ભારત-પાક વચ્ચે પરમાણું યુદ્ધની સંભાવના; વાસ્તવિકતા કે ધૂર્ત પાકિસ્તાનની ખંધાઈ?

 હાલમાં જ થયેલ Surgical Strike થી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંભવિત યુદ્ધની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચામાં થોડાઘણા જાણકાર લોકો પરમાણું યુદ્ધના ભયની ચર્ચા કરે છે. આવી ચર્ચાઓમાં ઘણા લોકો છાપેલા કાટલાં જેવા અમુક તર્કો આપે છે કે જેને સાંભળવાથી પ્રભાવી તો લાગે છે પરંતુ વાસ્તવિકતાની કસોટી ઉપર તેઓ નિરર્થક સિદ્ધ થતા હોય છે. આવો જોઈએ આ છાપેલા કાટલાં જેવા તર્કો ક્યા ક્યા છે.

  • બે પરમાણું રાષ્ટ્રો વચ્ચે લડાઈ ના થવી જોઈએ કારણકે પરમાણું બોમ્બથી ખુબજ મોટા પ્રમાણમાં જાનહાની થાય છે.
  • પાકિસ્તાનનો કોઈ આતંકવાદી ભારતમાં ઘૂસીને પરમાણું બોમ્બ ફોડી દેશે તો?
  • પાકિસ્તાન એક ગાંડો દેશ છે અને તેમના સૈન્ય અધિકારીઓ પણ ગાંડા છે, આત્મઘાતી છે. અને પાછો પાકિસ્તાન એક ભિખારી દેશ છે. માટે તેમને કશું પણ ગુમાવવાનું નથી. જયારે ભારત પાસે ઘણું બધું ગુમાવાનું છે. આવી પરિસ્થિતિમાં જો તેઓ હારવાની અણી ઉપર આવી જશે તો ભારત ઉપર પરમાણું હુમલો કરી દેશે.
  • જો પાકિસ્તાને પહેલા પરમાણું હુમલો કરીને આપણા બધા પરમાણું બોમ્બ નષ્ટ કરી દીધા તો?
  • પાકિસ્તાન પાસે Tactical Nuclear Bomb છે જેનો ઉપયોગ તેઓ સામાન્ય બોમ્બની જેમ કરી શકે છે કે જેનો જવાબ આપણે પરમાણું બોમ્બથી આપી નહિ શકીએ.

એક પછી એક બધા તર્કો/પ્રશ્નો ના જવાબ હું આપીશ....

બે પરમાણું રાષ્ટ્રો વચ્ચે લડાઈ ના થવી જોઈએ કારણકે પરમાણું બોમ્બથી ખુબજ મોટા પ્રમાણમાં જાનહાની થાય છે.

સર્વપ્રથમ તો આપણે એક વાત સમજી લઈએ કે પરમાણું બોમ્બ એક Deterrence Weapon છે, કોઈ વાસ્તવિક War Weapon નથી. Deterrence Weapon નો અર્થ છે એક એવું હથિયાર કે જે શત્રુને ડરાવે, એને આક્રમણ કરવાથી રોકે. વાસ્તવિક યુદ્ધમાં તેનો ઉપયોગ નથી થતો. જો ઉપયોગ કરવામાં આવે તો તેને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં “War Crime” સમજવામાં આવે છે અને તેના અંતર્ગત જે તે દેશને અત્યંત કઠોર દંડ આપવામાં આવે છે. જો પરમાણું બોમ્બ ઝીંકવા એટલા જ સહેલા હોત તો ઇઝરાયલ ક્યારનું પોતાની આસપાસ રહેલા બધા ઇસ્લામી દેશોનો સર્વનાશ કરી ચુક્યું હોત. ઉપરથી ઇઝરાયલના શત્રુ દેશો પાસે તો પોતાના પરમાણું બોમ્બ પણ નથી કે જેનાથી ઇસ્રાયલ ને ડરવાની કાંઈ જરૂર હોય! આનાથી ઉલટું, ભારત પાસે તો પર્યાપ્ત પ્રમાણમાં પરમાણું હથિયારો છે અને એમને અસરકારક રીતે પાકિસ્તાન ઉપર ઝીંકવાના ઘણા વિકલ્પો અને સંસાધનો પણ ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન દ્વારા પરમાણું બોમ્બનો ઉપયોગ કરવાનો અર્થ છે આખા પાકિસ્તાનના સર્વનાશને આમંત્રણ આપવું!

અન્ય દેશોની જેમ જ ભારતના પરમાણું શસ્ત્રો પણ Deterrence Weapon જ છે કે જે આપણા શત્રુઓને આપણી ઉપર પરમાણું હુમલો કરવાના દુસ્સાહસથી રોકે છે. આપણે કોઈ દેશ ઉપર પહેલો પરમાણું પ્રહાર નથી કરવો. જો કોઈ પરમાણું પ્રહાર કરે તો જ તેને વિસ્તૃત ઉત્તર દેવો છે. માટે જ ભારતની પરમાણું નીતિ NFU એટલેકે No First Use ની છે.

પાકિસ્તાનનો કોઈ આતંકવાદી ભારતમાં ઘૂસીને પરમાણું બોમ્બ ફોડી દેશે તો?

મોટેભાગે તો આ ડર હિન્દી અને અંગ્રેજી ફીલ્મ્મોથી જ પ્રેરિત છે. જેમકે આગળ કહેવામાં આવ્યું, ભારત NFU નીતિનું અનુસરણ કરે છે. આપણી સત્તાવાર રીતે ઘોષિત આ NFU નીતિની અંતર્ગત આપણે કોઈ પણ દેશ ઉપર પહેલું પરમાણું આક્રમણ નહિ કરીએ. પરંતુ જો ભારત ઉપર, કે પછી વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલ ભારતીયો ઉપર પરમાણું હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો ભારત એ શત્રુ દેશ, અને તેને સહાયતા કરવા વાળા બધાજ દેશો ઉપર પરમાણું આક્રમણ કરી દેશે.

સ્પષ્ટ છે કે આતંકવાદીઓ દ્વારા ભારત ઉપર પરમાણું પ્રહાર થવાની સ્થિતિમાં કોઈપણ સ્થાને રહેલ આતંકવાદી સંગઠનો અને તેમને સહાયતા કરી રહેલ પાકિસ્તાનનો ભારત સંપૂર્ણ સર્વનાશ કરી શકે છે. પાકિસ્તાન આટલું મોટું જોખમ પોતાની ઉપર ના લઇ શકે.

અહી ઉપર લખેલ ફકરામાં ધ્યાનાકર્ષિત (Highlighted) કરવામાં આવેલ ભાગ ઉપર ધ્યાન આપો. ભારતીયો ઉપર માત્ર ભારતમાં જ આક્રમણ થાય એવું જરૂરી તો નથી! ક્યાંય પણ થઇ શકે છે. અને પાછું એવું પણ બની શકે છે કે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં પાકિસ્તાનની ભૂમિનો મોટો ભાગ જીતી લીધો હોય, અને આપણા સૈનિકો એ ક્ષેત્રની રખેવાળી કરતા હોય, અને ત્યાં જ પાકિસ્તાન પરમાણું બોમ્બ ઝીંકી દે, અને પછી કહી દે કે આ તો પાકિસ્તાની ધરતી આક્રમણ થયું છે, ભારત પર નહિ. તો? આપણી નીતિ સ્પષ્ટ છે કે વિશ્વમાં ક્યાંયપણ ભારતીયો ઉપર પરમાણું પ્રહાર કરવામાં આવે તો શત્રુ દેશનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે. પછી ચાહે એ ભારતીય સૈનિકો હોય કે પછી સામાન્ય નાગરિકો.


પાકિસ્તાન એક ગાંડો દેશ છે અને તેમના સૈન્ય અધિકારીઓ પણ ગાંડા છે, આત્મઘાતી છે. અને પાછો પાકિસ્તાન એક ભિખારી દેશ છે. માટે તેમને કશું પણ ગુમાવવાનું નથી. જયારે ભારત પાસે ઘણું બધું ગુમાવાનું છે. આવી પરિસ્થિતિમાં જો તેઓ હારવાની પરિસ્થિતિમાં આવી જશે તો ભારત ઉપર પરમાણું હુમલો કરી દેશે.

પહેલા તો આપણે એ જોઈ લઈએ કે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વાસ્તવમાં ગાંડા છે કે નહિ. જયારે આપણે તેમના વ્યવહારનું વિશ્લેષણ કરીએ ત્યારે એવું સ્પષ્ટ થાય છે કે આવું બિલકુલ નથી. 

પાકિસ્તાનની પ્રત્યેક સૈન્ય નીતિ ખુબજ બારીકાઈથી વિચારેલી અને ઝેરીલી હોય છે. વિશ્લેષણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ત્યાના સૈન્યના ઉચ્ચ અધિકારીઓ માત્ર બીજાઓને શોષિત કરીને પોતાના વૈભવ વિલાસની પુષ્ટિ કરવામાં જ વિશ્વાસ રાખે છે. જો પરમાણું યુદ્ધ થાય તો તેમના અને તેમના પરિવાર વાળાઓનો સર્વનાશ પણ નિશ્ચિત છે. જો પરમાણું યુદ્ધ ખરેખર થાય તો ભારત એ યુદ્ધને શરુ કરનાર અફસરો અને તેમના પરિવારોને તો ક્યારેય નહિ છોડે એવો વિશ્વાસ તો એમને પણ હશે જ. માટે આમ થવાની સંભાવના ઓછી જ છે.

ઘણા લોકો ડરીને એવું પણ કહે છે કે પાકિસ્તાની સેના અને તેના અધિકારીઓ આત્મઘાતી છે. એમને મરવાનો કોઈ ડર નથી. આ પણ એક ભ્રમ જ છે. પાકિસ્તાની સૈનિકો અને અફસરો આત્મઘાતી નથી. તેઓ અભણ/ગવાર જીહાદીઓને અફીણ પીવડાવીને, ભ્રમિત કરીને, અને તેમને કુરાનની દુહાઈ આપીને આત્મઘાતી બનાવે છે અને મરવા માટે ભારતમાં મોકલી દે છે. તેઓ પોતે ક્યારેય મરવા નથી જતા. યાદ રાખો, અત્યાર સુધી થયેલા બધા યુદ્ધોમાં પાકિસ્તાની સેનાએ હથિયારો હેઠા મુકીને નિર્લજ્જતાથી આત્મસમર્પણ કર્યું છે અને સફેદ વાવટા ફરકાવ્યા છે. ૧૯૭૧ ના યુદ્ધમાં તો એકસાથે ૯૦૦૦૦ સૈનિકો અને અધિકારીઓએ ભારતની સામે આત્મસમર્પણ કર્યું હતું. કારગીલ વખતે તો ભારતની તોપોની ગર્જના સાંભળીને બધા કાયરો ઉભી પૂછડીએ ભાગી ગયા હતા. જો પાકિસ્તાની સૈનિકો એટલા વિર હોત, આત્મઘાતી હોત, તો અંતિમ શ્વાસ સુધી લડી લેત! આત્મસમર્પણ શા માટે કરત? વાસ્તવિકતા તો એ છે કે પાકિસ્તાની સૈન્ય માત્ર પાકિસ્તાના નિશસ્ત્ર નાગરિકો ઉપર જ પોતાનો આતંક ફેલાવી શકે છે (કે જે તેઓ કરે જ છે). રણભુમીમાં વિરતા દેખાડવી તેમના ગજાની વાત નથી. માટે એવું માનવું કે તેઓ આત્મઘાતી છે, એ તો એમનું અકારણ જ મહિમામંડન કરવા જેવી વાત છે.

હવે બીજી વાત ઉપર ધ્યાન આપીએ કે જેમાં એમ કહેવામાં આવે છે કે પરમાણું યુદ્ધમાં ભારત પાસે ઘણું બધું ગુમાવવાનું છે અને પાકિસ્તાને કંઈ પણ ગુમાવવાનું નથી.

આ કેવળ એક (કુ)તર્ક જ છે. જો વાસ્તવિકતા જોવામાં આવે તો સર્વનાશની પરિસ્થિતિમાં માત્ર ને માત્ર લોકોના પ્રાણોની જ ચિંતા હોય છે, સંપતિની નહિ. જો પ્રાણ જ ના રહ્યા, જો દેશ જ ના રહ્યો, તો સંપત્તિનું પણ શું કરી લેશું? પ્રાણ તો ભારતીયોના પણ જવાના છે અને પાકિસ્તાનીઓના ના પણ જવાના છે. માટે જયારે પ્રાણ જ જતા રહેવાના છે તો પછી સંપતિની ચિંતા કરવાનો શો અર્થ? અને વળી પાછુ પાકિસ્તાનને તો વિનાશ કરવા માટે ભારત દેશ બહુ મોટો પડી જાય કે જેનો નાશ કરવા માટે ૧૦-૨૦ નહિ, સેંકડો પરમાણું બોમ્બ જોઈએ. જયારે ભારત માટે તો પાકિસ્તાન નાનો દેશ છે જેનો તે ચપટીમાં હિસાબ કરી શકે છે! ભારત પાસે પાકિસ્તાનથી ક્યાંય વધુ આધુનિક શસ્ત્રો છે જે ગણતરીની પળોમાં પાકિસ્તાનને રાખમાં ફેરવી શકે છે, જયારે પાકિસ્તાન પાસે બહુ ઓછા વિકલ્પો છે. વળી ભારતે તેની NFU નીતિમાં પોતાના શત્રુઓને એ વચન આપેલું છે કે ભારતીયો ઉપર એક પણ પરમાણું બોમ્બનો ઉપયોગ થવાની સાથે જ શત્રુ દેશનો વિનાશ કરવામાં આવશે.

અંતે તો એમ જ કહી શકાય કે વિશ્વમાં કોઈપણ બે પરમાણું રાષ્ટ્રોણી વચ્ચે પરમાણું યુદ્ધ થવાની સંભાવના ખુબજ ઓછી છે. જે એકમાત્ર પરમાણું આક્રમણ અમેરિકાએ કર્યું હતું એ પણ એક એવા દેશ ઉપર (જાપાન) કરવામાં આવ્યું હતું જેની પાસે કોઈ પરમાણું શસ્ત્રો હતા નહિ. ત્યારબાદ કોઈપણ પરમાણું બોમ્બનો ઉપયોગ થયો નથી.

જો પાકિસ્તાને પહેલા પરમાણું હુમલો કરીને આપણા બધા પરમાણું બોમ્બ નષ્ટ કરી દીધા તો?

શું એવું થઇ શકે કે યુદ્ધનો આરંભ થતાની સાથે જ પાકિસ્તાન ભારતમાં છુપાયેલા બધા પરમાણું શસ્ત્રોનો વિનાશ કરી દે? ભલે પછી એ વિનાશ તેઓ પોતાના પરમાણું બોમ્બથી પણ કરે. જો તેઓ આમ કરવામાં સફળ થઇ જાય તો પછી આરામથી જ્યાં ઈચ્છે ત્યાં ભારત ઉપર પરમાણું બોમ્બ ઝીંકી શકે છે! ખરાબમાં ખરાબ પરિસ્થિતમાં શું એવું ના થઇ શકે કે પાકિસ્તાન સેંકડો પરમાણું બોમ્બથી જ ભારત ઉપર આક્રમણનો અચાનક આરંભ કરે અને આપણી પાસે ઉત્તર આપવાનો સમય જ ના રહે?

વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાન માટે આ એક ખુબજ અઘરું કામ છે. એમ કહો કે અસંભવ જ છે. છતાંપણ સૈધાંતિક રીતે તો આ એક સંભાવના તો છે જ. વળી ભારતની પરમાણું નીતિ માત્ર પાકિસ્તાન માટે જ નથી બનેલી, વિશ્વમાં રહેલ કોઈપણ મોટામાં મોટા શત્રુ માટે બનેલી છે. જયારે પ્રશ્ન ભારતના અસ્તિત્વનો હોય ત્યારે નાનામાં નાની સંભાવના માટે પણ તૈયાર રહેવું પડે.

આ સંભાવના સામે લડવા માટે ભારતે Nuclear Triad (અર્થાત ત્રીપરીમાણીય પરમાણ્વિક શક્તિ) બનાવેલ છે. આ Triad ની અંતર્ગત ભારત પાસે વાયુ માર્ગથી, ભૂમિ ઉપરથી, અને સમુદ્રમાંથી, આમ ત્રણેય માર્ગોથી પરમાણું આક્રમણ કરવાની ક્ષમતા છે. યુદ્ધ વિમાનો દ્વારા વાયુ માર્ગથી પ્રહાર કરી શકાય છે, મિસાઈલ દ્વારા જમીનથી, અને સબમરીન દ્વારા સમુદ્રની અંદરથી પ્રહાર કરી શકાય છે. આમતો પરમાણું હથિયાર ખુબજ અત્યંત ગૃપ્ત સ્થાનો ઉપર રાખવામાં આવે છે, તેમને કોઈપણ શત્રુની પહોંચથી ખુબજ દુર રાખતા હોય છે. તો પણ, જો માત્ર સૈધાંતિક રીતે એમ માનવામાં આવે કે ધરતી ઉપર રહેલ બધા જ પરમાણું શસ્ત્રોનો વિનાશ કરી નાખવામાં શત્રુ સફળ થાય છે, અથવા તો પુરા દેશને જ ખતમ કરવામાં સફળ થઇ જાય છે, તો પણ અગાધ સમુદ્રમાં ક્યાંયપણ રહી શકતી ભારતીય સબમરીન તે શત્રુનો વિનાશ સુનિશ્ચિત કરી શકે છે. આ ત્રીપરીમાણીય વ્યવસ્થાને Nuclear Triad કહે છે કે જે ભારત પાસે ઉપલબ્ધ છે, પણ પાકિસ્તાન પાસે આ ત્રણેયમાંથી એકપણ પરિમાણ વિશ્વાશ્નીય રીતે ઉપલબ્દ નથી. પરમાણું શસ્ત્રો વાળી સબમરીન તો નામ માત્રની પણ નથી.

અગાઉ જેમ કહ્યું તેમ પરમાણું શસ્ત્રો Deterrence Weapon છે કે જેનું પ્રયોજન શત્રુને પરમાણું પ્રહાર કરતા રોકવા માત્રનો છે. ખરેખર ઉપયોગ માટે નથી હોતા. માટે એ સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે કે કોઈપણ પરિસ્થિતિમાં શત્રુને એ વિશ્વાસ હોય કે કોઈપણ જાતનો પરમાણું પ્રહાર કરવાથી પોતે પોતાના દેશનો પણ વિનાશ નોતરી દેશે. આટલું જો કરી શકાય તો તે પુરતું છે.

આ તો વાત થઇ આક્રમણની. પરંતુ શું ભારત પાસે એવો કોઈ વિકલ્પ નથી કે જેનાથી વિશ્વનો કોઈપણ શત્રુ (માત્ર પાકિસ્તાન જ નહિ) ભારત ઉપર પરમાણું પ્રહાર કરે તો પણ એ બોમ્બને ભારત ઉપર ફૂટતા રોકી શકાય? જી હાં! આ ટેકનોલોજી પણ ભારત પાસે ઉપલબ્દ છે. ભારત ઉપર પરમાણું બોમ્બ લઈને આવી રહેલ મિસાઈલ કે પછી યુદ્ધ વિમાનનો ભારત હવામાં જ નાશ કરી શકે છે. આ એક વિશેષ મિસાઈલ હોય જેને SAM (Surface to Air Missile) અને ABM (Anti Ballistic Missile) કહે છે. આનો અર્થ છે કે પાકિસ્તાનના પરમાણું બોમ્બ તો ભારત સુધી નહિ પહોંચે, પરંતુ એ આક્રમણનું બહાનું આગળ ધરીને ભારત પુરા પાકિસ્તાનનો સર્વનાશ કરી શકે છે. તમે સમજી શકો છો કે આટલું મોટું જોખમ પાકિસ્તાન ક્યારેય ના લઇ શકે.

પાકિસ્તાન પાસે Tactical Nuclear Bomb છે જેનો ઉપયોગ તેઓ સામાન્ય બોમ્બની જેમ કરી શકે છે કે જેનો જવાબ આપણે પરમાણું બોમ્બથી આપી નહિ શકીએ.

એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાન પાસે Tactical પરમાણું બોમ્બ છે. Tactical પરમાણું બોમ્બ Miniaturized પરમાણું બોમ્બ, એટલેકે નાના પરમાણું બોમ્બ હોય છે કે જે એક નાના વિસ્તારમાં ખુબ મોટું નુકસાન વેરી શકે છે. આ ટેકનોલોજી મેળવવી ખુબજ અઘરી છે માટે પાકિસ્તાન પાસે એ (પાકિસ્તાન ચીન દ્વારા દેવાયેલા બોમ્બ રાખે છે) હોય એ એક શંકાસ્પદ બાબત છે. ચીન પાસે પણ હોવું શંકાસ્પદ્દ છે. આ બધા ગુપ્ત રહસ્યો છે કે જેના વિષે વિશ્વાસ સાથે કંઈ પણ કહી શકાય નહિ. માટે આપણે એ જોઈએ કે આ Tactical પરમાણું બોમ્બનું મહત્વ શું છે.

Tactical પરમાણું બોમ્બ એ સિદ્ધાંત ઉપર બનાવવામાં આવ્યા કે ઓછી મારક ક્ષમતા હોવાને કારણે શત્રુ એ સિદ્ધ નહિ કરી શકે કે તેની ઉપર વાસ્તવમાં પરમાણું પ્રહાર થયો છે. તેને એ તપાસ કરવામાં પણ સમય લાગી જાશે કે પરમાણું પ્રહાર થયો છે કે નહિ. જયારે જો આ નાનો બોમ્બ જો અસરકારક રીતે ઝીંકવામાં આવે તો એક નાના ક્ષેત્રમાં રહેલ બધાજ શત્રુ સૈનિકોને તેમના હથિયારો સાથે ખુબજ સરળતાથી નાશ કરી શકાય છે. એમ સમજો કે એક મોટો પરમાણું બોમ્બ તો કંઈ કામ નહિ લાગે, પણ નાનો પરમાણું બોમ્બ ખુબજ કામનો નીવડી શકે... જો શત્રુ તેને ઓળખી ના શકે તો!

આ એક માત્ર સૈધાંતિક વાત છે, અને સૈધાંતિક જ રહેશે. આજ સુધી કોઈપણ દેશે Tactical પરમાણું બોમ્બનો ઉપયોગ નથી કર્યો. ભારત પાસે પરમાણું વિસ્ફોટ પછી વાતાવરણમાં ફેલાયેલા પરમાણ્વિક તત્વોને પારખવા માટેના ઉપકરણો ઉપલબ્દ છે કે જે સૈનિકો પાસે હોય છે. ભારતની પરમાણું નીતિ નાના અને મોટા પરમાણું પ્રહારમાં કોઈ ભેદ નથી કરતી. પરમાણું પ્રહારનો અર્થ છે પરમાણું પ્રહાર! નાનો કે મોટો, એનાથી ભારતને કોઈ ફેર પડતો નથી. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન Tactical પરમાણું બોમ્બનો ઉપયોગ (જો તેની પાસે ખરેખર હોય તો) કરે એની સંભાવના ઓછી જ છે. અને જો કરવા જ ઈચ્છતા હોય તો તેઓ પોતાના અસ્તિત્વના જોખમે કરી શકે છે!

તો પછી પાકિસ્તાન વારે વારે પરમાણું પ્રહારની ધમકી શા માટે આપે રાખે છે?

એ ખુબજ જાણીતી વાત છે કે પાકિસ્તાન પાસે અસરકારક રીતે પરમાણું બોમ્બ ઝીંકી શકે તેવી મિસાઈલ અને યુદ્ધ વિમાનો નથી. અને જે છે એમની મારક ક્ષમતા અને દુર સુધી જવાની ક્ષમતા ખુબજ ઓછી છે. તેમની પાસે તો સાચે જ પરમાણું બોમ્બ હોવાની વાત ઉપર પણ શંકા છે! જે દેશ પાસે સાચા પરમાણું બોમ્બ ઝીંકવાની ક્ષમતા હોય તેઓ આ રીતે ઢોલ નગારા વગાડીને ધમકીઓ ના આપે. અહિયાં તો ખાલી ચણો વાગે ઘણો જેવો ઘાટ થઇ રહ્યો હોય એવું લાગે છે.

આટલું વિવરણ વાંચ્યા પછી તમે સમજી જ ગયા હશો કે પાકિસ્તાન શા માટે વારે વારે ભારતને પરમાણું બોમ્બની ધમકી આપે છે. જો એમની પાસે અસલી પરમાણું બોમ્બ હોય તો પણ, અને વળી તેને ઝીંકવા માટે અસરકારક મિસાઈલ હોય તો પણ, તેમના પરમાણું બોમ્બ કોઈ કામના નથી. તેઓ જાણે છે કે તેઓ તેમનો ઉપયોગ ક્યારેય નહિ કરી શકે. માટે તેઓ કમસે કમ તેમના કહેવાતા પરમાણું શસ્ત્રોની Deterrence Value (ભારતને યુદ્ધ કરવાથી દુર રાખવાનું લક્ષણ) નો ઉપયોગ કરીને ભારતના નાગરિકોને ડરાવવા માગે છે કે જેના કારણે ભારતીયો પોતાની સેના અને સરકાર ઉપર દબાણ લાવીને તેમને યુદ્ધ કરતા રોકી લે. આ જ કારણ છે કે રોજ રોજ ટીવી ઉપર આવતા તેમના બેરોજગાર પ્રવક્તાઓ ભારતીયોને ડરાવવાનો પ્રયાસ કરે છે.


માટે જ આ ખંધા પાકિસ્તાનીઓની બોદી ધમકીઓને ગંભીરતાથી ના લેતા હું તેમને એ જ ઉત્તર આપીશ કે જે whatsapp માં આજકાલ ધૂમ મચાવી રહ્યો છે...


ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે