રામ મંદિર બનાવો - વિથ નો કોમ્પ્રોમાઇસ
તાજેતરમાં જ સંઘના વડા, સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીએ એક સભામાં હુંકાર સાથે કહ્યું કે રામ જન્મભૂમી ઉપર માત્ર ને માત્ર મંદિર જ બની શકે અને તે વિષયમાં કોઈપણ બાંધછોડને અવકાશ નથી.
રામજન્મભૂમિના વિવાદનો નિવેડો કઈ રીતે લાવવો એ વિષે વર્ષોથી વિવિધ વિચારધારા વાળા લોકો વિવિધ સૂચનો આપી રહ્યા છે. આવા મોટા ભાગના સૂચનો રામ જન્મભૂમીના સ્થાન ઉપર એકમાત્ર મંદિર ના બને એમ ઈચ્છતા લોકો જ આપી રહ્યા છે. આ વાત સમજવા માટે આપણે અત્યાર સુધી પ્રસ્તુત કરવામાં આવેલા દરેક સમાધાનોને એક એક કરીને ટૂંકમાં જોઈશું, અને તેમાં મંદિર માટેના પક્ષકારોનો દ્રષ્ટિકોણ પણ જોઈશું કે જેથી વાચકો આ આખા વિષયને સ્પષ્ટ રીતે સમજી શકે, અને એ પણ સમજી શકે કે આ વિવાદ શું અને શા માટે છે.
૧. બાબરી મસ્જીદ ઢાંચો અત્યારે છે તે જેમનો તેમ રાખવો જોઈએ અને ત્યાં હવે આગળ કોઈપણ બાંધકામ નાં થવું જોઈએ. અને જો કોઈ કામ કરવું હોય તો ત્યાં બાબરી મસ્જીદ ફરીથી બનાવવાનું કામ કરવું જોઈએ.
મંદિરના પક્ષકારો: આ ઉકેલ સ્વાભાવિક રીતે જ મંદિરના પક્ષકારોને માન્ય નથી. ન્યાયાલયોમાં પહેલેથી જ એ પ્રમાણિત થઇ ચુક્યું છે કે તે જગ્યાએ પહેલા રામ મંદિર હતું જેને પાડીને મસ્જીદ બનાવવામાં આવી હતી. આવા સંજોગોમાં મંદિરના પક્ષકારો માટે આવું સુચન કરવું એ પણ તદ્દન મુર્ખામી ભર્યું છે.
૨. રામજન્મભૂમી ઉપર મંદિર અને મસ્જીદ બંને બનાવવા જોઈએ કે જેથી "એકતા" નો સંદેશ આપી શકાય.
મંદિરના પક્ષકાર: મંદિરના પક્ષકારોનો મત છે કે શું મુસ્લિમો પોતાના તરફથી "એકતા" નો પરિચય આપીને, પોતાના વળવાઓએ કરેલી ભૂલ સુધારીને હિન્દુઓને આ આખી જમીન સોપી ના શકે? એનાથી મોટો એકતાનો સંદેશ શું હોઈ શકે? પક્ષકાર શ્રી સુબ્રમણીયમ સ્વામીના મત મુજબ, હિંદુઓ માટે શ્રી રામે જ્યાં જન્મ લીધો હતો એ સ્થાન અત્યંત મહત્વનું છે. મુસ્લિમો માટે બાબરી મસ્જીદ જરાપણ મહત્વનું સ્થાન નથી. આમ પણ ઇસ્લામમાં કહેવાયું છે કે મસ્જીદ એ માત્ર ને માત્ર નમાઝ પઢવા માટે એકત્રિત થવાનું સ્થાન છે. એ સ્થાનનું બીજું કોઈ મહત્વ નથી. જયારે હિંદુઓ તો મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને ભગવાનને સ્વયં મંદિરમાં "વસાવે" છે. માટે હિંદુઓ માટે મંદિર પવિત્ર સ્થાન છે, જયારે મુસ્લિમો માટે મસ્જીદનું કોઈ વિશેષ સ્થાન નથી.
મંદિરના પક્ષકારો અનુસાર ભારત દેશ હજારો વર્ષોથી હિન્દુઓનો દેશ રહ્યો છે. રામ ભગવાન એ હિન્દુઓના પ્રમુખ દેવતાઓમાંના એક છે. જો તેમની જન્મભૂમી ઉપર તેમના મંદિરની સાથે સાથે તેમના મંદિરને તોડનારાઓનું પણ સ્થાન બનાવવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ સ્વમાનથી જીવવા માટે બીજે ક્યાં જશે? મુસ્લિમ દેશો તો અનેક છે. હિંદુઓ ક્યાં જશે? શું મક્કામાં બીજા કોઈ ધર્મના દેવતાનું સ્થાન બનાવવું શક્ય છે? શું વેટિકન સીટીમાં રામમંદિર બની શકે? નહિ ને?
૩. જો રામમંદિર બને તો અયોધ્યામાં જ રામજન્મભૂમીથી થોડે દુર, અથવા તો અયોધ્યા બહાર ક્યાંક હિન્દુઓના ખર્ચે એક મસ્જીદ બને.
મંદિરના પક્ષકાર: અહી મંદિરના પક્ષકારોનો દ્રષ્ટિકોણ અત્યંત રસપ્રદ છે. રામજન્મભૂમિ ઉપર મંદિર બનાવવું એ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ક્યારેય હતો જ નહિ. આ પ્રશ્ન હિન્દુઓની ગરિમા અને આત્મસન્માનનો છે. આ વિષયમાં કોઈપણ બાંધછોડ કરવાનો અર્થ છે, આતતાયીઓ સાથે સમજુતી કરવી. એ સ્થાન ઉપર પહેલેથી મંદિર જ હતું કે જે બળપૂર્વક તોડી પાડવામાં આવ્યું હતું.
છેલ્લા ૪૫૦ વર્ષોમાં રામ જન્મભૂમી ઉપર મસ્જીદ તોડીને મંદિર બનાવવા માટે અનેક યુદ્ધો થઇ ચુક્યા છે. કેટલાયે લાખો યોદ્ધાઓ મંદિર માટે મરી ફીટ્યા છે, અસંખ્ય સાધુઓ પોતાના પ્રાણોનું બલિદાન આપી ચુક્યા છે. જયારે રાજાઓ યુદ્ધમાં હારી જતાં ત્યારે સાધુ બાવાઓ પોતાની "ચિમટાધારી" સેનાઓ બનાવીને મુઘલ આક્રાન્તાઓ સામે લડીમરતા હતા. એવું કહેવાય છે કે બાબરી મસ્જીદમાં ઉપયોગમાં આવનારી ઇંટોમાં હિંદુ યોદ્ધાઓનું રક્ત ભેળવીને બાબરી મસ્જીદ બનાવવામાં આવી હતી. આટઆટલું થવા છતાં આમ છતાં હિન્દુઓના હૃદયમાંથી એ જ જગ્યાએ રામમંદિર બનાવવાની તાલાવેલી ક્યારેય ઓછી થઇ નથી. તો આજે મંદિરના પક્ષકારો આ મુદ્દે બાંધછોડ કરીને પોતાના પૂર્વજોના બલિદાનને કઈ રીતે લજવી શકે?
૪. રામજન્મભૂમિનો ઉકેલ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પ્રમાણે કરવામાં આવે.
મંદિરના પક્ષકાર: મંદિરના પક્ષકારોને આ સુચન સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ સમસ્યા એ છે કે ન્યાયાલયો દશકોથી આ બાબતે કોઈ ચુકાદો જ આપી રહ્યા નહોતા. ૧-૨ દશક નહિ, ૯૦-૯૦ વર્ષોથી આ ખટલો એક યા બીજા ન્યાયાલયમાં ચાલી રહ્યો છે. જી હા, આ ખટલો આઝાદીથી પણ પહેલાનો ચાલી રહ્યો છે.
આમ તો આ કેસ સાવ સીધો ને સટ છે. મુખ્ય પક્ષકાર તરીકે સ્વયં રામલલાને કોર્ટે માન્ય રાખ્યા છે અને પુરાતત્વ વિભાગે અત્યંત સ્પષ્ટ પુરાવાઓ આપીને ઉચ્ચન્યાયાલયમાં એ નીર્વીવાદિત રીતે પ્રમાણિત કરી દીધું છે કે એ ભૂમિ રામલલાની જ હતી. પરંતુ કોર્ટ છે કે જે દાયકાઓથી ચલકચલાણું ભર્યે રાખે છે. ચુકાદો આપવાને બદલે વિવિધ પક્ષકારોને કોર્ટની બહાર સમાધાન કરી લેવાની વણમાંગી સલાહ આપ્યા કરે છે, કે જયારે તેમનું કામ એક સ્પષ્ટ અને નિષ્પક્ષ ચુકાદો આપવા પુરતું જ સીમિત છે. વળી આ કેસમાં એક પછી એક દરેક કોર્ટોએ વિવાદાસ્પદ ચુકાદાઓ આપ્યા છે, અને એ કારણથી જ આ કેસ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો છે. આ ઉપરાંત તાજેતરના સમયમાં ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા હિંદુ તહેવારો ઉપર વિવાદાસ્પદ ચુકાદાઓ આપયેલા છે માટે મંદિરના પક્ષકારોને ચિંતા છે.
૫. કહેવાતા બુદ્ધિજીવીઓ, ડાબરીઓ અને હિંદુ વિચારધારાના વિરોધીઓનું સુચન છે કે રામજન્મભૂમિ ઉપર મંદિર કે મસ્જીદ બનાવવાને બદલે એક હોસ્પિટલ બનાવવી જોઈએ કે જેથી એ જગ્યા લોકોપયોગી બને.
મંદિરના પક્ષકાર: સ્વાભાવિક રીતે જ મંદિરના પક્ષકારો માટે આ સુચન સદંતર અસ્વીકાર્ય છે. તેમના પ્રમાણે શું આ દેશમાં બધું હિન્દુઓએ જ જતું કરવાનું છે? જે જે લોકો અને રાજકીય પક્ષો આવું સુચન કરી રહ્યા છે તેમના પોતાના રાજનેતાઓની સમાધિ માટે હજારો એકરની મુલ્યવાન જમીનો વર્ષોથી કોઈ કારણ વગર રોકાયેલી છે. શું ત્યાં કોઈ હોસ્પિટલ બનાવીને તે જમીનને લોકોપયોગી નાં બનાવી શકાય? શું તેમના પૂર્વજોની જગ્યા મહત્વપૂર્ણ છે પરંતુ હિન્દુઓના પૂર્વજોની દરેક વસ્તુ વેડફવા માટે બનેલી છે? પ્રભુ શ્રી રામનો જ્યાં જન્મ થયો હતો ત્યાં તો હોસ્પિટલ બનાવાનું સુચન તમે ટાઢે કોઠે આપી દો છો, પણ શું તમે મક્કાની જગ્યાએ એક હોસ્પિટલ બનાવવાનું સુચન ભૂલથી પણ આપવાની હિંમત કરી શકો છો ખરા?
૬. માત્ર શિયાઓ સાથે જ નહિ, સુન્ની મુસ્લિમો સાથે પણ ચર્ચા કરીને મંદિર વિવાદનો ઉકેલ લાવો.
મંદિરના પક્ષકાર: બાબરી મસ્જીદ એ શિયા મસ્જીદ હતી અને છેક ૭૦ ના દાયકા સુધી મસ્જીદ તરફથી શિયા વકફ બોર્ડ એ એકમાત્ર પક્ષકાર હતા. ત્યારબાદ આ વિવાદમાં સુન્ની વકફબોર્ડ પણ પક્ષકાર બન્યું કે જેને આ વિષયમાં કોઈ લેવા દેવા જ નહોતા. માટે પાછળથી આવેલા પક્ષકાર સાથે મંદિરના પક્ષકારો કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શિયા વકફબોર્ડ રામ મંદિર ત્યાં જ બનાવવા માટે મોટે ભાગે તૈયાર થઇ ગયું છે એવા અહેવાલો આવી ચુક્યા છે.
ટૂંકમાં, મંદિરના પક્ષકારો એક બાબતમાં સ્પષ્ટ છે કે રામ મંદિર બનશે અને કોઈપણ બાંધછોડ કર્યા વગર જ બનશે. તેમના માટે આ એક નિષ્ઠાનો વિષય છે, ગરિમાનો મુદ્દો છે, આત્મસન્માનની લડાઈ છે. તેમના માટે આ વિષય એ આ દેશ ઉપર રામ રાજ્યનો રણકાર કરવાનો એક પડકાર સમાન છે. સ્પષ્ટ છે કે તેઓએ આ પડકાર ઝીલી લીધો છે અને તેઓ માટે તેમાં કોઈપણ બાંધછોડને અવકાશ નથી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો