રાવણની અસલી લંકા ક્યાં હતી? શ્રીલંકા કે સુમાત્રા?

 જેટલા પણ સંશોધકોએ રાવણની અસલી લંકાના સ્થાન વિષે સંશોધન કર્યું છે એ બધા એક વાત ઉપર તો સહમત છે જ, કે અત્યારનું શ્રીલંકા એ રામાયણ કાળની અસલી લંકા નથી. 

વિવિધ સંશોધકો લંકા વિષે વિવિધ તારણો આપે છે. તમિલનાડુના સંશોધક એન. મહાલીંગમના પ્રમાણે તો અસલ લંકા આફ્રિકામાં આવેલ મડાગાસ્કર ટાપુ ઉપર આવેલી હતી. વળી ઘણા છેક ઓસ્ટ્રેલિયાને અસલી લંકા માને છે. પરંતુ હું આ લેખમાં એ મત રજૂ કરવા જઈ રહ્યો છું કે જે મને સૌથી વધુ ઊંડાણ વાળો અને વિશ્વસનીય લાગે છે. અને એ મત છે, અસલી લંકા એ અત્યારના સુમાત્રા ટાપુઓમાં આવેલી હતી.

તો ચાલો આપણે જોઈએ કે સુમાત્રાના અસલી લંકા હોવાના શું શું પુરાવાઓ ઉપલબ્ધ છે.

ખાસ નોંધ: નીચે આપેલ તારણો શ્રી એન એન અધિકારી દ્વારા લગભગ ૧૦૦ વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિષય ઉપર જો કોઈ વધુ સંશોધન થયું હોય તો મને ખબર નથી. જો કોઈના જાણવામાં નવા સંશોધન આવે તો કૃપા કરીને માને જણાવે.. 

પ્રો. એન એન અધિકારીએ ઇંડિયન નેશનલ હેરાલ્ડમાં નીચે પ્રમાણે પુરાવાઓ આપેલા છે. 

૧. વાયુ પુરાણ પ્રમાણે લંકા જંબુદ્વીપની બહાર આવેલી હતી. માટે તેનું ભારત ખંડની બહાર હોવું આવશ્યક હતું. આ માટે વર્તમાન શ્રીલંકા દેશ અસલી લંકા નૅ હોઇ શકે કારણકે તે ભારત ખંડનો જ એક ભાગ મનાય છે. 

૨. જંબુદ્વિપ સિવાય બીજા ૬ દ્વીપ જંબુદ્વીપની દક્ષિણ તરફ આવેલા છે. આમાંથી એક દ્વીપ છે મલયદ્વિપ કે જે આજના મલેશિયા, ઈન્ડોનેશિયા અને આજુબાજુના ટાપુ સમૂહો છે એમ કહી શકાય. રામાયણ યુદ્ધકાંડ પ્રમાણે રાવણની લંકા મલય દ્વિપના ત્રિકૂટ પર્વત ઉપર આવેલી હતી (યુદ્ધકાંડ ૨,૧૦).

૩. હનુમાનજીનો કૂદકો ૧૦૦ યોજનનો હતો (વાલ્મીકિ રામાયણ, સુંદરકાંડ ૬૬.૯-૧૦). અને રામેશ્વરમ અને લંકા વચ્ચે બંધાયેલો સેતુ પણ ૧૦૦ યોજનનો હતો (વાલ્મીકિ રામાયણ, યુદ્ધકાંડ ૨૨.૫૮-૬૮). આનો અર્થ એ થયો કે લંકા રામેશ્વરમથી ૧૨૦૦ કિલોમીટર દૂર હતી (જો કે યોજનના માપમાં પણ વિવાદો છે, પરંતુ ૧ યોજન = ૧૨ કિલોમીટર એ માપ બહૂસવિકૃત છે). જ્યારે વર્તમાન શ્રીલંકા રામેશ્વરમથી માત્ર ૨૪ કિલોમીટર દૂર છે. યોજનના કોઈપણ માપ પ્રમાણે ૧૦૦ યોજન એ ૨૪ કિલોમીટરથી ક્યાંય વધારે જ થાય છે. 

૪. નીચે આપેલો નકશો જુઓ. સુમાત્રા દ્વિપનો સૌથી નજીકનો છેડો ૧૭૦૦ કિલોમીટર છે. આપણે જાણીએ છીએ કે ઇતિહાસમાં સમુદ્રની ઊંચાઈ વધીને અનેક ભૂભાગ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. તો એ શક્ય છે કે સુમાત્રાની પશ્ચિમે ૪૦૦-૫૦૦ કિલોમીટરનો વિસ્તાર ડૂબી ગયો હોય. 


૫. લંકા એ એક "પૂરી" કહેવામાં આવી છે, સ્વયં એક દ્વિપ નહીં. અર્થાત લંકા એ કોઈ દ્વિપમાં આવેલું નગર હતું. જ્યારે શ્રીલંકા પોતે એક દ્વિપ છે. હાલમાં ભલે સુમાત્રા ઈન્ડોનેશિયા દેશમાં આવેલું હોય, પરંતુ વાસ્તવમાં પહેલેથી જ ઈન્ડોનેશિયા અને મલેશિયાનો આખો ભૂ ભાગ મલય સંસ્કૃતિ હતો અને બધા મલાઈ ભાષા જ બોલતા. આ ઉપરથી કહી શકાય કે મલય દ્વિપ એ એકસમાન પ્રજાતિનોનો મોટો દ્વિપ હતો અને એમાં અનેક નગરો આવેલા હતા. એમાનું એક નગર એ અત્યારની સુમાત્રા કે જે અસલી લંકા હોઇ શકે. 

૬. ફ્લોરિજ દ્વિપના રહેવાસીઓ રાકકા કહેવાતા હતા. રાકકા શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ રાક્ષસ સાથે મળતો આવે છે. રાકકા ત્યાંનાં મૂળ રહેવાસીઓ છે કે જેઓ કાળા, ભયંકર દેખાવ વાળા, સશક્ત અને અતિક્રૂર સ્વભાવના હોય છે. રાવણની રાક્ષસ જાતિને આ વર્ણન મળતું આવે છે. 

૭. સુમાત્રા દ્વિપ ઉપર જ એક લારાંતક નામે એક નગર આવેલું છે. રાવણની સેનામાં એક નરાંતક નામે ભયંકર યોદ્ધા હતો કે જેના નામથી આ નગરનું નામ પડ્યું હોઇ શકે. 

૮. સુમાત્રા દ્વિપસમૂહ ઉપર એક 'સોમલંગા' નામે નગર આવેલું છે. પૂર્વે તે 'સોનીલંકા' નામે જાણીતું હતું. આ નામ 'સ્વર્ણ લંકા' સાથે મળતું આવે છે. એટલુંજ નહીં, આ નગર બરાબર દરિયાકિનારે આવેલું છે. આજે પણ (એટલે કે જ્યારે આ અભ્યાસ થયો ત્યારે, ૧૦૦ વર્ષ પહેલા) સુમાત્રા દ્વિપો તેના સોના માટે પ્રખ્યાત છે. 

૯. ત્યાં એક લંકતા (અથવા લંતા) નામે નગર છે કે જેની ઉત્તરમાં "ગોલ્ડન માઉન્ટેન" આવેલો છે. આ પર્વત રામાયણમાં વર્ણવેલો "કંચન ગીરી" પર્વત હોઇ શકે. સુમાત્રાની પૂર્વમાં એક 'રૂપત' નામનો દ્વિપ આવેલો છે. રામાયણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાવણની લંકા પાસે એક 'રૂપક' નામનો દ્વિપ આવેલો છે. એ આ દ્વિપ હોઇ શકે. વળી વર્તમાન શ્રીલંકાની આજુબાજુ કોઈ દ્વિપ આવેલો નથી. 

૧૦. ભાસ્કરાચાર્યે અવંતિનું સ્થાન બતાવવા માટે લંકાનો સંદર્ભ આપતી વખતે લંકા નગરીને "નિરક્ષ" કહી છે, અર્થાત કે જેના સ્થાનને કોઈ અક્ષ નથી, એટલે કે શૂન્ય રેખાંશ. સુમાત્રા બરાબર શૂન્ય રેખાંશ પર આવેલું છે, કે જ્યારે વર્તમાન શ્રીલંકા ૮ રેખાંશ ઉપર આવેલું છે. જુઓ નીચેનું ચિત્ર. 


ઉપર જે રીતે જણાવ્યું તે રીતે એવું પર્યાપ્ત રીતે પ્રસ્થાપિત થાય છે કે અસલી લંકા વર્તમાન શ્રીલંકા નહીં પણ સુમાત્રા જ છે. આ ઉપરાંત મારા પોતાના પણ અમુક તારણો છે કે જે હું નીચે મુજબ લખીશ. 

મારા પોતાના તારણો:

૧. રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણ, બંનેમાં લંકાને એક અતિ દુર્ગમ સ્થાન ઉપર આવેલી કહેવામાં આવી છે. વર્તમાન શ્રીલંકા એ કોઈપણ પ્રકારે અતિદુર્ગમ સ્થાન નથી. એ સમયની ખૂબ લાંબે કૂદી શકતી વાનર પ્રજાતિ, અને હવામાં ઊડી શકતી રાક્ષસ પ્રજાતિ માટે માત્ર ૨૪ કિલોમીટર દૂર આવેલી લંકા કોઈ દુર્ગમ સ્થાન નહોતું. એ સમયે નૌકા વિજ્ઞાન પણ ખુબજ વિકસેલું હતું (વાનર સેનાએ સર્વપ્રથમ નૌકામાર્ગથી લંકા પહોંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ વિભીષણે એમાં સમારીક જોખમો બતાવીને તે પ્રસ્તાવ ટાળી દીધો હતો).  અને ૨૪ કિલોમીટર સમુદ્રમાં તરીને જઈ શકે એવા લોકો તો આજે પણ મળી આવે છે. આમ કોઈપણ વ્યક્તિ માટે શ્રીલંકાનો પ્રદેશ દુર્ગમ નહોતો. અને વળી લંકા આર્યાવર્ત અને ભારતખંડનો જ એક ભાગ હતું. સુમાત્રા ખરેખર સુદૂર આવેલો દ્વિપ છે.

૨. રાવણ સીતા માતાને લઈને પુષ્પક વિમાનમાં ઊડ્યો ત્યારે નીચે જે જે ભૂમિના સ્થાનો વર્ણવવામાં આવ્યા છે (જેમકે મહેન્દ્રગિરિ પર્વત અને કિષ્કિંધા, જટાયુંનું સ્થાન વગેરે) એ સ્થાનો પુષ્પક વિમાનનો રસ્તો બતાવે છે. આ રસ્તો જે વર્ણવવામાં આવ્યો છે તે સુમાત્રા જવા માટે બરાબર બંધબેસતો છે. જો કે એ હવાઈ રસ્તો વર્તમાન શ્રીલંકા માટે પણ બંધબેસતો છે પરંતુ એ વાત નક્કી છે કે રાવણ દક્ષિણ પૂર્વ દિશા તરફ ગયો હતો, દક્ષિણ પશ્ચિમ તરફ નહીં. તેથી મડાગાસ્કર, માલદીવ વગેરે જેવા પશ્ચિમ તરફના દ્વિપોં લક્ષમાં લઈ શકાય નહીં.

3. રામચરિતમાનસ સ્પષ્ટપણે વર્ણવે છે કે લંકાની ચારે બાજુ ખુબજ ઊડો સાગર આવેલો હતો. શ્રીલંકાની પાસેનો સાગર ખુબજ છીછરો છે. જ્યારે સુમાત્રા પાસેનો સાગર ખુબજ ઊંડો છે. જુઓ નીચેના સમુદ્રની ઊંડાઈના ૩D માનચિત્રો. 

શ્રીલંકા પાસેના સમુદ્રની ઊંડાઈ

સુમાત્રા પાસેના સમુદ્રની ઊંડાઈ


4. આજે પણ ઈન્ડોનેશિયામાં રામાયણની સંસ્કૃતિ ખૂણે ખૂણે જોવા મળે છે. વિષ્ણુ ભગવાન અને તેમના વાહન ગરુડનું પણ મહત્વ અનન્ય છે. ત્યાંની એક અલાયદી રામાયણ પણ છે, અને ત્યાંનાં લોકો રામ ભગવાનને પોતાના પૂર્વજ માને છે, અને ઠેરઠેર રોજ રામલીલાઑનું મંચન થાય છે. ત્યાંનાં સ્થાનોના નામે ભારતીય નામો સાથે ખુબજ મળતા આવે છે, અને ભાષા અને શબ્દોમાં પણ સંસ્કૃત સાથે એક ચોક્કસ સામ્ય છે. 

આ રીતે એ સ્પષ્ટપણે કહી શકાય કે વર્તમાન શ્રીલંકા તો અસલ લંકા નથી જ. સુમાત્રા અસલ લંકા હોવાની સંભાવના ખૂબ વધારે છે. 

__/\__ જય સિયા રામ __/\__ 

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે