નવરાત્રીમાં ગરબા રાસ શા માટે રમાય છે?
આપણે અગાઉની પોસ્ટમાં જોયું તેમ નવરાત્રી એ શક્તિની આરાધનાનો પર્વ છે. શિવ અને પાર્વતીના મિલનના પ્રતિક રૂપે આપણે આ તહેવાર ઉજવીએ છીએ. વળી શક્તિની આરાધના માટે આ દિવસો અતિ ઉત્તમ છે. માટે જેઓ શક્તિનું કોઈ સ્વરૂપ ગ્રહણ કરવા ઈચ્છે છે એ તો અનુષ્ઠાન કરીને પૂજા પાઠ કરે છે પરંતુ બાકી લોકો તો પાર્વતી અને શિવના મિલનનો ઉત્સવ મનાવે છે. શિવને રીઝવવા માટે પાર્વતીએ શિવની પાસે નૃત્ય કર્યું હતું. આ ઘટનાને પ્રતિક રૂપે રાખીને આપણા દેશમાં સ્ત્રીઓ દ્વારા લોક નૃત્યનો ચાલ પડ્યો. માટે નવરાત્રી વખતે શક્તિની ભક્તિ કરતા કરતા આપણે નૃત્ય કરીએ છીએ.
હવે પ્રશ્ન એ થાય કે નવરાત્રીના આપણા આધુનિક રાસ ગરબા એ માત્ર દેવીની આરાધના સાથે જોડાયેલા નથી. પણ એ કૃષ્ણ અને ગોપીઓની "રાસ લીલા" સાથે પણ જોડાયેલા જણાય છે. તો આ બંને નું મિશ્રણ કેવી રીતે થયું? આ વિષયમાં અનેક મત મતાંતરો વ્યાપેલા છે. પરંતુ પ્રચલિત મત પ્રમાણે કૃષ્ણ ભગવાન જયારે ગોકુળ છોડીને દ્વારકા (કે જે સૌરાષ્ટ્રમાં આવેલ છે) આવ્યા ત્યારે પોતાની સાથે બધી ગોપીઓને પણ લઇ આવ્યા અને દ્વારકા નગરી વસાવી. હવે કૃષ્ણ તો રાજકાજમાં પડી ગયા પછી રાસ લીલામાં ભાગ લેતા નહતા પણ ગોપીઓએ આ પરંપરા ચાલુ રાખી અને દરેક નવરાત્રીએ શક્તિની આરાધના માટેના નૃત્યમાં રાસ લીલાનું નૃત્ય ભેળવીને ઉજવવા લાગ્યા. આમ સર્વપ્રથમ સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ આખા ગુજરાતમાં નૃત્યના આ પ્રકારનું ચલન પડી ગયું. અને માટે જ જેટલા ગરબા ગીત દેવીઓના છે એટલા જ ગરબા ગીત કૃષ્ણ ભક્તિના પણ છે.
ઉપર જણાવેલ મત પ્રચલિત તો છે પણ સર્વસ્વીકૃત નથી. આમ તો ગુજરાતના ગરબા રાસ વિષે આવો કોઈ પણ મત આધિકારિક રૂપે કહી શકાય એમ નથી કારણ કે તેનો (શિવ અને પાર્વતીની પૌરાણિક વાર્તાની જેમ) લિખિત ઈતિહાસ ઉપલબ્ધ નથી. આથી આપણે લોક વાયકાઓ અને તાર્કિક પૃથ્થકરણનો જ સહારો લેવો પડે. આમ છતાં દરેક મત એ વાતે તો સહમત છે જ કે ઈતિહારમાં કોઈ ને કોઈ સમયે કોઈક રીતે કૃષ્ણની રાસ લીલા અને પાર્વતીના શિવ માટેના નૃત્યનો સંયોગ થઇ ગયો અને એણે આપણા આધુનિક શેરી ગરબાનું સ્વરૂપ લઇ લીધું. જોકે હવે તો શહેરોમાં એ શેરી ગરબા પણ જોવા મુશ્કેલ થઇ ગયા છે અને ડિસ્કો દાંડિયામાં ફિલ્મી ડાન્સ પેસી ગયા છે. આ જોતા એવું લાગે છે કે આજથી ૨૦૦-૩૦૦ વર્ષ પછી મારા જેવો કોઈ લેખક આ "ડિસ્કો દાંડિયા" નો ઉદભવ ક્યાંથી થયો એના ઉપર બ્લોગ લખતો હશે!!!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો