલ્મ જોઈ નથી માટે તેના વિષે વધુ ટીપ્પણી તો નહિ કરું પરંતુ બોલીવુડના ભૂતકાળ અને વર્તમાનનું મેં જે નિરીક્ષણ કર્યું છે તેની વાત હું અહી કરીશ.
જો તમે બોલીવુડનું મગજના દ્વાર ખુલ્લા રાખીને નિરીક્ષણ કર્યું હશે તો તમને નીચેમાંના કોઈક પ્રશ્નો તો અચૂક થયા હશે.
શા માટે સની દેઓલ જેવા હીરોએ ગદર, બોર્ડર અને ધ હીરો જેવી સુપરહિટ, પણ પાકિસ્તાન વિરોધી ફિલ્મો કર્યા પછી તેને અને તેના ભાઈ બોબી દેઓલને પોતાની કારકિર્દીથી હાથ ધોવા પડે છે? શા માટે દાયકાઓથી હિન્દી ફિલ્મો ગુંડા-મવાલીઓને હીરો રૂપે રજુ કરતી આવી છે? અંધારી આલમના ડોનને આટલા ઉજળા શા માટે બતાવવામાં આવે છે? શા માટે સંજય દત્ત જેવા મવાલીની આતંકવાદીઓ સાથેની ઘનિષ્ઠતા પુરવાર થયા પછી પણ એની કારકિર્દી નવી ઊંચાઈઓ આંબે છે અને એટલું જ નહિ, એની ત્યારબાદની દરેક ફિલ્મોમાં તેને એક મસીહા રૂપે રજુ કરાય છે અને ફિલ્મના બાકીના દરેક કલાકારો રીતસર તેની ભક્તિ કરતા જોવા મળે છે! શા માટે લાગુ પડતી દરેક ફિલ્મની શરૂઆત, મધ્યમાં અને અંતે એમ જ સમજાવવામાં આવે છે કે આતંકવાદીઓ અન્યાયના શિકાર બનેલા હોય છે? શા માટે ફિલ્મની વાર્તામાં કોઈ પણ દેખીતી જરૂરિયાત વગર હિંદુ સાધુઓને વિલન તરીકે ચીતરાય છે? શા માટે ફિલ્મોમાં (અને ટીવી મીડિયામાં પણ) પાકિસ્તાનીઓને કલાના નામે પ્રોત્સાહન આપવામાં આવે છે? શું ભારતમાં કલાકારો ખૂટી ગયા છે? શા માટે એક ચોક્કસ કોમના હોવું એ બોલીવુડમાં સફળતા મેળવવા માટેનો એન્ટ્રી પાસ છે? અરે, ઘણા અભિનેતાઓએ તો સફળતા મેળવવા માટે સંપ્રદાય પરિવર્તન કર્યું છે! દાખલા તરીકે શાહિદ કપૂર, મહેશ માંજરેકર, મહેશ ભટ્ટ (અને તેનો પરિવાર), સંજય દત્ત વગેરે. મહેશ ભટ્ટનો પાકિસ્તાન પ્રેમ તો ખુબ જાણીતો છે. તેઓ વર્ષમાં પાકિસ્તાનની એક મુલાકાત તો અચૂક લે છે.
છેલ્લા દશકમાં કાશ્મીર અને કાશ્મીરીઓ ઉપર ઘણી ફિલ્મો બની છે. દરેકમાં તેઓને ભારતીય સૈન્ય દ્વારા ભોગ બનતા બતાવવામાં આવે છે. જયારે વાસ્તવિકતા સાવ વિપરીત છે. ભારત સરકાર કાશ્મીરીઓને એટલી મોટી આર્થિક મદદ કરે છે કે તેઓ કોઈ પણ જાતની આર્થિક પ્રવૃત્તિ કર્યા વગર પણ પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકી છે. કદાચ એટલે જ એમેન "આઝાદી આઝાદી" ના નારા લગાવવા અને સૈન્ય ઉપર રોજ પથ્થરમારો કરવો પોસાય છે.
તાજેતરમાં આવેલી ફિલ્મ 'હૈદર' આ જ વિચાર ઉપરથી બનેલી હતી. 'હૈદર' એ એક કાલ્પનિક કથા છે. પણ કાશ્મીરી પંડિતોએ આતતાઈઓના વેઠેલા જુલ્મો તો વાસ્તવિકતા છે. કાશ્મીરીઓની અત્યારની હાલત તેઓના પોતાના કર્મોનું જ ફળ છે. જયારે પંડિતોને તો તેમના કોઈ વાંક ગુના વગર જ કત્લેઆમ, લુંટમાર, બળાત્કારો અને દેશનિકાલનો ભોગ બનાવવામાં આવ્યા હતા. છતાં કાશ્મીરીઓ ઉપર અનેક કાલ્પનિક ફિલ્મો બની ચૂકી છે (કે જેમાં તેમને પોતાને ભોગ બનેલા બતાવાય છે) પરંતુ કાશ્મીરી પંડિતો ઉપર આજ સુધી એક પણ ફિલ્મ કેમ નથી બની? કાશ્મીર ઉપર કોઈ ફિલ્મ બનશે તો માત્ર ને માત્ર ભારતીય સૈનિકોને બદનામ કરવા માટે જ!
ઉપર લખેલા પ્રશ્નો જો તમને હજુ પણ મુંજવતા હોય તો સમજી લો કે તમે બોલીવુડનો સાચો ઈતિહાસ નથી જાણતા! જો તમે બોલીવુડના ઇતિહાસનો (છેક ૧૯૫૦ થી) અભ્યાસ કર્યો હશે તો તમને આ બધી બાબતોથી જરાય નવાઈ નહિ લાગે અને આ બધા પ્રશ્નોનો જવાબ આપોઆપ મળી જશે. બોલીવુડનો વર્તમાન જો ગંદો ગોબરો છે તો તેનો ઈતિહાસ પણ ભયાનક ષડયંત્રોથી ભરેલો છે. રજુ કરું છું બોલીવુડનો સિલસીલાવાર કાચો ચિઠ્ઠો...
૧૯૫૩ માં આવેલી 'દો બીઘા જમીન' અને ૧૯૫૭ માં આવેલી 'નયા દૌર' કદાચ તમે જોઈ હશે. આઝાદી બાદના આ સમયમાં દેશના બૌધીકોમાં એ ચર્ચાએ ખુબ જોર પકડ્યું હતું કે આઝાદી બાદ આ દેશને ખરેખર કઈ દિશામાં લઇ જવો જોઈએ. એ સમયે બે વિકલ્પો ઉપલબ્ધ હતા, મૂડીવાદ અને સમ્યવાદ. નહેરુની આગેવાનીમાં કોંગ્રેસ 'સમાજવાદ' (કે જે બંને વિકલ્પોનું વિકૃત સંકરણ હતું) સાથે સત્તામાં હતો અને વિરોધપક્ષમાં સામ્યવાદીઓ હતા. સામ્યવાદીઓ વિશ્વભરમાં પોતાની પ્રચાર કરવાની ક્ષમતા માટે (ખરેખર તો લોકોને ગેરમાર્ગે દોરવા માટે) જાણીતા હતા. ભારતના સામ્યવાદીઓને વિદેશીઓનું પૂર્ણ રૂપે સમર્થન હતું. તેઓએ દેશના બૌધિક લોકોને તાબે કરવા માટે સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રને અંકે કર્યું, તથા ગરીબ, અભણ અને ભોળા નાગરિકોને બહેકાવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બાનમાં લીધી. ત્યારબાદ શરુ થયો એક પછી એક સામ્યવાદને ફેલાવતી ફિલ્મોનો દોર. અને તેમનું સુકાન સંભાળ્યું બલરાજ સાહનીએ તથા ચહેરો આપવામાં આવ્યો યુસુફ ખાનનો કે જેને આપણે દિલીપ કુમાર તરીકે ઓળખીએ છીએ. દિલીપ કુમાર અને બલરાજ સાહનીની એક પછી એક બધી ફિલ્મો તમે જોશો તો તમને આ વાત સહજ રીતે સમજાઈ જશે. આ એક ષડયંત્ર હતું વિદેશી (રશિયન) તાકાતોનું! આ બધી ફિલ્મોમાં રહેલ છુપા ષડયંત્રને સમજવા માટે તમારે સામ્યવાદ અને તેના અસલી સ્વરૂપનો અભ્યાસ કરવો પડે. 'દો બીઘા જમીન' અને 'નયા દૌર' જેવી એવોર્ડ વિનિંગ ફિલ્મો આ જ ષડ્યંત્રોનાં એક ભાગ હતા. જેમ ઓસ્કાર અને નોબેલ એવોર્ડ આપવામાં આવે છે તેમ કદાચ આ એવોર્ડ પણ પ્રચાર માટે જ આપવમાં આવ્યા હતા! પછી તો આ સિલસિલો ખુબ લાંબો ચાલ્યો. છેક અમિતાભ બચ્ચન અને ત્યારબાદ મિથુન ચક્રવર્તીના સમય સુધી સામ્યવાદીઓનો બોલીવુડ ઉપર દબદબો ચાલુ રહ્યો. ફિલ્મ 'કુલી' નું એ દ્રશ્ય કે જેમાં અમિતાભ દાતરડું અને હથોડો લઈને એક ચિન્હ બનાવે છે, એ કોણ ભૂલી શકે?! અહી એ યાદ અપાવવું ઘટે કે હથોડો અને દાતરડું એ સામ્યવાદીઓનું ચુનાવી ચિન્હ છે. સામ્યવાદીઓ દેશને અંધકાર અને અરાજકતામાં ધકેલવા માંગતા હતા. ઉદ્યોગપતિઓને રાક્ષસ તરીકે ચીતરીને, અને કર્મચારીઓને શોષિત વર્ગ બતાવીને તેઓ દેશની ઔદ્યોગિક પ્રગતિ અટકાવી દેવા માંગતા હતા. વાસ્તવિક પરિસ્થિતિ ફિલ્મોમાં બતાવવમાં આવતી હતી તેનાથી સાવ વિપરીત હતી. મજદૂરો કામ કરવાની બદલે માત્ર હડતાલો કરતા હતા અને ઉદ્યોગપતિઓ તેમનો આવો વ્યવહાર ચલાવીને પણ પ્રગતી કરવા માટે મથતા હતા. આજે પણ તાતા, બિરલા અને બીજા ઉદ્યોગપતિઓની કંપનીમાં કામ કરીને નિવૃત થયેલા કર્મચારીઓને પૂછો તો તમને જણાશે કે તેમના માલિકો ખરેખર ધર્મની મૂર્તિ હતા. પણ ફિલ્મોમાં તેમને રાક્ષસ તરીકે ચિતરવામાં આવતા. ટુંકમાં તમે જેટલી ફિલ્મો જોઈ કે જેમાં લોહીતરસ્યા ઉદ્યોગપતિઓ ગરીબ અને નિસહાય કર્મચારીઓ ઉપર જુલ્મો ગુજારતા હતા તે બધી ફિલ્મો સદાબહાર તો હતી, પરંતુ તેઓ ષડયંત્રનો એક ભાગ પણ હતા. ૭૦ અને ૮૦ ના દાયકાની ઘણી ખરી ફિલ્મો આ જ સુર ઉપર બનેલી હતી. ફિલ્મ 'કુલી' માં તો માલિકના ઘરમાં તોડફોડ કરવી, અરે, તેમની નિર્દોષ દીકરીને ઉઠાવી જવા સુધીની (હીરો દ્વારા કરાતી) હરકતોને વ્યાજબી બતાવવામાં આવતી. આ ફિલ્મોનો પ્રભાવ ખરેખર કર્મચારીઓ ઉપર કેટલો પડ્યો એ તો ચોક્કસ કહી શકાય નહિ. તે એક સંશોધનનો વિષય છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ફિલ્મોનો જાદુ માણસોના મગજ ઉપર આજે જેટલો છે તેના કરતા ક્યાંય વધુ તે સમયમાં હતો. કદાચ એટલે જ નબળા વર્ગના લોકો મહેનત કરવાને બદલે વાતે વાતે હડતાલ કરવી અને ગુંડાગીરી કરવી તેને સંપૂર્ણ રીતે વ્યાજબી સમજવા લાગ્યા, માથાભારે નેતાઓ વાળા મજદૂર યુનિયનો વધુ ને વધુ બળવત્તર બનવા લાગ્યા અને તેમના નેતાઓથી ઉદ્યોગપતિઓ રીતસર થર થર ધ્રુજતા હતા! અંતે તો આ બધાનો ભોગ તે ગરીબ કર્મચારીઓ અને તેમના સંતાનો જ બન્યા કે જેઓ કામ કરવાને બદલે માત્ર હડતાળો જ કરતા હતા. ભારત તેની આઝાદી પછીના ૫૦ વર્ષ સુધી ઊંઘતું રહ્યું તેના માટે અનેક કારણો છે. અને તેમાંનું નાનું સરખું એવું એક કારણ કદાચ બોલીવુડ પણ હોઈ શકે.
યુ.એસ.એસ.આર. ના પતન સાથે ભારતમાંથી પણ સામ્યવાદીઓએ ઉચાળા ભરવાનું શરુ કરી દીધું. લગભગ મિથુન ચક્રવર્તીના (કે જે કથિત રીતે નક્સલવાદી સંગઠનો સાથે જોડાયેલો હતો) સમય સુધીમાં તો સામ્યવાદીઓ દેશમાં નામશેષ થઇ ગયા હતા. પણ તેમની સાથે જોડાયેલા અસામાજિક તત્વોનો દબદબો બોલીવુડ ઉપર તો ચાલુ જ રહ્યો. સામ્યવાદીઓનું સ્થાન ત્યારબાદ અંધારી આલમના દાદાઓએ લઇ લીધું. પાકિસ્તાન સમર્થિત આ દાદાઓ બોલીવુડમાંથી પૈસા પણ બનાવવા લાગ્યા અને સાથે સાથે પોતાનો એજન્ડા પણ પાર પડતા રહ્યા. આ એજન્ડાનો એક ભાગ એટલે કાશ્મીર! અને કાશ્મીરમાં પાકીસ્તાનને નડતી એક માત્ર મુસીબત એટલે ભારતીય સેના. માટે જ સેનાને કાશ્મીરમાં બદનામ કરવું ખુબ આવશ્યક થઇ પડે છે! હિંદુઓ પોતાના ધર્મને નફરત કરવા લાગે એટલા માટે વારંવાર તેને અપમાનિત કરાય છે, અને આપણે એ બધું સહર્ષ જોઈ પણ લઈએ છીએ.
બોલીવુડની અંધારી આલમ સાથેની સાથગાંઠ અનેક વાર જાહેરમાં પુરવાર થયેલી હોવા છતાં પણ આટ આટલા વર્ષો સુધી તેમની મેલી પ્રવૃત્તિઓ ટકી કેમ રહી છે એ એક સંશોધનનો વિષય છે. જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિરીક્ષણ/વિશ્લેષણ દ્વારા જો મારા જેવી એક સામાન્ય વ્યક્તિ પણ આટલું કહી શકતી હોય તો એક પદ્ધત્તિસરનું સંશોધન હજુ કેટલા રહસ્યો ઉજાગર કરી શકે?!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો