કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

આજે મારી ઓફિસમાં ધનતેરસની પૂજા હતી. પુરોહિતજી આવ્યા અને વિધિપૂર્વક પૂજા કરી. યજમાનો અને ઓફીકર્મીઓ યંત્રવત જેમ કહેવામાં આવ્યું તેમ કરતા ગયા અને સમયસર પૂજા પૂરી થઇ ગઈ. પણ એમાંથી કોઈને સમજાયું નહીં કે તેમણે શું કર્યું અને શા માટે કર્યું. પૂજા પછી બધા કંટાળેલા ચહેરે "હાશ" કરીને ઉભા થયા.

પૂજા બાદ મેં પુરોહિતજીને થોડા દુર જઈને કહ્યું કે તમે અષ્ટલક્ષ્મીનું વર્ણન, સંકલ્પનું મહત્વ, લક્ષ્મી અને અલક્ષ્મી વચ્ચેનો તફાવત વગેરે કહ્યું હોત તો લોકોને થોડી રૂચી પણ રહેત અને આસ્થા પણ વધત. તેમનો જવાબ હતો કે આજકાલ કોઈને સમય નથી, બધાને પ્રસાદીમાં જ રસ છે, માટે કહેવાનો કોઈ અર્થ નથી.

પુરોહિતોએ આવું ના વિચારવું જોઈએ

બ્રાહ્મણોના આવા વલણને લીધે જ અન્ય જાતિઓના પાખંડી બાબાઓ અને બટકબોલા કથાકારોનો મહિમા વધી ગયો છે. હિંદુ સમાજનું પતન પણ આ કારણે જ થયું છે.

૧. ઓફિસોમાં અને અન્યત્ર જયારે પૂજા હોય છે ત્યારે લગભગ આખો દિવસ જે તે તેહવાર નિમિતે ફાળવવામાં આવ્યો હોય છે. જો એમને કેટલો સમય લાગશે એ પહેલેથી જ કહેવામાં આવ્યું હોય તો તેઓ પોતાનું આયોજન એ પ્રમાણે જ કરશે. 

૨. યજમાનોને પૂજા વિધિમાં ઝાઝો રસ રહ્યો નથી એનું કારણ છે કે તેઓ એ વિષે કશું જાણતા જ નથી. માત્ર યાંત્રિક રીતે ક્રિયાઓ કરતા રહેવામાં કોઈપણને કંટાળો આવે એ સ્વાભાવિક છે. માટે હિંદુ સમાજને પુજાનું મહત્વ સમજાય, તેમાં અસ્થા રહે, જ્ઞાન વધે, તે હેતુથી તેમને સાથે સાથે જ્ઞાન આપતા રહેવું, વચ્ચે એકાદ પૌરાણિક કથા કહેવી જોઈએ કે જેથી લોકોની રૂચી બની રહે. યાદ રાખો, આપણું કામ માત્ર પૂજા કરાવવાનું જ નહિ, પણ સંસ્કાર સિંચનનું પણ છે.

૩. પૂજા વિધિ દરમ્યાન યજમાન દ્વારા કોઈપણ ઢીલાશ ચલાવી ના લેવી જોઈએ. સામાન્ય રીતે પુરોહિતો યજમાનને વિધિની ક્રિયાઓ એકવાર સમજાવી દે છે, ત્યારબાદ પણ જો ના સમજે તો એમને જેમ કરતા હોય એમ કરવા દે છે. આવું કરવાથી યજમાનને ગંભીરતા સમજાતી નથી, અને પુરોહિતનું પ્રભુત્વ પણ સમજાતું નથી. વિધિ દરમ્યાન પુરોહિત સર્વોપરી હોય છે. તેનું કહ્યું થવું જ જોઈએ એ યજમાનને સમજાવું જોઈએ.

૪. ઘણીવાર મોટા અવાજે મંત્રોચ્ચાર અને થાળીનો અવાજ યજમાનોને બિનજરૂરી ઘોંઘાટ લાગતો હોય છે. માટે તેમને હંમેશા પહેલેથી જ સમજાવવું કે મંત્રોચ્ચાર મોટા અવાજે થવા જોઈએ અને આરતી દરમ્યાન થાળી વગેરે વાદ્યોનો ઉપયોગ કરવાથી અનિષ્ટોનો નાશ થાય છે.

૫. જો યજમાન બ્રાહ્મણ ના હોય તો પુરોહિતો ગોત્ર પણ પૂછતાં નથી, એવું ધારી લઈને કે એમને નહિ જ ખબર હોય. આવું જરૂરી નથી. અને જો ના ખબર હોય તો પણ ગોત્ર પૂછવાથી યજમાનને એ તો ભાન થશે કે ગોત્ર એ એક યાદ રાખવાની વસ્તુ છે. વારંવાર પૂછવાથી તેઓ પોતાના વડીલોને પૂછીને આ માહિતી યાદ રાખશે. આ ઉપરાંત જો યજમાન બ્રાહ્મણ હોય તો એને ગોત્ર ઉપરાંત તેનો વેદ, શાખા, સૂત્ર અને પ્રવર પણ પૂછવા. જો ના ખબર હોય તો તેમને ગોત્ર પ્રમાણે તેમના પ્રવર કહેવા જોઈએ. આનાથી બ્રાહ્મણોની શુદ્ધિ થશે.

૬. સંકલ્પ સમયે કાલગણના સંક્ષેપમાં કહેવી જોઈએ અને જંબુદ્વિપ અને ભારતવર્ષના ક્ષેત્રને નિરુપિત કરવા જોઈએ.

૭. જે મુખ્ય યજમાનો પૂજામાં બેસવાના હોય તેમને પહેલેથી ઉપવાસ વગેરે નિયમોનું પાલન કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હમેશા આગ્રહ રાખવો કે કમસે કમ મુખ્ય યજમાન ધોતી અને ઉપરીય જ પહેરે.

૮. કર્મ શરુ કરતા પહેલા મુખ્ય યજમાનને તેમની મનોકામના જણાવવા માટે કહેવું જોઈએ, અને આરતી બાદ ઉપસ્થિત દરેકને કર્મના મુખ્ય દેવતાઓના આશીર્વાદ લઈને તેમની પાસેથી પોતાની મનોકામના નિઃસંકોચ માંગવાનું કહેવું જોઈએ, અને વિશ્વાસ પણ અપાવવો જોઈએ કે તેમની મનોકામના અવશ્ય પૂરી થશે. આનાથી લોકોમાં શ્રદ્ધા અને ભક્તિ વધશે, કે જેના વગર કોઈપણ કર્મ અધૂરું રહે છે.

૯. સામાન્ય રીતે પુરોહિતો યજમાનો વચ્ચે જાણે પરગ્રહવાસી હોય એમ અતડા અને નિરપેક્ષ રહે છે. તેમને પોતાના કર્મ સિવાય કોઈ સાથે જાણે કોઈ નિસ્બત જ ના હોય એવું લાગે છે. આવું ના હોવું જોઈએ. પુરોહીતોનો સંવાદ એક યા બીજી રીતે ઉપસ્થિત દરેક સાથે ચાલુ જ રહેવો જોઈએ. આ માટે તેમને વિધિઓનું મહત્વ તથા નાની નાની વાર્તાઓ કહેતા રહેવી જોઈએ. પિતૃઓનું મહત્વ, પિતૃકાર્યના મહત્વ વિષે અચૂક કહેવું જોઈએ. કર્મ દરમ્યાન કોઈપણ પ્રકારની અશુદ્ધિ, ગેરશિસ્ત કે કોલાહલ ચલાવી લેવો ના જોઈએ. ખુબજ કડકાઈથી લોકોને પૂજામાં ધ્યાન રાખતા કરવા જોઈએ. મોટે ભાગે પુરોહિતો આત્મવિશ્વાસ વગરના હોવાને કારણે આવું કરી શકતા નથી, પણ યાદ રાખો, પૂજા દરમ્યાન પુરોહિત સર્વોપરી છે. અને જે વ્યક્તિ પોતાના કામ માટે ચોક્કસ અને આગ્રહી હોય એવા વ્યક્તિનું સન્માન બધા કરતા હોય છે. આત્મવિશ્વાસ વગરના અને લબાડ લોકોનું માન કોઈ સાચવતા નથી. બ્રાહ્મણોનું સન્માન આપણે પોતે જ જાળવવાનું છે.

૧0. હંમેશા એ વાત અચૂક કહેવી કે પોતે જેટલી દક્ષિણા લે છે એની સામે કેટલું તપ પણ કરે છે. સામાન્ય લોકોને લાગે છે કે મહારાજ આવ્યા, અગડમ બગડમ બોલી ગયા અને પૈસા પડાવી ગયા. તમારે તમારી કઠોર દિનચર્યા, તમારું શિક્ષણ અને નિયમિત તપ-પુણ્ય કાર્ય વિષે કહેવું જોઈએ.

૧૧. દરેક પૂજા ઉપરાંત યજમાનને કોઈને કોઈ પુણ્ય કાર્ય કરવા કહેવું જોઈએ. ગાયને ઘાંસ નાખવાનો સંકલ્પ પણ કરાવવો જોઈએ.

1૨. છેલ્લી અને મહત્વની વાત. મોટે ભાગે પુરોહિતો મેલા, ચોડાયેલા, જોવા ના ગમે એવા કપડા પહેરીને આવતા હોય છે. આવું ક્યારેય ના કરવું. યજમાનો બધા ખુબજ સરસ, સુગંધમય થઈને આવ્યા હોય અને આપણે લઘરવઘર હોઈએ તે બહુજ ખરાબ છાપ પાડે છે. હંમેશા ધોતી અને ઉપરીય ઉચ્ચ ગુણવત્તા વાળા કાપડના, તથા સરસથી સિલાઈ કરેલા હોવા જોઈએ. માથે ત્રિપુંડ રાખવું અને ગળા તેમજ હાથમાં રુદ્રાક્ષ રાખવા જોઈએ. મંત્રોચ્ચાર વખતે ટટ્ટાર બેસવું જોઈએ અને પરંપરા પ્રમાણે મંત્રોના આરોહ અવરોહ સાથે હાથોનો અભિયાન પણ થવો જોઈએ. ટૂંકમાં આપણા ત્યાં હોવાનો કોઈ પ્રભાવ હોવો જોઈએ, અને જોનારાઓને લાગવું જોઈએ કે આ વ્યક્તિ પોતાના કામમાં પારંગત છે અને નીજી જીવનમાં સુવ્યવસ્થિત અને સુસજ્જ છે.

આ લખનાર પોતે કોઈ પુરોહિત નથી. હું તો એક કોર્પોરેટ ઓફિસમાં કામ કરતો સામાન્ય નોકરિયાત છું. પણ દરેક વખતે બ્રાહ્મણો દ્વારા કરાતી આવી ભૂલો મને ખુંચે છે, અને મને લાગે છે કે બ્રાહ્મણોને કોઈ બહારની વ્યક્તિ તેમના વિષે શું વિચારે છે એ કોઈ કહે તો તેઓ તેમાં સુધારો કરી શકે.

જો આ સંદેશ સારો લાગે તો પુરોહિત કર્મ કરતા અન્ય લોકોને પણ પહોચાડવા વિનંતી.

ટિપ્પણીઓ

  1. આપનો આ લેખ અતિ ઉત્તમ અને પુરોહિતો માટે પ્રેરક છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. નિત્ય કર્મ પોતાના માટે હોયછે બીજાને બતાવવા કે કહેવા માટે નહિ. અને સિલાઈ કરેલ વસ્ત્ર યજ્ઞ કાર્ય માં વર્જિત છે. .

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે