શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૩

 

પ્રાચીન ભારતની ન્યાય વ્યવસ્થા


આપણે ભાગ ૧ માં જોયું કે શા માટે ભારત માટે લોકશાહી એ એક આદર્શ શાસન વ્યવસ્થા નથી. 

આપણે ભાગ ૨ માં જોયું કે પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા કેવી હતી. 

હવે આપણે આ ભાગમાં જોઈશું કે પ્રાચીન ભારતની ન્યાય વ્યવસ્થા કેવી હતી અને શા માટે એ અત્યારની ખખડધજ વ્યવસ્થા કરતાં ક્યાંય ઉત્કૃષ્ટ હતી. 

કદાચ વાંચકો વિચારતા હશે કે કાયદા વ્યવસ્થાનો વિષય આ રાજકીય પરિવર્તનના વિષયમાં શા માટે ઘૂસાડવામાં આવ્યો? એનું કારણ એ છે કે રાજકીય વ્યવસ્થા બદલવી શા માટે જરૂરી છે એ સમજવા માટે પણ આપણી વર્તમાન અને પુરાણી ન્યાય વ્યવસ્થા સમજવી ખૂબ જરૂરી છે.

સર્વપ્રથમ આપણે અત્યારની ન્યાય વ્યવસ્થા જોઈશું. અત્યારની ન્યાય વ્યવસ્થા ભારતમાં ૧૯૫૦ થી લાગુ છે. આ સંવિધાન દુનિયાના અનેક દેશોના સંવિધાનોમાંથી નર્યો ઉતારો કરીને બનાવવામાં આવ્યું હતું. માત્ર એક જ દેશના સંવિધાનને ધ્યાનમાં લેવાયું નહોતું, અને એ હતો, ભારત દેશ પોતે! તો શું ભારતમાં પોતાનું કોઈ સંવિધાન હતું જ નહીં? યુગો યુગોથી ભારતીય ન્યાય પ્રણાલી કોઈપણ પ્રકારના સંવિધાન વગર જ ચાલતી હતી? સ્વાભાવિક રીતે જ એ શક્ય નથી. 

આ આધુનિક વર્તમાન ભારતીય સંવિધાનના રચયિતા શ્રી ભીમરાવ રામજી આંબેડકરનાં પોતાના વિચારો કઈંક આવા હતા. 

"મારા મિત્રો કહે છે કે આ સંવિધાન મે બનાવ્યું છે. પણ જો મને તક મળે તો સૌથી પહેલા હું જ આ સંવિધાન ને બાળી નાંખું"  - ભીમરાવ રામજી આંબેડકર, ૧૯૫૫ માં.


અભ્યાસુઓ આંબેડકરજીના આ વિધાનના અર્થ માટે માટે અલગ અલગ મત ધરાવે છે. પણ એક વાત તો સર્વ સ્વીકૃત છે કે આ સંવિધાનથી તેઑ પોતે સંતુષ્ટ નહોતા. માટે આ સંવિધાન કોઈ એવી વસ્તુ નથી કે જેની ટીકા ના કરી શકાય કે બદલી ના શકાય. આમ પણ આ સંવિધાનમાં પહેલેથી અત્યાર સુધીમાં ૭૨ સંશોધનો થઈ ચૂક્યા છે. 

હવે અમુક પ્રશ્નો બહુ મહત્વના છે જે હું અહીં પૂછીશ અને જવાબ પણ આપીશ. 

શા માટે ભારતીયો વર્તમાન સંવિધાનથી દુર્લક્ષ સેવે છે?

કારણકે આ અટપટું સંવિધાન કોઈને સમજાય એવું નથી, કારણકે એમાં ભારતીય સમાજ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે અવગણીને સંસારમાં જેટલી પણ પ્રકારની પરિસ્થિતિઓ હોય એ બધા માટે સંવૈધાનિક કલ્પના કરીને તેના નિર્ણયો આપવાનો વ્યર્થ અને મૂર્ખામી ભર્યો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે જરૂર હતી માત્ર મૂળભૂત સિદ્ધાંતો આપવાની. કોઈ ધસમસતી નદીને રેતીના ઢગલા વડે બાંધવાના પ્રયાસ જેવો આ પ્રયાસ છે. માટે જ લોકોને વકીલોની જરૂર પડે છે, અને વકીલો પણ સતત મુંજાતા રહે છે. અંતે વાક્ચાતુર્ય અને બુધ્ધિ ચાતુર્ય વાળો વકીલ વધુ પ્રભાવી હોય છે. માટે કોઈ સામાન્ય નાગરિક આ બાબતો સમજવામાં સમય વ્યય કરતો નથી. આ ઉપરાંત વર્તમાન ન્યાય વ્યવસ્થા સંપૂર્ણ રીતે અપારદર્શી છે. કયા કેસમાં કયા ન્યાયાધીશ આવશે, ક્યાં સુધી ચાલશે, તે ન્યાયાધીશની લાયકાત શું છે, ક્યારે ન્યાયાધીશ બદલી જશે, ન્યાયાધીશ કઈ રીતે ન્યાયાધીશ બની ગયા, આવી કોઈપણ વાત વાદીઓ અને પ્રતિવાદીઓના હાથમાં નથી. માટે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી કે તેઑ બધુ ભગવાનના હાથમાં છોડી દેવા માટે વિવશ છે. 

શા માટે ભારતના ન્યાયલયોમાં દશકો સુધી કેસો ચાલ્યા કરે છે?

કારણકે આપણું સંવિધાન આખા દેશની ન્યાય વ્યવસ્થા કેન્દ્રીય રીતે ચલાવવા માંગે છે. અને દરેકને એકજ લાકડીએ હાંકવાં માંગે છે. જ્યારે ભારતીય સમાજ વ્યવસ્થા દર ૧૨ ગમે બોલી બદલાય એમ બદલાતી રહે છે. આટલો મોટો ભાર એક કેન્દ્રીય સંસ્થા કઈ રીતે ઉપાડી શકે? અને વળી દરેક સમાજના નિયમો કઈ રીતે કેન્દ્રીય રીતે સમજી શકાય? જેમકે ભારતના અમુક સમાજમાં લગ્ન બહારના સંબંધો અનૈતિક માનવામાં નથી આવતા. પણ મોટા ભાગના ભારતમાં તેને અપરાધ માનવામાં આવે છે. પરંતુ સંવિધાન કહે છે કે એકબીજાની સહમતીથી બંધાયેલો કોઈપણ સંબંધ ન્યાયપૂર્ણ છે! આ વાત કઈ રીતે ભારતીય સમાજમાં બંધ બેસાડવી? ભારતીય સમાજમાં સંતાનોના લગ્નમાં માતા-પિતાની સહમતી અને આગેવાની અનિવાર્ય છે. જ્યારે કાયદા પ્રમાણે લગ્નમાં માતા-પિતાનું કોઈ અસ્તિત્વ જ નથી! સંવિધાનમાં ચોરી એ ચોરી જ છે, પછી એ ગમે તેટલી નાની કે મોટી હોય. બધાની સજા એકજ છે. જ્યારે ભારતીય સમાજમાં ચોરી પાછળનો આશય જોવામાં આવે છે, અને તેનું કદ પણ જોવામાં આવે છે. રોટલીના ટુકડાની ચોરી, એ ચોરી નથી મનાતી. અને કોઇના જીવનની જમાપૂંજી, ભલે પછી એ ૫૦૦ રૂપિયા જ કેમ ના હોય, એ ચોરવી એ તવંગરના ૫ લાખ રૂપિયા ચોરવા કરતાં મોટું મનાય છે. પણ સંવિધાનની દ્રષ્ટિએ આ બધા સમાન છે. આ તો અમુક જ ઉદાહરણ છે. મોટાભાગના કાયદાઓમાં સમાજની માન્યતા સાથે મોટો વિરોધાભાસ જોવામાં આવે છે. અને આ બધુ એક કેન્દ્રીય રીતે બેસીને મૂલવવું એ કોઈપણ વ્યવસ્થા માટે બહુ મોટો પડકાર છે. માટે જ ન્યાયમાં વાર પણ લાગે છે, અને અંતે વાસ્તવિક ન્યાય મળતો પણ નથી.  

શા માટે લોકો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કાયદાઓ તોડવા માટે તત્પર હોય છે?

આપણે જોઈએ છીએ કે લોકો નાના મોટા કાયદાઓ સતત તોડતા રહે છે. સ્વયં શિસ્ત પાડવાને બદલે સજા ના ડરથી મોટા અપરાધો કરતાં આચકાય છે. જે લોકો કાનૂન વ્યવસ્થાથી છટકી શકે છે એ લોકોને કોઈ બીક નથી. આવું શા માટે? આવું એટલા માટે કારણકે આ સંવિધાન બનાવતી વખતે કોઈને પૂછવામાં જ નથી આવ્યું કે એ લોકોને શું જોઈએ છે. આ સંવિધાન લોકો ઉપર થોપી દેવામાં આવ્યું છે. માટે સ્વાભાવિક રીતે જ લોકોને તેની સાથે કોઈ લગાવ નથી અને બિનજરૂરી ભાર જ લાગે છે. પણ જો કોઈ એવી વ્યવસ્થા હોય કે જેમાં લોકો પોતાના નિયમો પોતે જ બનાવે તો કેવું રહે? જેમ ઘરના નિયમો ઘર વાળા જ બનાવે છે અને માટે સૌ કોઈ તેનું અનુસરણ કરે છે, એમ જો સમાજ અને દેશના નિયમો પણ સમાજ દ્વારા જ બનાવવામાં આવે તો લોકો સ્વેચ્છાએ એનું પાલન ના કરે? કરે જ!

તો શું પ્રાચીન ભારતીય ન્યાય પ્રણાલીમાં આ બધી સમસ્યાઓ નહોતી?

ના. નહોતી. કારણકે એ વ્યવસ્થા વિકેન્દ્રિત હતી અને સમાજના પોતાના દ્વારા બનાવવામાં આવી હતી. અને તે વ્યવસ્થા સંપૂર્ણ રીતે લોકસત્તા દ્વારા ચાલતી હતી.

જેમ એક ઘરમાં રહેનાર દરેક વ્યક્તિ પોતાની સહમતી અને સહભાગિતા સાથે ઘરના નિયમો બનાવે છે તે જ રીતે દરેક જ્ઞાતિના પોતાના સમાજ બનેલા હતા. આ સમાજના પ્રમુખો જ્ઞાતિ દ્વારા જ ચુંટવામાં આવતા અને જ્ઞાતિના નિયમો પણ તે જ સમાજ દ્વારા બનાવવામાં આવતા. જ્ઞાતિ પ્રમુખો સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હોતા, કે જેથી તેઑ દરેક વખતે જ્ઞાતિના નિયમો પ્રમાણે ન્યાય થાય એ ધ્યાન રાખતા અને બધા તે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરતાં. આ વ્યવસ્થા હજુ થોડા સમય પહેલા સુધી અમલી હતી અને હરિયાણા પ્રદેશમાં થોડા જ વર્ષો પહેલા સુધી આવી પંચાયતો ભરાતી. આ ઉપરાંત જ્ઞાતિમાં શાખ હોય તો જ લોકોના વ્યવહાર ચાલતા, અને જો જ્ઞાતિ બહાર થઈ જાય તો તેઑ સામાજિક રીતે નોંધારા થઈ જતા. માટે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતું નહીં.  

આંતર જ્ઞાતિય વિવાદો માટે પંચાયતો હતી કે જે પણ લોકો દ્વારા જ ચુંટવામાં આવતી. જો કે પંચાયતો આજે પણ છે, પરંતુ તેમના નિયમો કેન્દ્રીય રીતે બનેલા છે માટે સ્થાનિક પ્રજાને એના સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે પુરાણી વ્યવસ્થામાં પંચાયતના નિયમો પણ ગ્રામજનો જ બનાવતા. પંચાયતથી ઉપર નગર અધિકારીઓ હતા અને તેની ઉપર જનપદ અધિકારીઓ હતા. જો મોટું રાજ્ય હોય તો મહાજનપદ પણ હોતા, અને સૌથી ઉપર રાજા અધિકારી હતો. રાજાનું મંત્રીમંડળ પણ લોકો દ્વારા ચૂંટેલું હતું (વાંચો ભાગ ૨). 

ઉપર જણાવેલ દરેક સ્તરે નિયમો બનાવવામાં અને ન્યાયાધીશો નીમવામાં એમ બંનેમાં લોકભાગીદારી હતી. માટે ન્યાય વ્યવસ્થા સ્વયં શિસ્તથી ચાલતી અને જડપી, સુગમ અને સર્વસ્વીકૃત રહેતી. પરંતુ આ બધા સમાજોના નિયમો પણ કઈં મન પડે એમ બનાવતા નહીં. દરેક સમાજનું અને રાજ્યના ન્યાયતંત્રનું પાયાનું માળખું હમેશા ભારતીય વેદિક વ્યવસ્થાના આધારે જ બનતું. આ માળખું બનતું સનાતન ધર્મ શાસ્ત્રો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને બીજી પ્રચલિત સ્મૃતિઓ અને વેદોના વિધાનો પ્રમાણે. આ રીતે આખા આર્યાવતના વિવિધ સમાજોના નિયમો ભલે થોડા ઘણા અલગ હોય, પરંતુ મૂળભૂત સિદ્ધાંતોની રીતે બધાનો પાયો એક જ સૂત્રથી બંધાયેલો હતો. આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન ના તો એક જ્ઞાતિના સ્તરે થતું કે ના તો એક જ્ઞાતિના સ્તરે થતું કે ના તો ચક્રવાર્તિ રાજાના સ્તરે થતું. કારણકે આ એવા ગ્રંથો હતા કે જેને તેઑ પુરાતન કાળથી પૂજતા આવ્યા હતા અને આ ગ્રંથોએ સૌના પૂર્વજોનું જીવન (આ લોક અને પરલોકમાં પણ) ધન્ય બનાવ્યું હતું. એટલે એનાથી ડગવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. કેવી સુંદર, ગૂઢ, પરિષ્કૃત અને સુવિવેકી વ્યવસ્થા હતી આ!

શું આ વ્યવસ્થા પાછી લાવી શકાય? 

કદાચ સંપૂર્ણપણે આ વ્યવસ્થા પાછી લાવવાનો અવસર હવે જતો રહ્યો છે. આપણે એ વ્યવસ્થાથી એટલા દૂર નીકળી ગયા છીએ કે હવે ત્યાં સુધી જવું ખૂબ અઘરું લાગે છે. જેમકે લોકોને ફરીથી જ્ઞાતિના વાળામાં પહેલાંની જેમ બાંધવા એ લગભગ અશક્ય લાગે છે. પણ એનો અર્થ એ નથી કે આપણે કઈં પણ ના કરી શકીએ. સર્વપ્રથમ તો આપણાં સંવિધાનને ધળમૂળથી બદલીને તેમાં ભારતીય સમાજ વ્યવસ્થાના મૂલ્યો પ્રમાણે, ધર્મ શાસ્ત્રો પ્રમાણે નિયમો લાવવાની જરૂર છે. ત્યારેજ લોકો આ સંવિધાનને પોતાનું માની શકશે, અને તેને આદર આપી શકશે.

આ ઉપરાંત ન્યાય તંત્ર અને નિયમોના વિકેન્દ્રીકરણ, તેમાં સમાજની ભાગીદારી અને ન્યાયાધીશોની ચયન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની અત્યંત આવશ્યકતા છે. એ ના કરવાની સ્થિતિમાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરવાના માર્ગો શોધતા રહેશે. 

પરંતુ હવે આવ ધળમૂળ પરિવર્તનો કરવા કઈ રીતે? શું વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં આવ પરિવર્તનો શક્ય છે?

ના. કદાચ નથી. અને માટે જ આ આખી રાજકીય પ્રણાલી જ બદલવી આવશ્યક છે. 

તો શું અત્યારની લોકશાહી વ્યવસ્થા બદલી શકાય? જો હા, તો કઈ રીતે બદલી શકાય?

આ વિષય માટે વાંચો મારો આ શ્રેણીનો અંતિમ ભાગ, ભાગ ૪

ટિપ્પણીઓ

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું ભારતમાં ખરેખર સતી પ્રથા હતી? શાસ્ત્રોની દ્રષ્ટિએ 'સતી' નો અર્થ શું છે? સ્ત્રીએ પતિવ્રતા શા માટે થવું?

કર્મકાંડ કરતા બ્રાહ્મણોને એક શુભચિંતકનો સંદેશ

કામ સહવાસ ક્રિયા વિષે શાસ્ત્રોનો અભિપ્રાય શું છે?

ભારતીય શિક્ષણ પ્રણાલીનો ઈતિહાસ અને તેનું અંગ્રેજો દ્વારા કરાયેલું નિકંદન - ભાગ ૨

એક વર્ષમાં નવરાત્રી કેટલી?

શક્તિનું અનુષ્ઠાન કઈ રીતે કરવું?

અમદાવાદના લંપટ-કામી બાદશાહ ઉપર ગરબો - એ કે લાલ દરવાજે તંબુ તોણીયા રેલોલ

જ્યોતિષની દ્રષ્ટીએ ગર્ભસંસ્કાર - કરો ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ

નવરાત્રી શા માટે ઉજવાય છે?

ભજન - મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે