શું હિંદુ પરંપરાઓમાં પરાણે વૈજ્ઞાનિકતા શોધવી અને ઘૂસાડવી યોગ્ય છે?

પ્રાયઃ આપણે જોઈએ છીએ કે હિંદુ પ્રથાઓ અને માન્યતાઓની પાછળ રહેલા વિજ્ઞાનને સિદ્ધ કરવા માટેની જાણે હોડ લાગેલી છે. પ્રત્યેક ક્રિયામાં કોઈને કોઈ વિજ્ઞાન હોવું આવશ્યક છે.

આવા લોકો માટે મને અમુક પ્રશ્નો છે.

  1. જો કોઈ માન્યતા કે પ્રથામાં તમને કોઈ વૈજ્ઞાનિકતા ના જોવા મળે તો તમે શું એને માનવાની ના પાડી દેશો?
  2. જો વૈજ્ઞાનિક આધાર જ બધુંજ છે, તો એ ક્રિયાઓને આસ્થા સાથે ના જોડીને માત્ર ક્રિયાના રૂપમાં કરવામાં આવે તો શું તમને ચાલશે? ઉદાહરણ તરીકે, હાથમાં દોરો બાંધવા માટે તમને કોઈ વૈજ્ઞાનિક તર્ક મળી જાય તો શું તમે પૂજા કે પવિત્ર ધામના દોરાને ના બાંધીને કોઈ બજારુ દોરો બાંધી લેશો તો ચાલશે? વિજ્ઞાનની દ્રષ્ટીએ તો આમાં કોઈ વાંધો નથી!
  3. શું તમે એવું માનો છો કે લખો વર્ષોથી ચાલ્યા આવતા આપણા પૂર્વજો અભણ ગવાર હતા માટે એમને ધર્મના નામે વૈજ્ઞાનિક કાર્યો કરાવવામાં આવતા હતા, અને હવે તમે જ એક પરમ વૈજ્ઞાનિક પેદા થયા છો કે જેણે આખી માનવજાતિનું તમસ હરણ કરવાનું બીડું ઝડપ્યું છે?

વાતને વધુ ના ઘુમાવતા સીધેસીધો મૂળ મુદ્દા ઉપર આવું છું.


વિજ્ઞાન અને અધ્યાત્મમાં મૂળભૂત અંતર છે. વિજ્ઞાન બન્યું છે ભૌતિક વસ્તુઓને સમજવા માટે અને અધ્યાત્મ (કે આસ્થા) બન્યા છે આધિદૈવિક અને આધ્યાત્મિક વિષયોને સમજવા માટે. હવે જો તમે ભૌતિક વિજ્ઞાનના નિયમોથી આધ્યાત્મિક ક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરશો તો તમે અધ્યાત્મ અને વિજ્ઞાન, એમ બંને ને અન્યાય કરી રહ્યા છો. શું તમે ભાષાના વિષયોને, કે સમાજશાસ્ત્રના વિષયને વિજ્ઞાનના નિયમો દ્વારા સમજવાનો પ્રયત્ન કરો છો? નહિ ને? કારણકે બંને વિષયોનો આધાર જ અલગ છે.

ભૌતિક વિજ્ઞાન દરેક પ્રશ્નોનો ઉત્તર બાહ્યજગતમાં શોધે છે. અને અધ્યાત્મ પરમ સત્યની ખોજ પોતની અંદર જ, પોતાના મન, જીવાત્મા અને બુદ્ધિમાં કરે છે. હવે જો તમે આસ્થાને વિજ્ઞાનથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમે તમારા આધ્યાત્મિક માર્ગથી ભટકીને જ રહેશો.

ઉપવાસોના પણ લોકો વૈજ્ઞાનિક અર્થ કાઢે છે. પણ ઉપવાસનું પ્રયોજન અષ્ટાંગ યોગના પ્રથમ બે ચરણ (યમ અને નિયમ) ને જીવનમાં સુદ્રઢ કરવાનું છે. "પતે સાફ કરવાનું" નહિ! 😁😁

માટે ભગવાન અને શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખો અને પરંપરાગત વિધિવિધાનોનું અનુસરણ કરતા કરતા નૈતિક જીવન જીવો.

ઉદાહરણ માટે, લોકો હનુમાનચાલીસમાં સૂર્યથી પૃથ્વીનું અંતર શોધે છે (જુગ સહસ્ત્ર જોજન પાર ભાનુ). હવે આ મૂર્ખતા નથી તો બીજું શું છે?

હનુમાનચાલીસાનો પાઠ હનુમાનજી જેવી ભક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે બન્યા છે, મોક્ષ પ્રાપ્તિ માટે બન્યા છે.

"જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા" અને "જો શત બાર પાઠ કાર કોઈ છૂટહી બંદી મહાસુખ હોઈ".

જયારે તુલસીદાસજીએ હનુમાનચાલીસાનું ફળ સ્વયં પોતે જ કહી દીધું છે તો શા માટે લોકો એને સિદ્ધ કરવાને બદલે પૃથ્વી અને સુરજ વચ્ચેનું અંતર શોધતા હશે?

આવું જ વેદ મંત્રોના ઉચ્ચારણ વિષે થાય છે. લોકો નકામો સમય નષ્ટ કરતા હોય છે મંત્રોમાં વિજ્ઞાન ગોતવા માટે.

આધુનિક વિજ્ઞાન માત્ર ભૌતિક સ્ટાર ઉપર જ લાગુ થાય છે. જયારે વૈદિક વિધિવિધાન આદીભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, એમ ત્રણેય સ્તરે કામ કરતા હોય છે. અને વૈદિક નિયમો માત્ર પૃથ્વીલોક ઉપર જ નહિ, પણ સમસ્ત લોકો ઉપર સમાન લાગુ થાય છે. આધ્યાત્મિક વિદ્યા એક જન્મ માટે નથી હોતી, જન્મજન્માંતર માટે હોય છે.

હવે તમે જ કહો કે જે વિજ્ઞાન માત્ર આ પૃથ્વી અને આ મનુષ્ય દેહ સુધી જ સીમિત છે, એવા વિષયને લઈને મંત્રો અને શ્લોકોનું વિશ્લેષણ શા માટે કરવું?

શું કોઈ સોનાની સાવરણી લઈને કચરો સાફ કરે? તો પછી એ સાવરણીથી કચરો સાફ થાય છે કે નહિ એ જાણીને શો ફાયદો?


હવે એક બીજો પ્રશ્ન:

પણ હિંદુ વિધિ વિધાનમાં વૈજ્ઞાનિકતા છે એ વાત સિદ્ધ છે, તો કેમ એની ઉપર લક્ષ્ય આપવામાં ના આવે?

એક ઉદાહરણ આપું છું. કેરી ખાવાથી વિટામીન A મળે છે. તો શું આપણે વિટામીન A લેવા માટે કેરી ખાઈએ છીએ? એના માટે તો આપણે વિટામીનની ટેબ્લેટ પણ ખાઈ શકીએ છીએ ને? કેરી ખાવાની શું આવશ્યકતા છે?

આપણે કેરી એટલે ખાઈએ છી કારણકે કેરીનો આનંદ માત્ર કેરી જ આપી શકે છે. કોઈ અન્ય ફળ કે ટેબ્લેટ નહિ.

આજ રીતે, મંત્રો, શ્લોકો અને સ્તુતિઓનું પ્રયોજન પરલૌકિક હોય છે. આમાં વિજ્ઞાન ઘુસાડવું મૂર્ખતા છે.

આ જ વાતને આગળ કહું તો, વિજ્ઞાન માત્ર કેરીની અંદર રહેલ વિટામીનનું માપ કહી શકે છે. પરંતુ એમાં રહેલા આનંદ અને રસાસ્વાદનું માપ કહી શકતું નથી. કેરીનું પ્રયોજન રસાસ્વાદ છે, વિટામીન મળવું તો એક આડપેદાશ છે.

આ જ રીતે સમજવું જોઈએ કે અધ્યાત્મ એક અનુભૂતિનો વિષય છે જેને સમજવા માટે ભૌતિક વિજ્ઞાન બન્યું જ નથી. વિજ્ઞાન ભૌતિક સીમાઓથી બંધાયેલું છે. અને અધ્યાત્મ સીમાઓ તોડવાનું કામ કરે છે. હવે કહો કે બનેમાં કેવી રીતે મેળ બેસશે?

એટલા માટે જ અધ્યાત્મને વિજ્ઞાન વડે સમજવાનો પ્રયત્ન એવો જ છે જે જાણે ગંગા નદીની વચ્ચોવચ એક કુવો ખોદવામાં અએ અને કહેવામાં આવે કે, જુઓ, ગંગા નદી કુવો ખોદવા માટે ઉપયુક્ત છે કારણકે કુવામાંથી પાણી નીકળી રહ્યું છે.

અસ્તુ.

_/\_ મહાદેવ હર_/\_

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે