ગણપતિ સ્થાપના, પૂજા, વિસર્જન કઈ રીતે કરવું અને શા માટે કરવું?
Everything That You Want To Know About Ganpati Sthapna
ગણપતિ દેવનું મહાત્મ્ય:
સનાતન ધર્મમાં પ્રત્યેક લૌકિક અને પારલૌકિક કર્યો માટે કોઈ ને કોઈ “Specialist” દેવતાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેજ પ્રાપ્તિ માટે સૂર્ય, બાળ અને બ્રમ્હચર્ય માટે હનુમાનજી, ધન માટે લક્ષ્મી, વિદ્યા માટે સરસ્વતી, વિનાશ માટે ભૈરવ, દુર્ગા, કાળી વગેરે દેવતા ઉપલબ્ધ છે. આવી જ રીતે કાર્યારંભ અને વિઘ્ન વિનાશ નું “Department” ગણપતિ દેવને આધીન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમની પત્નીઓ છે. રિદ્ધિનો અર્થ છે એવી સમૃદ્ધિ કે જે સંતોષદાયી અને સુખદાયી હોય. અને સિદ્ધિનો અર્થ છે કોઈ પણ કળા અથવા કૌશલને હસ્તગત કરવું. આમ સ્વાભાવિક રીતે જ એ સ્પષ્ટ થાય છે કે ગણપતિ દેવ રિદ્ધિ અને સિદ્ધિને પ્રાપ્ત કરવામાં આવતા વિઘ્નોનો નાશ કરે છે.
જયારે એક સાધક અથવા યોગી પોતાની સાધના કરે છે ત્યારે હંમેશા તેને પોતાના સાધ્યને પ્રાપ્ત કરવામાં અનેક વિઘ્નો આવતા હોય છે. ઉદાહરણ તરીકે, પરમેશ્વર પ્રાપ્તિની સાધના કરી રહેલો યોગી જયારે પોતાની સદ્ધનાની મધ્યમાં હોય ત્યારે તેને ભ્રમિત કરવા વાળી અનેક સિદ્ધિઓ તેને મળતી હોય છે. આ સિદ્ધિઓ લોભામણી હોય છે જે સાધકના કામ, ક્રિધ, લોભ વગેરે ને સંતુષ્ટ કરવા સાથે સાથે ઉત્તેજિત કરીને એને ધૂર્ત અને વિલાસી બનાવી શકે છે. જો આ સમયે યોગી પોતાના ઉદ્દેશ્યથી વિચલિત થઈને ભોગી અને વિલાસી બની જાય તો તેની સાધના અધુરી રહી જાય છે અને તેનું પતન થાય છે.
આ જ રીતે મન અને ઈશ્વરને જોડનાર સંગીતણી સાધના કરી રહેલ સાધક જયારે તેને મળી રહેલ પ્રસિદ્ધિ અને વિલાસથી છકી જઈને પોતાના માર્ગથી વિચલિત થઇ જાય છે ત્યારે તેની સાધના અધુરી રહી જાય છે, સિદ્ધિ મળતી નથી, અને ધન એવું મળે છે કે જે શાંતિ દેનાર નથી હોતું. અર્થાત રિદ્ધિ પણ નથી મળતી અને સિદ્ધિ પણ નથી મળતી.
સમાજ કલ્યાણનું કામ કરવા નીકળેલ એક નેતા જયારે રાજનીતિની અટપટી ગલીઓમાં ગૂંચવાઈને એક ભોગી-વિલાસી જંતુ બની જાય છે ત્યારે તેને પણ તમે એક પથભ્રષ્ટ સાધક તરીકે જ જુઓ.
આ પ્રમાણે જીવનનું પ્રત્યેક ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય એક સાધના છે. આ સાધનાથી આપણે વિચલિત ન થઇ જઈએ, અને સાધના ના અંતમાં રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય એટલા માટે કોઈપણ પૂજા, કાર્ય કે સાધનાના પ્રારંભમાં ગણપતિ દેવને અગ્રેસર રાખવામાં આવે છે જેઓ કાર્યમાં આવવા વાળી દરેક બાધાઓનો નાશ કરે છે.
ગણપતિ દેવની સ્થાપના કેવી રીતે અને શા માટે કરવી?
સૌથી પહેલા તો “સ્થાપના શા માટે કરવી” એ સમજવું ખુબજ મહત્વપૂર્ણ છે. કોઈપણ દેવતાની સ્થાપના બે પ્રકારે થાય છે. i) ચલ સ્થાપના અને ii) અચલ સ્થાપના. અચલ સ્થાપના સાર્વજનિક મંદિર અથવા ઘરમાં રહેલ મંદિરમાં કરવામાં આવે છે. આ મૂર્તિ ત્યાં સદા રહેવાની છે એટલા માટે એમાં પ્રાણનું આવાહન કરીને “પ્રાણ પ્રતિષ્ઠા” કરવામાં આવે છે. યોગ્ય વિધિ અને ભાવના સાથે કરવામાં આવેલી આ પ્રક્રિયા પછી એ મૂર્તિમાં પ્રાણ આવી જતા હોય છે, અને દેવતા તેમાં સાક્ષાત બિરાજમાન થતા હોય છે. આ પછી એ મૂર્તિને ના તો ચલિત કરવામાં આવે છે, અને ના એને વિસર્જિત કરવામાં આવે છે. માત્ર ખંડિત થયા પછી જ એ મૂર્તિને “મૃત” માનીને વિસર્જિત કરવામાં આવે છે, અને તેના સ્થાને નવી મૂર્તિમાં પ્રાણ પ્રવાહિત કરીને રાખવામાં આવે છે.
આપણે ગણેશોત્સવમાં જે ગણપતિ દેવની સ્થાપના કરીએ છીએ તે ચલ સ્થાપના હોય છે. ચલ મૂર્તિની સ્થાપના અસ્થાયી હોય છે. એમાં સ્થાપનાના સમયે અસ્થાયી રીતે મૂર્તિની અંદર દેવતાનું આવાહન કરવામાં આવે છે. હવે જેમ પહેલા કહ્યું તેમ, ગણપતિ દેવની સ્થાપના (અથવા કોઈપણ દેવની સ્થાપના) કોઈ નિશ્ચિત કાર્યસિદ્ધિ માટે કરવામાં આવે છે. માટે ચલ સ્થાપના કરવા માટે સાધક પાસે કોઈ પારમાર્થિક ઉદ્દેશ્ય હોવો આવશ્યક છે. જેમ ડોક્ટરને કોઈ રોગીની સારવાર કરવા માટે જ ઘરે બોલવામાં આવે છે, અકારણ બોલાવવામાં નથી આવતા, એ જ રીતે, દેવતાઓનું આવાહન પણ અકારણ કરવામાં નથી આવતું. માટે સ્થાપન કરતા પહેલા પોતાનો ઉદ્દેશ્ય અથવા તો મનોકામના નક્કી કરી લેવી આવશ્યક છે.
હવે મૂર્તિની સ્થાપના કરવા માટે વૈદિક વિધિ-વિધાન અત્યંત મહત્વપૂર્ણ છે. આ જ વિધિની અંતર્ગત મૂર્તિમાં દેવતાનું આવાહન કરવામાં આવે છે કે જે પૂર્ણતઃ વિધાનોક્ત અને ભાવનાપૂર્ણ હોવું જોઈએ. આ સ્થાપના કોઈ વિદ્વાન અને શાસ્ત્રના જાણકાર પંડિત પાસે જ કરાવવું ઉચિત છે. અને સ્થાપના સમયે ભક્તિપૂર્ણ મનોભાવ અનિવાર્ય છે.
પૂજા વિધિ કેવી રીતે કરવી?
મૂર્તિમાં દેવતાનું આવાહન કર્યા પછી તે મૂર્તિમાં સાક્ષાત દેવતાના દર્શન કરવા જોઈએ. આમતો દેવતા અને ભગવાન રંગ, રૂપ અને આકાર થી પર હોય છે. પરંતુ તેઓ એટલા દયાળુ હોય છે કે ભક્તો એમને જે સ્વરૂપમાં જોવા માંગતા હોય છે તે જ સ્વરૂપમાં તેઓ ઢળી જતા હોય છે. આમ, તમારી ભાવનાને વશ થઈએ દેવતા મૂર્તિમાં બિરાજમાન થઇ જતા હોય છે. સામાન્ય રીતે મનુષ્ય દેવતાઓને પણ મનુષ્યના રૂપમાં જ જોવાનું પસંદ કરતા હોય છે, એટલા માટે મૂર્તિમાં બિરાજમાન થયા પછી દેવતાનું પણ સ્વાગત, સત્કાર, પૂજા, સ્નાન અને ભોજન એક મનુષ્યની જેમ જ કરવામાં આવે છે. ભક્ત આ સેવામાં જેટલો ભાવનાત્મક રીતે જોડાયેલો રહે છે, મૂર્તિમાં સ્થિત દેવતા એટલા જ સમર્થ અને સાર્થક બનતા હોય છે. માટે આવાહિત દેવતાની સેવા-પૂજા ખુબજ ભાવપૂર્ણ રીતે કરવી જોઈએ.
વધુ એક વાત. સદા એ વાત યાદ રાખો કે તમે દેવતાનું સ્થાપન વિશેષ કાર્યસિદ્ધિ માટે કર્યું છે. માટે આ ઉદ્દેશ્યને પુજાના સમયે તમારા મનથી દુર થવા ન દેવું. દેવતાનું પૂજન પૂર્ણતઃ સમર્પિત ભાવથી કરવું અને સાથે સાથે પોતાની મનોકામના પણ દેવતાને કહેતા રહેવું.
દેવતાઓનો એક બીજો રસપ્રદ ગુણ હોય છે. તમે દેવતા સાથે જેવો સંબંધ રાખતા હોવ, એ જ પ્રકારનો વ્યવહાર દેવતા આપની સાથે કરે છે. ઉદાહરણ તરીકે, જયારે કૃષ્ણ કન્હૈયાને બાળ સ્વરૂપમાં જોવામાં આવે છે ત્યારે તેનો વ્યવહાર પણ સાધક સાથે બાળકો વાળો જ થઇ જાય છે. અને જો ભૈરવ જેવા રુદ્ર રૂપનું સંધાન કરવામાં આવે તો તેનો વ્યવહાર પણ સાધક સાથે રૌદ્રતાપૂર્ણ રહે છે. બાળક હઠ પણ કરી શકે છે, અને રુદ્ર વિનાશ પણ કરી શકે છે. માટે દેવતાઓની સાથે પણ આવી સમસ્યા થઇ શકે છે. એમ સમજો કે દેવતાઓ ભક્તોની ભાવનાઓના દાસ હોય છે. જે સ્વરૂપ ભક્ત કલ્પના કરતા હોય છે, એ જ પ્રકારનો વ્યવહાર કરવા માટે દેવતા વિવશ હોય છે, અને આ જ બાબતો ક્યારેક ક્યારેક સમસ્યા પણ ઉભી કરી શકે છે.
પ્રખર સિદ્ધ સાધકો દેવતાઓને પણ પોતાના વશમાં રાખવાની કળા જાણે છે. માટે તેમના સ્વરૂપને સંબંધિત સમસ્યાઓથી તેઓ બચીને રહે છે. આવા સિદ્ધ સાધકો દેવતાઓને પોતાની ઈચ્છાના દાસ બનાવી લેતા હોય છે, ના કે પોતાની ભાવનાઓના દાસ! આ જ તફાવત હોય છે એક ભક્ત અને એક સિદ્ધ યોગીમાં. જો કે સિદ્ધિની કક્ષાએ પહોચેલ ભક્તો પણ દેવતાઓ ઉપર પોતાનું પ્રેમપૂર્ણ આધિપત્ય ભોગવતા હોય છે.
દેવતાઓનું કોઈ નિશ્ચિત સ્વરૂપ ન હોવાને કારણે જ આજકાલ પ્રયોગાત્મક મૂર્તિઓનું પ્રચલન નીકળી પડ્યું છે. તમે અનેક ચિત્ર-વિચિત્ર ગણપતિ જોયા હશે. જેમકે ચુંટણી સમયે મોદી સાથે ચા પી રહેલા ગણપતિ, વર્લ્ડ કપ વખતે ક્રિકેટ રમી રહેલા ગણપતિ, વગેરે.
![]() |
| Ganpati Playing for World Cup |
| Ganpati On Chai Pe Charcha To Wish Modi Luck |
સૈધાંતિક રીતે આપણે એવું માનવું જોઈએ કે આવી મૂર્તિઓની સ્થાપનની પાછળ ચુંટણી અને વર્લ્ડ કપ જીતવા માટેના આશીર્વાદ ગણપતિ પાસેથી લેવાનો આશય છે, અને આવી મૂર્તિ બનાવવાની પાછળ ભક્તોમાં આ જ ભાવના જાગૃત થતી હોય છે. જો આવું હોય તો ઠીક છે.
પરંતુ હા, કોઈ વિશેષ મનોકામના વગર “કૈંક નવું કરવા માટે” બનાવવામાં આવેલી ચિત્ર-વિચિત્ર મૂર્તિઓના સ્વરૂપથી મારો અંગત વિરોધ છે. જેમકે આવું કૈંક....
![]() |
| Odd Idols Of Ganpati To Do "Something Different" |
વિસર્જન શા માટે કરવું?
“વિસર્જન શા માટે કરવું” એ પ્રશ્નનો ઉત્તર દેતા પહેલા હું એ સ્પષ્ટ કરી દઉં કે “વિસર્જન કઈ મૂર્તિનું ના કરવું જોઈએ”. મોટેભાગે એવું જોવામાં આવ્યું છે કે અજ્ઞાનતાને કારણે ઘણા ભક્તો અસ્થાયી મૂર્તિની સાથે સાથે પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિનું પણ “સાંકેતિક વિસર્જન” કરી નાખે છે. આવું ક્યારેય ના કરવું. આ મૂર્તિમાં પ્રાણ હોય છે, આ મૂર્તિમાં તમે તમારા સ્થાયી દેવતાના દર્શન કરતા હોવ છો, માટે સમયાંતરે તેમાં આપની ઈચ્છા અનુસાર દેવતા પ્રવાહિત થતા હોય છે. દેવતા તમારા વશમાં હોય છે. જયારે તમે તેને જમાડો છો ત્યારે જમે છે, સ્નાન કરાવો છો ત્યારે સ્નાન કરે છે, વસ્ત્રો ઓઢાળો ત્યારે વસ્ત્ર ઓઢે છે. હવે જો તમે તેમનું વિસર્જન કરી નાખો તો એ મૂર્તિમાં જ તેમની મૃત્યુ થઇ જાય છે, અને પછી તેઓ એ મૂર્તિની અંદર તમારા વશમાં રહેતા નથી. માટે ક્યારેય પણ સ્થાયી અને અચલ મૂર્તિનું ખંડિત ના થઇ જાય ત્યાં સુધી વિસર્જન ના કરવું.
ગણપતિ ઉત્સવમાં સ્થાપિત કરવામાં આવતી અસ્થાયી મૂર્તિમાં દેવતા આવાહિત થતા હોય છે. માટે મૂર્તિનું વિસર્જન કરતા પહેલા દેવતાને મૂર્તિની બહાર નીકળીને પોતાના સ્થાને જવા માટે કહેવામાં આવે છે. આને “ઉસ્થાપના વિધિ” (અથવા તો ઉથાપન) કહેવામાં આવે છે. આ વિધિ પણ કોઈ શાસ્ત્રોને જાણનાર પંડિત પાસે જ કરાવવી. દેવતાને પાછા વળતા પહેલા તેમને વંદન કરીને તેમની પાસેથી મનોવાંછિત ફળની માંગણી કરવી જોઈએ. જો દેવતા તમારી ભક્તિથી પ્રસન્ન હશે તો ફળપૂર્તિ અવશ્ય થશે.
હવે આપણે આપણા દેવતાને પોતાના ધામ મોકલી દીધા. મૂર્તિ તો ખાલી થઇ ગઈ. તો પછી તેનું વિસર્જન કરવું જરૂરી છે? ...... ખુબજ જરૂરી છે .......
ભલે ગમે તેટલા વિધિ વિધાનથી ઉસ્થાપના કરવામાં આવેલી હોય, પરંતુ તેમાં ત્રુટી રહેવાની પૂરી સંભાવના હોય છે. અને જેમ પહેલા કહેવામાં આવ્યું તેમ, પૂજા વિધિના પ્રત્યેક ચરણમાં સાધકનું ભાવનાત્મક એકીકરણ થવું આવશ્યક છે. માટે એવું શક્ય છે કે મૂર્તિની ઉસ્થાપના સરખી રીતે ના થઇ હોય, અને દેવતા હજી પણ તેમાં બિરાજમાન હોય. અથવા તો એવું પણ થઇ શકે છે કે સાધક એ મૂર્તિ સાથે એટલી ભાવનાત્મક રીતે જોડાયેલો હોય કે તે દેવતાને એ મૂર્તિમાંથી નીકળીને સ્વધામ મોકલવા માટે તૈયાર જ ના હોય. માટે ઉસ્થાપના વિધિથી તે અલિપ્ત રહેતો હોય એવું બને. આવી પરિસ્થિતિમાં દેવતા મૂર્તિમાં જ રહી જાય છે. આ સમયે સમસ્યા થઇ શકે છે.
કેવી સમસ્યા?
પહેલી સમસ્યા તો એ કે દેવતાઓને અકારણ જ બાધિત રાખવું યોગ્ય નથી. કાર્ય સમાપ્ત થતા જ તેમને મુક્ત કરી દેવા જોઈએ.
અને બીજું કારણ એ કે ભક્ત કોઈપણ હોઈ શકે છે, તેની ઈચ્છાઓ કંઈપણ હોય શકે છે. કોઈ નથી જાણતું કે ક્યાં ઉદ્દેશ્યથી એ ભક્તે દેવતાનું આવાહન કરેલું છે. એવું પણ બની શકે કે કોઈ વિનાશી ઉદ્દેશ્યથી પણ આવાહન કરવામાં આવ્યું હોય! અને જો એવું ના પણ હોય, તો પણ, કોઈ પણ સાંસારિક કાર્ય સદાયને માટે શુભ કે અશુભ રહે એવું જરૂરી નથી હોતું. ધન પ્રાપ્તિ શુભ પણ હોય શકે છે, અશુભ પણ. સંતાન પ્રાપ્તિ શુભ હોય શકે છે, અને અશુભ પણ. નવી ગાડી લેવું શુભ પણ હોય શકે છે, અધુભ પણ. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ નથી જાણતું. અને વળી એક કામ કોઈ એક વ્યક્તિ માટે શુભ હોય શકે છે, તો બીજા માટે એ જ કામ અશુભ પણ હોય શકે છે. આપણે તો એ પણ નથી જાણતા કે એ જ કાર્ય એ જ ભક્ત માટે ભવિષ્યમાં શુભ રહેવાનું છે કે અશુભ! માટે મૂર્તિ કોઈ બીજાના સંપર્કમાં ના આવે, અને યજમાનના સ્વયંના પણ સંપર્કમાં આગળ જતા ના આવે માટે તેનું વિસર્જન આવશ્યક છે.
દેવતા ભક્તની ઈચ્છાને હોવાને કારણે જ્યાં સુધી મૂર્તિમાં રહે છે, ત્યાં સુધુ પોતાનું નિર્દેશિત કાર્ય કરતા રહે છે. તેઓ શુભ-અશુભ નો વિચાર નથી કરતા. શુભ-અશુભ નો વિચાર કરવો એ દેવતાઓનું કામ પણ નથી. આ વિચાર કરવાનો અધિકાર માત્ર મનુષ્યને જ મળેલો છે (આ અનુસંધાનમાં વિચાર કરીએ તો મનુષ્ય દેવતાઓ કરતા પણ ઉચ્ચ સ્થાન ધરાવે છે). માટે શાણપણ એમાં જ છે કે પોતાના કાર્યની સિદ્ધિ કર્યા પછી મૂર્તિને વિસર્જિત કરી દેવામાં આવે કે જેથી જો હજી પણ તેમાં દેવતા સ્થિત હોય તો મૂર્તિ જળમાં વિલીન થતાની સાથેજ દેવતા સ્વધામ પહોચી જાય અને કોઈ હાની થાય નહિ.
મહારાષ્ટ્રના પેશ્વા પરિવારની એક દંતકથા મુજબ કોઈએ પોતાના શત્રુની હત્યા કરવા માટે એક મૂર્તિમાં ગણપતિ દેવનું આવાહન કર્યું. મૂર્તિ ધાતુની હતી. કાર્ય તો સિદ્ધ થઇ ગયું, મૂર્તિ વિસર્જિત થઈને પાણીમાં વિલીન થઇ નહિ. આ કારણથી જેમની જેમની પાસે એ મૂર્તિ જતી હતી ત્યાં વિનાશ નોતરતી હતી. એ મૂર્તિનું અંતમાં શું થયું એ કોઈને નથી ખબર, અથવા તો એમ કહો કે આ લેખકની જાણકારીમાં નથી.
અગત્યની સુચના:
જેમકે હમણાજ કહેવામાં આવ્યું, મૂર્તિનું પાણીમાં વિલીન થવું આવશ્યક છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે અસ્થાઈ મૂર્તિને માટીથી બનાવવાનું વિધાન છે. આજકાલ બનાવવામાં આવતી POP ની મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી તો નથી જ હોતી, પણ શાસ્ત્ર સમર્થિત પણ નથી હોતી. આ મૂર્તિઓ પાણીમાં વિલીન ના થવાને કારણે વિસર્જન અધૂરું રહી જાય છે. માટે અસ્થાયી મૂર્તિ માટે હંમેશા માટીની મૂર્તિનો જ આગ્રહ રાખવો.
-------------------------------------------------------------------------------------------------
ઈશ્વરને પ્રાર્થના છે કે ગણપતિ દેવ આ પાવન અવસર ઉપર તમારા બધાની મનોકામના પૂર્ણ કરે.
ગણપતિ બાપ્પા મોરિયા!


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો