નવરાત્રીમાં "ગરબા માટલી" નું શું મહત્વ છે?
નવરાત્રીમાં આપણે સૌએ કાણા કાણા વળી માટલી એટલે કે ગરબો તો જોયો જ હશે. ક્યારેય એવું વિચાર્યું કે આ ગરબાનું મહત્વ શું છે? તે શા માટે પૂજાય છે? ચાલો જોઈએ.
આગલી પોસ્ટમાં જોયું તેમ શક્તિ, એટલે કે દેવી એક જ હોવા છતાં અનેક સ્વરૂપોમાં પૂજાઈ શકે છે. સાધક ને શક્તિનું જે સ્વરૂપ ઇષ્ટ હોય - એટલે કે ગમતું હોય - તે સ્વરૂપને ઇષ્ટ દેવી માનીને તેની આરાધના કરે છે. આ આરાધના દ્વારા તે મનોવાંછિત ફળ મેળવે છે. પરંતુ આ પ્રક્રિયામાં સાધક એ ભૂલી ના જવો જોઈએ કે તે આ સચરાચરમાં રહેલ અનંત શક્તિના એક અંશ માત્રને જ પૂજી રહ્યો છે. ખરેખર તો આ બ્રમ્હાંડમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં શક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે વિદ્યમાન નથી. એ તો એક જ શક્તિના અલગ અલગ સ્વરૂપ હોવાને કારણે અલગ અલગ ભાસે છે. જેમ સોનાને બંગડીનો ઘાટ આપો તો એ બંગડી બની જાય અને વીંટીનો ઘટ આપો તો એ વીંટી બની જાય. છતાં અંતે તો મૂળ સોનું જ છે અને જયારે પણ એને ઓગાળવામાં આવશે ત્યારે એ ફરીથી સોનું જ બની જશે. એ જ રીતે અલગ અલગ ભાસતી શક્તિઓ/દેવીઓ જેમકે સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, ગાયત્રી વગેરે અંતે તો મૂળ આદિ શક્તિ જ છે.
હવે મૂળ વાત ઉપર આવીએ. અગાઉ કહ્યું તેમ સાધના કરનાર સાધક ભૂલી ના જવો જોઈએ કે તે જે સ્વરૂપને ભજી રહ્યો છે એ એક વિશાળ શક્તિ પુંજનો એક સ્વભાવ માત્ર જ છે. અને એ જ રીતે પરમેશ્વર પણ એક જ છે કે જેની અભિવ્યક્તિ બધા જ સજીવ અને જડ પદાર્થોમાં "પ્રાણ" અને "પ્રકૃતિ" એમ બે સ્વરૂપે થાય છે. તો આ વાત સાધકને દર્શાવવા માટે ગરબા ની માટલીનો ઉપયોગ થાય છે. ગરબામાં અંદર એક દીવો હોય છે અને તેની ફરતે ચારે તરફ કાણા કાણા હોય છે. માટે જયારે ગરબામાંથી પ્રકાશ ફેલાય છે ત્યારે તે પ્રકાશનું પ્રતિબિંબ અલગ અલગ કાણામાંથી અલગ અલગ ટપકા સ્વરૂપે દેખાય છે. આ દર્શાવે છે કે અલગ અલગ પ્રતિબિંબ રૂપે દેખાતા પ્રકાશના ટપકા અંતે તો એક જ પ્રકાશના સ્ત્રોત એવા દીવામાંથી આવે છે. માત્ર ગરબાની એવી રચનાને કરને માયા સ્વરૂપે બધા ટપકા અલગ અલગ વર્તાય છે.
કેટલી અદભુત પરંપરા છે આ!! હવે જયારે કોઈ ગરબાને જુઓ તો તેના મૂળ સ્વરૂપને સમજીને પગે લાગજો!!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો